17 January, 2025 01:26 PM IST | Mumbai | Heta Bhushan
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
અત્યારે લગ્નની મોસમ શરૂ થઈ ગઈ છે. અહીં મુંબઈમાં તો ગુલાબી ઠંડીનું વાતાવરણ છે. ઠંડીમાં તૈયાર થઈને પ્રસંગમાં મહાલવાની મજા આવે, પણ જો તમારાથી ઠંડી સહન ન થતી હોય કે ક્યાંક બહારગામ વધુ ઠંડી હોય ત્યાં લગ્નમાં જવાનું હોય, કોઈ ડેસ્ટિનેશન વેડિંગમાં ભાગ લેવાનાં હો ત્યારે શિયાળાની મોસમમાં સુંદર શણગાર સજીને લગ્નસરાના જુદા-જુદા મસ્ત પ્રસંગોની મજા માણતી વખતે ઠંડીથી બચવા ઓઢેલી શાલ કે સ્કાર્ફ તમારા લુકને ઢાંકી દે કે સાવ બગાડી નાખે એવું ન થાય એ માટે જાણી લો સ્કાર્ફ અને શાલને ડ્રૅપ કરવાની સુંદર સ્ટાઇલ.
ઠંડીની મોસમમાં લગ્નમાં સુંદર સાડી, લેહંગા-ચોલી કે ડ્રેસ પહેર્યો હોય ત્યારે એના પર સ્વેટર તો સારું નહીં જ લાગે એટલે ઠંડીથી બચવા શાલ અને સ્કાર્ફનો સહારો જ લેવો પડે. એટલે સૌથી પહેલાં જાણીએ શાલ અને સ્કાર્ફની પસંદગી કઈ રીતે કરવી.
શાલ અને સ્કાર્ફ તમારા આઉટફફિટ સાથે મેળ ખાતા રંગ પસંદ કરવા. શાલ પણ ગરમની સાથે ફૅન્સી લુકની પસંદ કરવી. વર્કવાળી, જરીવુલ કૉમ્બિનેશન બૉર્ડરવાળી, પશ્મિના વણાટવાળી શાલ તમારો લુક એન્હાન્સ કરશે. સ્કાર્ફ વાપરવાનાં હો તો એ પણ ગરમ અને થોડા ફૅન્સી બૉર્ડર, વર્ક, પૅટર્નવાળા પસંદ કરવા.
યુનિક ડ્રૅપિંગ કઈ રીતે થાય?
૧. જો તમે હેવી સલવાર-કમીઝ કે ચૂડીદાર કે અનારકલી પહેરી હોય તો ડ્રેસના દુપટ્ટાના સ્થાન પર મૅચિંગ હેવી શાલ દુપટ્ટાની જેમ એક ખભે રાખો.
ડ્રેસનો મૅચિંગ દુપટ્ટો પહેરો અને કૉન્ટ્રાસ્ટ ગરમ શાલને પાછળથી આગળ લઈને બન્ને હાથ પર કૅરી કરો.
ડ્રેસનો દુપટ્ટો હેવી અને વર્કવાળો હોય તો એની નીચે જ શાલને ગોઠવી ડબલ લેયર કરી દુપટ્ટા અને શાલના એક કૉર્નરને સાથે પકડી એકબીજા સાથે પિન કરી દો અને એ પિન કરેલો ભાગ એક ખભા પર રાખી, બીજો હાથ બહાર કાઢી લઈ દુપટ્ટા અને શાલને સાથે ક્રૉસ ફોલ થવા દો બહુ ફૅન્સી લુક અને ગરમાટો બન્ને મળશે.
અનારકલી કે સલવાર-કમીઝ પર શાલને પાછળથી આગળ ખભા પર લાવો અને બે કૉર્નરને બન્ને બાજુ છૂટા એકસરખા નીચે છોડીને બન્ને ખભા પર શાલનો જે ભાગ આવે એને ડ્રેસ સાથે પિન કરી લો.
શાલની વચ્ચે બે બાજુથી શાલના છેડા પિનઅપ કરી લો. એમ કરવાથી એ જૅકેટ જેવું બનશે એટલે એને જૅકેટની જેમ પહેરો. એના પર બેલ્ટ પણ ઍડ કરી શકો છો.
૨. શાલને લેંહગા-ચોલી સાથે ડ્રૅપ કરવાની સ્ટાઇલ
લેહંગા-ચોલી અને ઓઢણી પહેરીને બીજા ખભા પર શાલ ઍડ કરો.
એક ખભા પર દુપટ્ટો પિનઅપ કરો અને બીજા ખભા પર શાલ પિનઅપ કરો. પછી આગળ છેડા છૂટા લટકતા રાખો અને દુપટ્ટા તથા શાલના પાછળના છેડાને કૉર્નર આગળ લાવી ઓઢણીની જેમ કમર પાસે લેહંગામાં ખોસી દો. પાછળ બહુ સરસ ઓવરલૅપિંગ ફોલ બનશે.
લેહંગા-ચોલી સાથે મૅચિંગ દુપટ્ટાના બે કૉર્નર સાથે પિનઅપ કરી એને એક ખભા પર પિનઅપ કરી રેપ રાઉન્ડ ફોલ થવા દો અને બીજા ખભા પર એવી રીતે શાલના છેડા પિનઅપ કરી રેપ રાઉન્ડ ફોલ થવા દો.
લેહંગા-ચોલી પહેરી મૅચિંગ કે કૉન્ટ્રાસ્ટ શાલના બન્ને છેડાને જૉઇન્ટ કરો. ગળા પાસે લાવીને એવી રીતે ગોઠવો કે શાલ પાછળથી ફોલ થાય અને બે છેડા ગળા પાસેથી આગળ ખુલ્લા રહે એને ખભા પર પિનઅપ કરી દો.
હેવી શાલને ડોક પાસેથી આગળ લઈને ફ્રન્ટમાં બન્ને છેડા સરખા રાખો અને એને કમર પર બેલ્ટથી સિક્યૉર કરી લો.
૩. શાલને સાડી સાથે ડ્રૅપ કરવાની સ્ટાઇલ
સાડી સાથે શાલને સાડીની નીચે સાથે રાખીને પલ્લું સાથે જ ગોઠવીને પહેરી લો.
સાડીના પલ્લુને ગુજરાતી સ્ટાઇલમાં જમણા ખભે નાખો અને અને ડાબા ખભે શાલ ગોઠવો. જો ડાબા ખભા પર પલ્લુ હોય એવી ઊલટા પલ્લુની સાડી પહેરી હોય તો જમણા ખભે હેવી શાલ રાખો.
નૉર્મલ ઊલટા પલ્લુની સાડી પહેરી લો. પછી ફ્રન્ટમાં પાટલી પાસે શાલનો એક છેડો પિનઅપ કરી એને જમણા ખભા પર ગુજરાતી પલ્લુની જેમ રાખો, પાટલી વાળીને પિનઅપ પણ કરી શકાય અને ઠંડી વધુ હોય તો શાલ ઓપન રાખીને જમણા ખભા પર પિનઅપ કરો.
સાડીની સાથે શાલના બન્ને છેડા મિડલમાં પિનઅપ કરી જૅકેટ બનાવીને પહેરી શકાય.
સાડી નૉર્મલ રીતે પહેરી, શાલ પીઠ પરથી લઈને બન્ને હાથમાં કૅરી કરી શકાય.
સાડી લુકમાં પાછળથી શાલ ઓઢીને બન્ને ખભા પર પિનઅપ કરી છેડા ઓપન એન્ડ રાખવા.