કોકોનટ ઑઇલથી ચહેરો ચમકે કે ડલ થાય?

24 September, 2024 01:00 PM IST  |  Mumbai | Laxmi Vanita

મેકઅપ રિમૂવ કરવા માટે કે પછી ડ્રાય સ્કિન અવૉઇડ કરવા માટે ઘણા લોકો ચહેરા પર નારિયેળનું તેલ લગાવતા હોય છે.

પ્રતીકાત્મક તસવીર

મેકઅપ રિમૂવ કરવા માટે કે પછી ડ્રાય સ્કિન અવૉઇડ કરવા માટે ઘણા લોકો ચહેરા પર નારિયેળનું તેલ લગાવતા હોય છે. તાજેતરમાં મીરા કપૂરે ચહેરા પર આ તેલ લગાવવાની સલાહને સૌથી ખરાબ ગણાવી હતી. જરા જાણીએ કે શું કોકોનટ ઑઇલ ખરેખર એટલું ખરાબ છે કે પછી સમજી-વિચારીને વાપરીએ તો ઉપયોગી છે?

મોટા ભાગના બ્યુટિશ્યન અને સામાન્ય લોકો મેકઅપ રીમૂવ કરવા માટે રૂના પૂમડા સાથે કોકોનટ ઑઇલનો ઉપયોગ કરતા હોય છે. મિડલ ક્લાસ માટે તો કોકોનટ ઑઇલ એટલે સસ્તું મેકઅપ રિમૂવર છે. જોકે શાહિદ કપૂરની વાઇફ મીરા કપૂર આ વાત સાથે સહમત નથી. તે કોકોનટ ઑઇલને સ્કિનકૅરમાં ઉપયોગમાં લેવાની સલાહને તેના જીવનની સૌથી ખરાબ સલાહ માને છે. એક્સપર્ટ પાસેથી જાણીએ કે શું કોકોનટ ઑઇલનો ઉપયોગ સ્કિન અને હેર કૅરમાં ન થઈ શકે?

વર્જિન કોકોનટ ઑઇલ ડ્રાય ત્વચા માટે ખૂબ કામનું ઔષધ છે એમ જણાવતાં નાલાસોપારામાં ૨૧ વર્ષથી મેડિસિન અને છેલ્લાં ૧૦ વર્ષથી કૉસ્મેટોલૉજિસ્ટ તરીકે પ્રૅક્ટિસ કરતાં ડૉ. મોના ત્રિવેદી કહે છે, ‘નારિયેળ તેલ લોકોની લાગણી સાથે જોડાયેલું છે. સામાન્ય રીતે નારિયેળ તેલ એડિબલ ઑઇલ છે એટલે હાઈ સૅચુરેટેડ ફૅટ ધરાવે છે. એમાં ત્વચાનો સોજો ઉતારનારા ઍન્ટિ-ઇન્ફ્લમેટરી અને ત્વચાને ડૅમેજ થતી અટકાવતા ઍન્ટિ-ઑક્સિડન્ટના ગુણધર્મો રહેલા છે. એટલે ત્વચા ડ્રાય થઈ જતી હોય એવા રોગો જેમ કે સૉરાયસિસ, એક્ઝિમા તેમ જ શુષ્ક ત્વચા માટે આ તેલ અકસીર ઓષધ છે. એ ડ્રાય ત્વચાને હાઇડ્રેટ કરવાનું તેમ જ બળતરા દૂર કરવાનું કામ કરે છે.’

વર્જિન ઑઇલ જ વાપરો

સ્કિનકૅર માટે તમારે વર્જિન કોકોનટ ઑઇલ જ લગાવવું જોઈએ એમ જણાવતાં ડૉ. મોના ત્રિવેદી કહે છે, ‘હવે માર્કેટમાં બહોળા પાયે વર્જિન કોકોનટ ઑઇલ ઉપલબ્ધ છે. આ તેલને લગાવવાની પણ ખાસ રીત છે. જેમ કે ચહેરાને ધોયા બાદ તેલને હથેળીમાં લઈને એને ત્વચા પર થપલી મારીને લગાડવાનું છે અને સર્ક્યુલર મોશનમાં આંગળી ફેરવવાની છે. ડ્રાય સ્કૅલ્પમાં પણ હળવા હાથે જ તેલ લગાવવાનું છે. એને આખી રાત સ્કૅલ્પ કે ચહેરાની ત્વચા પર લગાવીને સૂઈ નથી જવાનું. તેલ લગાવ્યાના અડધો કલાક બાદ ત્વચાને ધોઈ નાખવાની છે. એ અઠવાડિયામાં બેથી ત્રણ વખત જ લગાવવાનું છે. કોકોનટ ઑઇલ ડ્રાય ત્વચા માટે બહુ સારું મૉઇશ્ચરાઇઝર બની શકે છે.’

ઑઇલી ત્વચા હોય તો...

કોકોનટ ઑઇલ કોમેડોજેનિક છે એટલે કે ત્વચા પર બ્લૅક કે વાઇટ હેડ્સ નિર્માણ કરતાં તત્ત્વો ધરાવે છે એમ જણાવતાં ડૉ. મોના ત્રિવેદી કહે છે, ‘તૈલી ત્વચા ધરાવતા લોકોએ આ ઑઇલ વાપરવાનું જ નથી. એનું સૌથી મોટું કારણ એ છે કે એ ત્વચાના ઓપન પોર્સ એટલે કે ખુલ્લાં છિદ્રોને બ્લૉક કરી દે છે. ત્વચા પહેલેથી તેલ પેદા કરે છે. એમાં તમે ભારે માત્રામાં ફૅટ ધરાવતું તેલ ચહેરા પર લગાવ્યું તો ડબલ બ્લૉકેજ થાય છે અને ખીલ પેદા કરે છે. એવી જ અસર ઑઇલી સ્કૅલ્પ પર પણ થાય છે. ઘણા લોકોને કોકોનટ ઑઇલની ઍલર્જી હોય છે તો તે લોકો જ્યારે આ તેલ લગાવે છે ત્યારે ચહેરા પર લાલાશ અને ત્વચા પર સ્વેલિંગ થઈ જાય છે. ઑઇલી ત્વચા પર જ્યારે આ હાઈ સૅચુરેટેડ ફૅટ ઑઇલ લગાવવામાં આવે ત્યારે તેલનો ડબલ મારો થવાથી ઘણીબધી અશુદ્ધિઓ આકર્ષાય છે એટલે ત્વચાની સામાન્ય પરિસ્થિતિ બગડે છે. ટૂંકમાં, ઑઇલી સ્કિનવાળાએ આ તેલને હાથ નથી જ લગાવવાનો.`

fashion columnists life and style