પ્રદૂષણથી ખરાબ થઈ ગઈ છે તમારી સ્કિન? તો ઘેરબેઠાં આટલું કરી લો

21 November, 2023 03:47 PM IST  |  Mumbai | Heena Patel

આજકાલ પ્રદૂષણ એટલું વધુ ગયું છે કે એની અસર આપણી હેલ્થ પર તો થાય જ સાથે-સાથે આપણી સ્કિન પણ ડૅમેજ થાય છે. ડસ્ટ અને પ્રદૂષિત કણોથી ત્વચા ડલ થઈ જાય છે. એને સાફસૂથરી અને ગ્લોઇંગ રાખવા માટે ફેસ સ્ટીમિંગ અને કોલ્ડ વેપર લેશો તો બેટર થઈ જશે તમારી સ્કિન હેલ્થ

પ્રતીકાત્મક તસવીર

શ્વસનનું કામ માત્ર ફેફસાં જ નથી કરતાં, ત્વચા થકી પણ થાય છે અને એટલે પ્રદૂષણની અસર ત્વચા પર પણ થાય છે. ડસ્ટ, ઝેરી હવા અને રજકણો ત્વચા પર જામી જાય છે; જેને સમયાંતરે સાફ કરવાની જરૂર પડે છે. આ માટે ફેસ સ્ટીમિંગ અને કોલ્ડ વેપર એક નૅચરલ, અફૉર્ડેબલ, સેફેસ્ટ અને કોઈ પણ ઈઝીલી ઘરમાં કરી શકે એવી સ્કિન કૅર ટેક્નિક છે. આ પદ્ધતિ તમારા ફેસને ક્લીન અને ગ્લોઇંગ બનાવી શકે છે. જોકે એ કરતી વખતે કેટલીક ઝીણી-ઝીણી વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે, જે જનરલી લોકો ફૉલો કરતા નથી પરિણામે સ્કિનને ફાયદો થવાને બદલે નુકસાન પણ થઈ શકે છે. 

સ્ટીમ લેતાં પહેલાં કઈ કાળજી રાખવી?

કોરોના વખતે પ્રિવેન્શન માટે સ્ટીમ લેતાં તો બધાંને આવડી ગઈ હશે, પણ ત્વચાની કાળજી કઈ રીતે રાખવી એની સભાનતા નથી આવી. ત્વચાની કૅરનાં સ્ટેપ્સ સમજાવતાં ડર્મેટોલૉજિસ્ટ ડૉ. મૃણાલ શાહ મોદી કહે છે, ‘સ્ટીમ લેતાં પહેલાં ચહેરાને સરખી રીતે સાફ કરવો ખૂબ જરૂરી છે. એટલે ક્લેન્ઝરથી ફેસને વૉશ કરવો જોઈએ. જો ફેસને ધોયા વગર જ સ્ટીમિંગ લેવાનું શરૂ કરી દેશો તો પોર્સના ખૂલ્યા પછી ચહેરા પરની ગંદકી દૂર નહીં થાય, જે પછી ઍક્નેનું કારણ બની શકે. ફેસ સ્ટીમિંગ ઑઇલી અને થિક સ્કિન માટે છે. એટલે ડ્રાય અને થિન સ્કિન ધરાવતા લોકોએ એ અવૉઇડ કરવું જોઈએ. ફેસ સ્ટીમિંગ કરતી વખતે પાણીનું ટેમ્પરેચર એટલું જ રાખવું જેટલું તમારી સ્કિન સહન કરી શકે. એટલે તમારા આખા ફેસમાં પસીનો ન આવી જાય ત્યાં સુધી સ્ટીમ લેવી જોઈએ. વધુપડતું ગરમ પાણી તમારી સ્કિનને બર્ન કરી શકે છે. જો તમારી સ્કિન વધુપડતી સેન્સિટિવ હોય અથવા રોસેશિયા (એવી બમારી જેમાં ત્વચા પર લાલ ચકામાં પડી જાય) હોય તો પણ ફેસ સ્ટીમિંગ ટાળવું જોઈએ. સ્ટીમ લેતી વખતે ચહેરા પર ખૂબ પસીનો આવે છે. શરીરમાં પાણીની અછત ન સર્જાય એ માટે સ્ટીમ લેતાં પહેલાં પાણી પી લેવું જોઈએ.’

જાણો ફાયદા

સ્ટીમ લેવાથી તમારા પોર્સ ઓપન થઈ જશે એટલે જે પણ ડર્ટ અને ઑઇલ હોય એ બધું સાફ થઈ જાય. એટલે સ્ટીમ લીધા બાદ તમારી ડલ સ્કિન પર ગ્લો આવે છે એમ જણાવતાં ડૉ. મૃણાલ કહે છે, ‘સ્ટીમને કારણે ઑક્સિજન મળવાથી તમારી સ્કિન ઈઝીલી બ્રીધ કરી શકે અને એ અંદરથી હેલ્ધી રહે છે. બીજું એ કે સ્ટીમને કારણે બ્લડ ફ્લો વધે છે, જે કોલાજનને સ્ટિમ્યુલેટ કરે છે, જેથી તમારા ડૅમેજ્ડ સ્કિન સેલ્સ રિપેર થાય છે. સ્ટીમને કારણે તમારી ડેડ સ્કિન રિમૂવ થાય છે. એ સિવાય ચહેરા પર બ્લૅક કે વાઇટ હેડ્સ હોય તો એ કાઢતાં પહેલાં સ્ટીમ લેવું જોઈએ જેથી તમારી સ્કિન સૉફ્ટ થઈ જાય. સ્ટીમ લીધા બાદ સ્કિન કૅર પ્રોડક્ટ પણ સરખી રીતે અસર કરે છે, કારણ કે તમારી સ્કિન એને સારી રીતે ઍબ્સૉર્બ કરી શકે છે.’

સ્ટીમિંગ બાદ આ નહીં ભૂલતા

ઘણા લોકો એમ માને છે કે સ્ટીમ લીધી એટલે કામ પૂરું થઈ ગયું, પણ એવું નથી. એ વાત પર ભાર મૂકતાં ડૉ. મૃણાલ કહે છે, ‘સ્ટીમ લીધા બાદ તમારા ખૂલેલા પોર્સને બંધ કરવા પણ એટલા જ જરૂરી છે નહીંતર તમારી બધી જ મહેનત પર પાણી ફરી શકે. તમે પોર્સ એમ ખુલ્લા જ રહેવા દેશો તો એમાં વધુ ડર્ટ ભરાશે જે ઍક્ને, બ્લૅક હેડ્સ, વાઇટ હેડ્સની સમસ્યા પેદા કરશે. એટલે સ્ટીમ લીધા બાદ પાણીથી તમારો ચહેરો ધોઈને રૂમાલથી હળવા હાથેથી લૂછો. એ પછી મૉઇશ્ચરાઇઝર લગાવીને ફેસ પર હળવા હાથેથી મસાજ કરો. બીજો ઑપ્શન ફેસમાસ્ક પણ છે. તમારી સ્કિન ટાઇપ ઑઇલી હોય તો તમારા માટે ક્લે માસ્ક બેસ્ટ રહેશે.’

ઘરે કઈ રીતે ફેસ સ્ટીમિંગ કરશો?

જો તમારી પાસે સ્ટીમ મશીન ન હોય તો તમે ઘરે ગરમ ટૉવેલની મદદથી પણ ફેસ સ્ટીમ લઈ શકો છો. એ માટે ટૉવેલને ગરમ પાણીમાં પલાળીને નિચોવી લો. એ પછી એને ફેસ પર લપેટી લો. આ પ્રોસેસ તમે ત્રણથી ચાર વાર રિપીટ કરી શકો છો. જો ટૉવેલથી સ્ટીમ ન કરવું હોય તો ડાયરેક્ટ એક મોટા વાસણમાં પાણી ગરમ કરી ચહેરાને એની નજીક રાખી માથાને ટૉવેલથી ઢાંકીને પણ સ્ટીમ લઈ શકો છો.

કોલ્ડ વેપર

ઘણી વાર હૉટ સ્ટીમિંગ બાદ રેડનેસ અને ઇન્ફ્લમેશનને ઓછું કરવા તેમ જ પોર્સને બંધ કરવા માટે ઘણા લોકો કોલ્ડ વેપર લેતા હોય છે, જે કોઈ પણ સ્કિન ટાઇપના લોકો લઈ શકે છે. કોલ્ડ વેપરમાં એક મોટા બાઉલમાં પાણી લઈને એમાં બરફના ટુકડા નાખવાના હોય છે અને એ પાણીમાં મોંઢું ડુબાડવાનું હોય છે. જો તમારી સ્કિન વધુપડતી સેન્સિટિવ હોય તો તમે સૉફ્ટ રૂમાલમાં બરફ નાખીને એને ચહેરા પર હળવા હાથેથી ઘસી શકો છો. બીજું એ કે કોલ્ડ વેપરથી પોર્સ બંધ થઈ જતાં તમારી સ્કિન વધુ સૉફ્ટ અને સ્મૂધ બને છે તેમ જ જે ભાગમાં બરફ લગાવો ત્યાં બ્લડ સર્ક્યુલેશન વધે, જેને કારણે ચહેરા પર લાલાશ આવી જાય જેથી તમને તમારો ચહેરો વધુ ગ્લોઇંગ દેખાય. એ સિવાય સવારે ઊઠ્યા બાદ જો આંખ નીચે સ્વેલિંગ અથવા ફેસ પર પફીનેસ લાગે તો એ માટે પણ નૉર્મલી લોકો કોલ્ડ વેપર કરતા હોય છે, જેથી સૂજન ઘટી જાય. 

સ્ટીમ લેવાથી ત્વચા સાફ થાય છે એ વાત સાચી, પરંતુ એનો પ્રયોગ રોજેરોજ ન કરી શકાય. વધુપડતી ગરમી અને વરાળથી ત્વચાને નુકસાન પણ થઈ શકે છે એટલું યાદ રાખવું.

beauty tips life and style columnists