24 September, 2024 12:55 PM IST | Mumbai | Laxmi Vanita
પ્રતીકાત્મક તસવીર
વિનેગર સ્કૂલના વિદ્યાર્થીઓની ભાષામાં ઍસિટિક ઍસિડ અને રસોઈમાં ઉપયોગ કરનારા લોકો માટે સરકો કે સરકા તરીકે જાણીતો છે. અલગ-અલગ પ્રકારના વિનેગર માર્કેટમાં ઉપલબ્ધ છે જે ચંપલ સાફ કરવાથી લઈને સ્કિન-કૅર માટે એમ અઢળક રીતે વપરાય છે. આજે માર્કેટમાં વિવિધ બ્રૅન્ડના વિવિધ ખાદ્ય પદાર્થોમાંથી બનાવેલા વિનેગર મળી રહે છે. એમાં જૅપનીઝ વિનેગરનો ડ્રિન્ક એટલે કે પીણા તરીકે ઉપયોગ કરે છે અને વિનેગર ડ્રિન્કને તેઓ તેમની બેદાગ અને ફ્લોલેસ ત્વચાનું કારણ માને છે. એને કારણે આ ટ્રેન્ડ ટિક-ટૉક પર વાઇરલ થઈ રહ્યો છે. લોકો જાણકારી વગર આ ટ્રેન્ડ અનુસરવાનું શરૂ કરે એ પહેલાં એક્સપર્ટની સલાહ લઈએ.
પાચનતંત્રનો મિત્ર વિનેગર
ત્વચા માટે એકદમ સાદું વિજ્ઞાન કામ કરે છે કે જે તમે મોં વાટે શરીરની અંદર નાખો છો એ ત્વચા પર દેખાઈ જાય છે એમ સમજાવતાં બોરીવલી અને ગોરેગામના BAE સ્કિન ક્લિનિકમાં પ્રૅક્ટિસ કરતાં કૉસ્મેટોલૉજિસ્ટ અને ડર્મેટોલૉજિસ્ટ ડૉ. કૃપા અજમેરા મોદી કહે છે, ‘જો તમારું પેટ સાફ હોય તો એ તમારી ત્વચા પર દેખાઈ આવે છે. એવી જ રીતે ગટ હેલ્થ એટલે કે પાચનતંત્ર માટે કામ કરતાં આંતરિક અંગો પેટ, નાનું આંતરડું અને મોટું આંતરડું સાફ હોય તો ઓવરઑલ હેલ્થ સારી રહેતી હોય છે. એમાં વિનેગરનો રોલ સમજીએ. વિનેગર ઍસિડિક હોય છે. એ જ્યારે શરીરની અંદર જાય એટલે એના ગુણધર્મોને કારણે મિનરલ્સ, આયર્ન, વિટામિન અને અન્ય પોષક તત્ત્વોનું ઍબ્સૉર્બ્શન સારું થાય છે. વિનેગરની તાસીર અને આપણી ત્વચાનું Ph ઍસિડિક છે જે એકબીજા માટે સૂટેબલ છે. એ સિવાય વિનેગરથી ખોરાકનો ગ્લાયસીમિક ઇન્ડેક્સ (ખોરાક પચીને એની શુગર લોહીમાં ભળવાની ગતિ) ઘટે છે. જે પણ ખાદ્ય પદાર્થો ગ્લાયસીમિક ઇન્ડેક્સ ઓછું કરે એ ત્વચા માટે ઉત્તમ કહેવાય છે. એટલે વિનેગર તમે પીવાના ઉપયોગમાં લઈ શકો છો.’
વિનેગર પીવાની રીત
હવે વાઇરલ જૅપનીઝ વિડિયોમાં જે વિનેગર બતાવવામાં આવ્યો છે એ અને ભારતના વિનેગરના તફાવત પર વાત કરતાં ડૉ. કૃપા કહે છે, ‘વાઇરલ વિડિયોમાં તે લોકો વિનેગર ડાયરેક્ટ પીવાના ઉપયોગમાં લે છે. ભારતમાં મોટા ભાગે વાઇટ અને ઍપલ સિડર વિનેગર જાણીતા છે તો એનું કમ્પોઝિશન થોડું અલગ હોય છે. દિવસમાં એક જ વખત આ વિનેગર જમવાના અડધો કલાક પહેલાં બે ટેબલસ્પૂન જેટલું એક ગ્લાસ પાણીમાં ડાયલ્યુટ કરીને લઈ શકાય. વિનેગર કૉલેસ્ટરોલ અને બ્લડ-શુગર ઓછું કરવામાં મદદરૂપ છે તેમ જ વેઇટ-લૉસ માટે સારું ટૉનિક છે. જોકે બધા લોકોને આના ફાયદા મળે એવું જરૂરી નથી. બ્રાઉન રાઇસ અને વાઇટ રાઇસ વિનેગર પણ માર્કેટમાં મળે છે જે હેલ્થ માટે સારા છે. જોકે આજકાલ બધી જ વસ્તુ ઉપલબ્ધ હોય છે તો આ જૅપનીઝ વિનેગર પણ માર્કેટમાં મળી રહેશે.’
કોણે ન લેવાય?
જે લોકોને દાંતમાં કેવિટી કે સેન્સિટિવિટીની સમસ્યા હોય, પેટની સમસ્યા હોય, ચાંદાં પડ્યાં હોય કે ઍસિડિટી રહેતી હોય તે લોકોએ આ પ્રયોગ ન કરવો, કારણ કે વિનેગરની તાસીર ઍસિડિક હોવાથી એ સમસ્યા વધારી શકે છે.