આર્ટિફિશ્યલ જ્વેલરી કાળી પડી ગઈ છે? તો આ રીતે કરો એની જાળવણી

12 November, 2024 07:43 AM IST  |  Mumbai | Rajul Bhanushali

હવામાં રહેલા ભેજને કારણે જ્વેલરી કાળી થાય અથવા કાટ લાગે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ જેવા શહેરમાં દરેક પ્રસંગમાં કંઈ સાચી જ્વેલરી પહેરીને નીકળાતું નથી. મોટા ભાગે લગ્નપ્રસંગોમાં પહેરવા માટે લીધેલી ભારે આર્ટિફિશ્યલ જ્વેલરી બહુ મોંઘી હોય છે. એની સરખી સાચવણી કરવા છતાં ક્યારેક એ કાળી પડી જતી હોય છે કે પછી કાટ લાગી જતો હોય છે. હમણાં ઇન્સ્ટાગ્રામ પર એક રીલમાં આવી જ્વેલરીને કઈ રીતે સાચવવી એનો એક ઉપાય એ બતાવાય છે કે  જ્વેલરી પર નેઇલ પેઇન્ટ લગાવ્યા પછી જે ટૉપ કોટ લગાવીએ એ હળવે હાથે ફેરવી દેવો. એના કારણે કાટ લાગવાની શક્યતા નહીંવત્ થઈ જાય અને જ્વેલરી ઘણા લાંબા સમય સુધી એવી ને એવી જ રહે. ઇઅરરિંગ્સ પહેરવાથી કાન પાકી જતા હોય તેમણે ઇઅરરિંગ્સ પહેરતાં પહેલાં એની દાંડી લસણની કળીમાં બેત્રણ વખત ખૂંપાવીને કાઢી લેવી, પછી પહેરવી.

આ સિવાય આર્ટિફિશ્યલ જ્વેલરી સાચવવાના અન્ય કયા ઉપાયો છે એ વિશે મલબાર હિલસ્થિત જ્વેલરી-ડિઝાઇનર પૂર્વી જવેરી કહે છે, ‘સૌથી સારો ઉપાય એ છે કે એને લૉક ઍન્ડ લૉકના ઍર ટાઇટ ડબ્બામાં સાચવીને મૂકવી. મૂળે હવા સાથે સંપર્ક ન થવો જોઈએ. હવામાં રહેલા ભેજને કારણે જ્વેલરી કાળી થાય અથવા કાટ લાગે. ડબ્બામાં સૌથી નીચે રૂ અથવા મલમલનું કાપડ પાથરવું. પછી જ્વેલરી મૂકવી અને એની ઉપર ફરીથી એક લેયર રૂનું પાથરવું. જ્વેલરી પહેર્યા પછી પણ તરત ડબ્બામાં નહીં મૂકવાની. એને મલમલથી લૂછીને થોડી વાર સૂકવવાની, ત્યાર બાદ મૂકવાની. તરત મૂકી દેવાથી પસીનાના ડાઘા પડી જતા હોય છે. એક જ ડબ્બામાં નેકપીસ, ઇઅરરિંગ કે વીંટી જેવી વસ્તુઓ સાથે મૂકવી હોય તો બધું બબલ રૅપમાં અથવા મેડિકલ કૉટનમાં વીંટાળીને મૂકો. આના કારણે બધું એકબીજા સાથે ઘસાશે નહીં અને સેફ રહેશે. બીજું, આર્ટિફિશ્યલ જ્વેલરીને પાણીનો સંપર્ક ન થવો જોઈએ.’

રીપૉલિશિંગ કરાવી શકાય

ગમેએટલું સાચવીને રાખીએ તો પણ બેપાંચ વર્ષે આર્ટિફિશ્યલ જ્વેલરીમાં થોડી ઝાંખપ આવી જ જાય છે. આ વિશે વાત કરતાં પૂર્વીબહેન કહે છે, ‘કુંદન, ડાયમન્ડ હોય કે પછી મોતી, બેઝિકલી આ બધું મેટલની અંદર સ્ટડેડ હોય છે. તમે સાચવીને રાખશો તો પણ થોડાંક વર્ષોમાં એ ઝાંખું થશે જ. ઝાંખી થયેલી જ્વેલરીને પૉલિશ કરાવવાનો ઑપ્શન પણ આપણી પાસે છે. બીજું, વરસમાં એક વખત જ્વેલરીને કલાક-દોઢ ત્રાંસો તડકો બતાવવો. એને કારણે પણ આયુષ્ય વધે છે. જેમને કાન પાકી જવાની સમસ્યા હોય તેમણે કાન અને ઇઅરરિંગ્સની દાંડી પર ઘીનો હાથ ફેરવીને પહેરવા અથવા પહેલા ચાંદલા કે બૅન્ડ-એઇડનો જે વચ્ચેનો પૉર્શન હોય એમાંથી પસાર કરીને પહેરવા. બુટ્ટીની ડાંડી પર એક કોટ ટ્રાન્સપરન્ટ નેઇલ પેઇન્ટનો લગાવી શકાય. આનાથી પાકવાની શક્યતા ઘટી જાય છે. કાન પાકે અને પાણી નીકળે એના કારણે પણ જ્વેલરી ખરાબ થઈ જવાની શક્યતા હોય છે.’

fashion fashion news life and style columnists