04 September, 2024 01:53 PM IST | Mumbai | Kajal Rampariya
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં મહિલાઓ અને બાળકો માત્ર આંખનું સૌંદર્ય વધારવા જ નહીં, નજર ઉતારવા માટે પણ કપાળ કે કાન પાછળ મેશ આંજે છે. જોકે કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતમાં મળતા બ્રૅન્ડેડ કાજલમાં સીસાની મેળવણી માન્ય પ્રમાણ કરતાં ઘણી ઊંચી જોવા મળે છે. આવાં કેમિકલયુક્ત કાજલના નુકસાનથી બચવું હોય તો આયુર્વેદિક પદ્ધતિથી કાજલ બનાવો અને અને એ જ વાપરો તો આંખોનું સૌંદર્ય પણ વધશે અને સેહત પણ સારી થશે
કાજલ વગર મહિલાઓનો શણગાર અધૂરો ગણાય છે પણ બજારમાં જાતજાતની કંપનીઓ કેમિકલયુક્ત અને રંગબેરંગી કાજલનું વેચાણ કરે છે, જેને કારણે આંખોને નુકસાન પહોંચે છે. કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતમાં મળતા બ્રૅન્ડેડ કાજલમાં સીસાની મેળવણી માન્ય પ્રમાણ કરતાં ઘણી ઊંચી હોય છે. લેડ એટલે કે સીસું એવી ધાતુ છે જે ત્વચા વાટે શરીરમાં અંદર શોષાય છે. આ ધાતુની ત્વચા વાટે લોહીમાં જમાવટ થાય તો એનાથી ઝેરી અસરો થઈ શકે છે. લેડ પૉઇઝનિંગથી નાનાં બાળકોને વધુ તકલીફ થઈ શકે છે. ભારતમાં કાજળનો વપરાશ ઔષધ તરીકે થાય છે ત્યારે એનાથી જ નુકસાન થાય એવું કેમ? શું આપણે ઘરે, જાતે જ કોઈ ભેળસેળ વિનાનું શુદ્ધ કાજળ વાપરીએ તો? આવું નૅચરલ કાજલ આંખોના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય જ છે. આજે જાણીએ આયુર્વેદશાસ્ત્રમાં કાજળનું શું મહત્ત્વ છે, એના કેવા ફાયદા છે અને ઘરે બનાવીને વાપરીએ તો એના કેટલા અપરંપાર ફાયદા પણ છે.
કેમિકલયુક્ત કાજલને કહો બાય
ઘાટકોપરમાં બે આયુર્વેદિક ક્લિનિકનું સંચાલન કરી રહેલા ૫૪ વર્ષના ડૉ. દિનેશ હિંગુ કહે છે, ‘માર્કેટમાં આજકાલ અઢળક બ્રૅન્ડ્સ કાજલનું વેચાણ કરે છે. સૌંદર્ય પ્રસાધનોમાં મહિલાઓનો શણગાર ગણાતા કાજલનું મહત્ત્વ આગવું છે. આંખોની સુંદરતા વધારનારું કાજલ આજકાલ નુકસાન પણ પહોંચાડી રહ્યું છે. અત્યારે બજારમાં અઢળક બ્રૅન્ડ્સનાં કાજલ મળી રહે છે, પણ એમાં કેમિકલ હોવાથી આંખોને નુકસાન થાય છે. કેમિકલયુક્ત કાજલ લગાવવાથી આંખોમાં ડ્રાયનેસ, ખંજવાળ અને આંખો દુખવી જેવી સમસ્યા થાય છે. કેટલાક કેસમાં વધુપડતું કાજલ લગાવવામાં કૉર્નિયા ડૅમેજ થવાના ચાન્સિસ વધી જાય છે.’
નૅચરલ કાજલ ઇઝ ધ બેસ્ટ
આયુર્વેદિક ક્ષેત્રે ૨૯ વર્ષનો અનુભવ ધરાવતા ડૉ. દિનેશ નૅચરલ પદ્ધતિથી બનતા કાજલના ફાયદાઓ જણાવતાં કહે છે, ‘આયુર્વેદમાં કાજલનું મહત્ત્વ વિશેષ છે. એનો ઉપયોગ આંખોની સુંદરતા વધારવાની સાથે દૃષ્ટિને સુધારવા અને તેજ વધારવા માટે થાય છે. કાજલ આંખોને ઠંડક અને ફ્રેશનેસ આપનારું હોવાથી આંખોના સ્વાસ્થ્યને જાળવી રાખવા પણ એને ઉપયોગમાં લેવાતું હતું. સૂર્યનાં કિરણોથી બચવા માટે પણ પહેલાં કાજલ લગાવાતું હતું. આયુર્વેદમાં કાજલના આટલા ફાયદા હોવાથી સ્ત્રીઓ જ નહીં, પુરુષો પણ એનો ઉપયોગ કરતા હતા. આયુર્વેદિક દૃષ્ટિકોણ પ્રમાણે આંખ પિત્તનું સ્થાન છે. આંખની પુષ્ટતા ઓછી કરવા માટે અને ટાઢક આપવા માટે કાજલનો ઉપયોગ કરવાની ભલામણ વૈદ્ય કરતા હતા. આયુર્વેદમાં ઝામર, કન્જક્ટિવાઇટિસ અને મોતિબિંદુ જેવી આંખોની સમસ્યાઓનો ઉલ્લેખ પણ કરાયો છે, પણ એ સમયે લાઇફસ્ટાઇલ હેલ્ધી હતી અને કેમિકલયુક્ત ચીજોનો ઉપયોગ નહીંવત્ હોવાથી આવી બીમારીઓનું પ્રમાણ ઓછું હતું, પણ હવેની વાત તદ્દન જુદી છે. નૅચરલ પદ્ધતિથી બનતા કાજલનો વપરાશ ઓછો થઈ ગયો છે એને કારણે આઇ હેલ્થ સંબંધિત સમસ્યાઓ વધી રહી છે. એને ઓછી કરવા માટે કાજલના વપરાશને બંધ કરી દેવા કરતાં નૅચરલ કાજલનો ઉપયોગ કરવો હિતાવહ રહેશે.’
ડૉ. દિનેશ હિંગુ, આયુર્વેદ એક્સપર્ટ
શેલ્ફ-લાઇફ ઓછી
મુંબઈથી જ BAMSની ડિગ્રી હાંસલ કરનારા ડૉ. દિનેશ કહે છે, ‘સામાન્યપણે કાજલની શેલ્ફ- લાઇફ ઓછી હોય છે. બજારમાં મળતાં કાજલમાં શેલ્ફ-લાઇફને વધારવા માટે પ્રિઝર્વેટિવ્ઝ નાખવામાં આવે છે, જે આંખો માટે હાનિકારક હોય છે. ઘણી વાર કાજલ આંખની વૉટરલાઇનને ટચ થાય તો તરત જ બળતરા થતી હોય છે. જો આવું થાય તો તાત્કાલિક આંખોને ઠંડા પાણીથી ધોઈ નાખવી જોઈએ. તેથી બજારમાં મળતું સસ્તું કાજલ બિલકુલ ખરીદવું ન જોઈએ. હું નૅચરલ પદ્ધતિથી બનતું કાજલ જ યુઝ કરવાની ભલામણ કરીશ, પણ જો બ્રૅન્ડેડ કાજલ લેવું હોય તો એને ટેસ્ટ કરીને લેવું. બળતરા ન થાય તો જ લેવું અને લાંબા સમય સુધી એને વાપરવું નહીં, કારણ કે કાજલની શેલ્ફ-લાઇફ બહુ ઓછી હોય છે. ઘરે બનતા કાજલની શેલ્ફ-લાઇફ ૨૪ કલાકથી એક અઠવાડિયું હોય છે ત્યારે બજારમાં મળતું કાજલ ખરીદતાં પહેલાં એમાં આપેલી સૂચનાઓ અને ઘટકો વાંચી લેવાં. આંખોને સદે એ પ્રમાણે ધ્યાનથી વાપરવું જોઈએ.’
હોમમેડ કાજલ બનાવો
ઘરે નૅચરલ કાજલ બનાવવાની પદ્ધતિઓ વિશે વાત કરતાં ડૉ. દિનેશ કહે છે, ‘આંખો માટે સૌથી સેફ કાજલ એટલે ઘરે બનાવેલું કાજલ. ગાયના ઘીનો દીવો પ્રગટાવીને તેએ માથે ઊંધી ચમચી મૂકી દેવી જેથી દીવામાંથી બનતી કાળી ઝાર એ ચમચીમાં જમા થશે. ચમચીમાં જમા થયેલું કાજળ એક નાની ડબ્બીમાં કાઢીને થોડું ઘી અથવા નાળિયેર તેલ મિક્સ કરીને સ્ટોર કરી શકાય. આ પદ્ધતિથી બનાવેલું કાજલ સાત દિવસ સુધી વપરાશમાં લઈ શકાય. જો અઠવાડિયાથી વધુ સમય થાય તો એને વાપરવું નહીં, બીજું બનાવી લેવું. આ પદ્ધતિથી બનાવવામાં આવેલું કાજલ નવજાત શિશુથી લઈને પ્રૌઢ લોકો લગાવી શકે. પહેલાં આ પદ્ધતિથી બનતું કાજલ બહુ પ્રચલિત હતું. લોકો આ રીતે એને બનાવીને ઉપયોગમાં લેતા હતા. આંખોના સ્વાસ્થ્ય માટે આ કાજલને સૌથી બેસ્ટ માનવામાં આવે છે. કાજલ બનાવવાની બીજી પદ્ધતિ પણ છે. છ-સાત બદામને ખાંડણીમાં અધકચરી ખાંડી લેવી. ત્યાર બાદ તેમાં નાની ચમચી અજમો નાખવો. પછી થોડા રૂને જેમ ડ્રેસિંગ કરીએ એ રીતે લંબચોરસ બનાવવું અને એમાં બદામ-અજમાના મિક્સ્ચરને સીધી રેખામાં ગોઠવી દેવું. પછી રૂને પૅક કરીને લાંબી વાટ બનાવવી. આ વાટમાં થોડું ગાયનું ઘી નાખવું. દીવાની આજુબાજુ ચાર નાના ગ્લાસ રાખવા અને એના માથે તાંબાનું પાત્ર ઊલટું ગોઠવવું જેથી દીવાની ઝાર તાંબાના વાસણમાં ચોંટી જાય અને કાજલ બને. દીવો ઓલવાઈ ગયા બાદ તાંબાના પાત્રમાં ચોંટેલું કાજળ ચમચી વડે ઉખેડી નાખવું અને એક ડબ્બીમાં જમા કરીને બદામના તેલનાં ટીપાં નાખીને સરખી રીતે મિક્સ કરીને સ્ટોર કરવું. આ કાજલ ૨૧ દિવસ સુધી વાપરી શકાય. આ કાજલ છ મહિનાથી મોટાં બાળકોને લગાવી શકાય. આ જ પદ્ધતિથી બદામ અને અજમાની જગ્યાએ વાવડિંગ અને વરિયાળીને પણ ખાંડીને રૂમાં ભરીને કાજલ બનાવી શકાય છે. કાજલ બની જાય એટલે બદામના તેલની જગ્યાએ થોડું કોકોનટ ઑઇલ મિક્સ કરીને સ્ટોર કરી શકાય.’