ઘરને નવો જ આયામ બક્ષે છે જ્યોમેટ્રિક ફર્નિચર

04 July, 2024 10:31 AM IST  |  Mumbai | Heta Bhushan

ચોરસ, લંબચોરસ કે ગોળ સૌથી કૉમન આકારો છે પણ ભૂમિતિના અન્ય વિવિધ શેપ્સ જેમ કે ત્રિકોણ, પિરામિડ, પંચકોણ, ડાયમન્ડ, કોન કે ડબલ કોન જેવા આકારો ઘરના ડેકોરમાં વાપરશો તો એ પૉઇન્ટ ઑફ ઍટ્રૅક્શન બની જાય છે. આ નવા આકારો કઈ રીતે ટ્રાય કરાય એ આજે જાણીએ

પ્રતીકાત્મક તસવીર

ઘરમાં સાઇડ-ટેબલ, કૉફી-ટેબલ, ડ્રૉઇંગ રૂમમાં સેન્ટર-ટેબલ એમ અલગ-અલગ પ્રકારનાં ટેબલ્સ અને ઓપન શેલ્ફ બનતાં હોય છે. ઇન્ટીરિયર ડિઝાઇનરો એના આકારોમાં વૈવિધ્ય લાવીને ઘરને અલગ જ લુક આપે છે. મેટલ, વુડ, ગ્લાસ અને માર્બલ એમ મટીરિયલમાં પણ વરાયટી હોય તો એનાથી અલગ લુક મળે છે.

ઘરની શોભા વધારતાં ટેબલ્સ અને સાઇડ-ટેબલ્સના શેપ્સ અને હાઇટમાં બદલાવ કરીને એક ડિફરન્સ ઊભો કરી શકાય છે. લેટેસ્ટ ટ્રેન્ડમાં લંબચોરસ કે ચોરસની જગ્યાએ હવે ઘણાબધા જુદા-જુદા શેપ ટ્રાય કરવામાં આવે છે.

આવા પ્રયોગો થઈ શકે

જુદી-જુદી ગોલ્ડન રાઉન્ડ રિંગ પર સફેદ રાઉન્ડ ટેબલ, મેટલના સ્ટૅન્ડમાં વુડન કોન શેપનું સેન્ટર-ટેબલ આજકાલ હિટ છે. જો વધુ એક્સપરિમેન્ટેટિવ થવું હોય તો હેક્ઝાગૉન એટલે કે છ ખૂણાવાળું અને ઑક્ટાગૉન એટલે કે આઠ ખૂણાવાળા શેપનું કૉફી-ટેબલ અને બે ચૅર ક્લાસિક લુક આપે. નાના રાઉન્ડ પાયા પર મોટું રાઉન્ડ ડિઝાઇનર બ્લૅક ઍન્ડ વાઇટ સેન્ટર-ટેબલ હોય કે આયર્ન રૉડના સ્ટૅન્ડ પર ગોળ કે ત્રિકોણ વુડન પીસ લગાવીને બનાવેલું સાઇડ-ટેબલ રૂમને એલિગન્ટ લુક આપશે. આર્ક શેપના પાયા પર ગોળ કે લંબચોરસ ગ્લાસવાળું સેન્ટર-ટેબલ અને બે મોટા ગોળ સ્ફિઅર પર ડિફરન્ટ શેપના ગ્લાસવાળું યુનિક સેન્ટર-ટેબલ કે ડાયમન્ડ શેપનું કૉફી-ટેબલ પણ વાપરી શકાય.

મૅચિંગ કઈ રીતે થાય?

અનેક શોરૂમ, ઘર અને ઑફિસ ડિઝાઇન કરનારાં ઇન્ટીરિયર-ડિઝાઇનર હેમાલી જરીવાલા કહે છે, ‘નાનું હોય કે મોટું, ફૅન્સી ટેબલ હંમેશા ઇમ્પોર્ટન્ટ ડેકોર પીસ છે. ટેબલનો રંગ, સાઇઝ, હાઇટ, શેપ અને મટીરિયલ બધું જ મહત્ત્વનું છે. ટેબલનું મટીરિયલ રૂમના ડેકોર પર આધારિત પસંદ કરવું જોઈએ. મોટા ભાગે વુડન ફર્નિચર સાથે વુડન ટેબલ પસંદ કરવામાં આવે છે, પણ હવે ગ્લાસ અને મેટલના મળતા બ્યુટિફુલ પીસ પણ પસંદ કરી શકાય. મુખ્યત્વે સેન્ટર-ટેબલ તરીકે આ ટેબલ મૂકો તો એની નીચે કાર્પેટ કે ગાલીચો અને ઉપર ફૅન્સી શોપીસ, ટ્રે કે ફ્લાવર બાઉલ એની એસ્થેટિક વૅલ્યુ વધારે છે.’

આ ટેબલના યુનિક શેપ માત્ર ટેબલ-ટૉપમાં નથી પણ એના પાયા પણ એકદમ હટકે બનાવવામાં આવે છે, જે ઓવરઑલ એકદમ ઍટ્રૅક્ટિવ લાગે છે.

કૉમ્પૅક્ટ ફર્નિચર

આજકાલ ફિટ-ઇન ફર્નિચર યુનિટ્સ પણ બહુ ફેમસ છે. એમાં એકમેકમાં ફિટ થઈ જતા ત્રિકોણ શેપના ટેબલ, ષટ‍્કોણ કે પંચકોણ આકારમાં મલ્ટિફંક્શનલ ટેબલ્સ હોય છે. એક સાઇડ કૅબિનેટ જેવા દેખાતા યુનિટમાં જ એક ચૅર, ટેબલ, નાની ચીજો ભરવાનાં ડ્રૉઅર એમ ત્રણ-ચાર વસતુઓ કૉમ્પૅક્ટ થઈ જતી હોય છે. આવાં ટેબલ્સ દરેક વ્યક્તિ જરૂરિયાત મુજબ ડિઝાઇન કરાવી શકે છે અને હવે તો રેડીમેડ પણ અનેક વરાયટી ઉપલબ્ધ છે.

આવા સ્ટેટમેન્ટ પીસ જેવા યુનિક ફૅન્સી ટેબલને લિવિંગ રૂમમાં સેન્ટર-ટેબલ કે સોફાની સાઇડમાં સાઇડ-ટેબલ તરીકે સજાવવામાં આવે છે એમ જણાવતાં હેમાલી જરીવાલા કહે છે, ‘હૉલમાં કે બેડરૂમમાં કે ગૅલરીમાં બેઠક વચ્ચે મૂકી અલગ સિટિંગ પ્લેસ બનાવી શકાય છે. બેડરૂમમાં પણ બેડની બાજુમાં સાઇડ-ટેબલ કે ફુલ મિરરની બાજુમાં ડ્રેસિંગ યુનિટ પાસે મૂકવામાં આવે છે. ’

સાઇડ-ટેબલ્સ

સોફાની સાઇડમાં મૂકેલા ટેબલ પર ફ્લાવર વાઝ, ચેસ, બુક્સ કે શોપીસ મૂકી શકાય છે. હવે આ ટેબલ પોતે જ એક શોપીસ બન્યાં છે. ઘણાં ફૅન્સી ટેબલમાં રાઉન્ડ ગ્લાસ ટૉપની નીચે સ્ટૅન્ડ સપોર્ટમાં ડિઝાઇનર શોપીસ, ફિગર હોય છે. આ ટેબલ દરવાજો ખૂલતાં જ સામે એન્ટ્રન્સમાં બહુ સરસ લાગે છે. એના પર જરૂરિયાત અને પસંદ મુજબ જે મૂકવું હોય એ મૂકી શકાય છે. કંઈ ન મૂકો તો પણ તે સરસ લાગે છે.

પ્રપોર્શનનું ધ્યાન

હૉલની અને બીજા ફર્નિચર સાથે ટેબલની હાઇટ, સાઇઝના પ્રપોર્શનનું ધ્યાન રાખવું જોઈએ. નાના હૉલમાં નાનું, નાજુક ટેબલ અને મોટા હૉલમાં મોટું ટેબલ સારું લાગે છે.

આ ટેબલ બીજા ફર્નિચરથી બહુ ઊંચું કે બહુ નીચું ન હોવું જોઈએ જેથી ઓવરઑલ પ્રપોર્શન મેઇન્ટેન રહે. આજકાલ યુવાનો હાઇટ-ચેન્જેબલ ટેબલ પસંદ કરે છે જેથી એવાં સેન્ટર-ટેબલ પણ બને છે જે ઍડ્જસ્ટેબલ હોય છે. સ્પેશ્યલ હિન્જિસ દ્વારા એની હાઇટ ઓછી કે વધારે કરી શકાય છે.

નાના ઘરમાં આ સાઇડ અને સેન્ટર-ટેબલમાં પણ નાના ડ્રૉઅરની વ્યવસ્થા કરવી જોઈએ જેથી એમાં રિમોટ, ન્યુઝપેપર, ચાવીઓ, મોબાઇલ ચાર્જર વગેરે મૂકી શકાય અને ઘરને ફૅન્સી અને નીટ લુક મળે.

વર્ક ફ્રૉમ હોમના ટ્રેન્ડ પછી આવાં સાઇડ કે સેન્ટર-ટેબલ ઑફિસ-ટેબલ બની જાય છે અને એમાં USB પોર્ટ અને પુલઆઉટ ટ્રે જેવી ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવે છે.

ડિઝાઇનર ટિપ્સ : હેમાલી જરીવાલા

નૅચરલ રિસોર્સ બિલકુલ વેડફવા ન જોઈએ. જૂના ટિપાઈ અને ટેબલને પૉલિશ કરીને કે ટેબલ ટૉપનો શેપ બદલીને કે પાયા ફૅન્સી બનાવીને એનો લુક નવા ડેકોરને અનુરૂપ બનાવી શકાય છે.

નવું ટેબલ ખરીદતી વખતે એ તમારા ઘરના બીજા ડેકોર સાથે મૅચ થશે કે નહીં એ તથા બજેટનું ધ્યાન તો રાખવું જ જોઈએ. શેપની સાથે હાઇટ અને સાઇઝનું પ્રપોર્શન પણ ધ્યાનમાં રાખવું.

જરૂર પ્રમાણે સ્ટોરેજ ફૅસિલિટીવાળું કે સ્ટોરેજ વિનાનું પસંદ કરવું. એકસરખા શેપના પણ જુદી-જુદી હાઇટનાં ગ્રુપિંગ ટેબલ પણ પસંદ કરી શકાય.

આ ઉપરાંત ફૅન્સી ડિઝાઇન સાથે એની મજબૂતાઈ પણ ધ્યાનમાં રાખવી જેથી ક્યારેક બાળકો એના પર ચડે કે કોઈ એના પર બેસી જાય તો કોઈ પ્રકારની ઈજા ન થાય. શેપ કોઈ પણ પસંદ કરો પણ એના ખૂણા એકદમ પૉઇન્ટેડ ન હોવા જોઈએ, રાઉન્ડેડ ખૂણા જ પસંદ કરવા જેથી અવરજવર કરવામાં કોઈને કે રમવામાં બાળકોને વાગે તો બહુ ઈજા ન થાય.

ફૅન્સી અને ડિફરન્ટ ટેબલના લુક સાથે આ પ્રૅક્ટિકલ પૉઇન્ટ્સ પણ ધ્યાનમાં રાખવા.

fashion fashion news life and style columnists