07 November, 2024 08:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વાળને મેઇન્ટેન કરવામાં હેરબ્રશ અથવા કાંસકાનો મહત્ત્વપૂર્ણ રોલ હોય છે. એના વારંવાર વપરાશથી માથામાંનું ઑઇલ, ડૅન્ડ્રફ અને બૅક્ટેરિયા આ હેર-ઍક્સેસરીમાં જમા થાય છે અને હેરવૉશ બાદ એને યુઝ કરવામાં આવે તો એ વાળને નુકસાન પહોંચાડે છે. કાંસકો ખોવાઈ ન જાય ત્યાં સુધી એ બદલાતો નથી. આથી હેરબ્રશની શા માટે કેટલી વાર અને કેવી રીતે સફાઈ કરવી એ જાણવું જરૂરી છે.
સફાઈ શા માટે જરૂરી?
તમે અઠવાડિયામાં બે-ત્રણ વાર હેર વૉશ કરો છો એ રીતે હેર-ઍક્સેસરીઝને સાફ રાખવી એટલી જ જરૂરી છે. જો એને નિયમિત સાફ કરવામાં નહીં આવે તો એમાં ધૂળ, કચરો અને ઑઇલ જમા થશે. ઘણી વાર કોઈ ફંક્શનમાં જવા માટે લોકો હેર સેટ કરવા જેલ, હેરસ્પ્રે કે મૂઝ અપ્લાય કરે છે. એ દરમ્યાન હેરસેટ માટે વપરાતા કાંસકામાં એના રજકણ ફસાઈ જાય છે. આવી ઍક્સેસરીઝને યુઝ કરવામાં આવે તો સ્કેલ્પમાં કચરો જમા થશે અને હેલ્ધી હેરને એ ડૅમેજ કરવાની શરૂઆત કરશે. પરિણામે હેર ફૉલ અને ડૅન્ડ્રફની સમસ્યા વકરશે. આથી નિયમિત રીતે એની સફાઈ જરૂરી છે.
કેટલી વાર ક્લીન કરવા?
જે યુવતીઓ વાળને સ્ટ્રેટનરથી આયનિંગ કરતી હોય અને હેરસ્ટાઇલિંગ પ્રોડક્ટ્સનો વપરાશ વધુ કરતી હોય તેઓ રાઉન્ડ હેરબ્રશ યુઝ કરતી હોય છે. આ હેરબ્રશમાં વાળ અને કચરો જમા થવાના ચાન્સ વધુ હોય છે એથી દર અઠવાડિયે એની સફાઈ કરવી જરૂરી છે. એનાથી વિપરીત જે યુવતીઓ કોઈ પણ જાતની હેરસ્ટાઇલિંગ પ્રોડક્ટ્સ યુઝ ન કરતી હોય તેણે બે કે ચાર અઠવાડિયાંમાં એક વાર સાફ કરવું.
સાફ કરવાની રીત
હેરબ્રશની સફાઈ માટે સૌથી પહેલાં બ્રિસલ્સમાં ફસાયેલા વાળને સાફ કરો. એમ છતાં કોઈ વાળ રહી ગયા હોય તો સ્વચ્છ ટૂથબ્રશ અથવા નાની કાંસકીની મદદથી કાઢી લેવા.
ત્યાર બાદ એક વાટકામાં નવશેકું પાણી લઈને એમાં થોડું શૅમ્પૂ નાખો અને એને મિક્સ કરીને કાંસકા એમાં નાખી દો અને ૧૫થી ૨૦ મિનિટ સુધી રહેવા દો. એ દરમ્યાન કાંસકામાં રહેલો કચરો આપમેળે બહાર નીકળી જશે. હેરબ્રશ લાકડાનું હોય તો પાણીમાં ન નાખવું. ૨૦ મિનિટ સુધી પાણીમાં રાખ્યા બાદ કોઈ જૂનું ટૂથબ્રશ કાંસકામાં ધીમે-ધીમે ઘસવું અને ફ્રેશ પાણીમાં સાફ કરીને ટૉવેલથી લૂછી લેવું.
ટાઇમ ટુ ચેન્જ
હેર-ઍક્સેસરીઝની નિયમિત સફાઈ તો જરૂરી છે જ પણ છથી બાર મહિને કાંસકો એક વાર ચેન્જ કરવો પણ એટલો જ જરૂરી છે. જો કાંસકાના બ્રિસલ્સ તૂટી ગયા હોય અથવા માથામાં વાળ ઓળતી વખતે કાંસકો બરાબર ન લાગતો હોય તો સમજી જવું કે એને બદલવાનો સમય આવી ગયો છે. જો આવા ડૅમેજ કાંસકાનો ઉપયોગ થશે તો વાળ સ્મૂધ થશે નહીં અને બ્રેકેજ આવવા માંડશે અને પરિણામે હેરફૉલ વધશે.