અંગ્રેજી આલ્ફાબેટ તો જૂના થઈ ગયા, હવે ટ્રેન્ડ છે હિન્દી અક્ષર જ્વેલરીનો

03 July, 2024 02:10 PM IST  |  Mumbai | Heta Bhushan

ગળામાં પ્રિયજનના નામના પહેલા આલ્ફાબેટનું પેન્ડન્ટ પહેરવું હવે આઉટડેટેડ થઈ ગયું છે. હવે સમય છે હિન્દુસ્તાનની ભાષા હિન્દીના શબ્દોનો શણગાર કરવાનો. હિન્દી વર્ણમાળાના અક્ષરો કે ચોક્કસ ભાવ વ્યક્ત કરતા શબ્દો હવે કાન, હાથ, ગળાને શોભાવી રહ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

નવા ફૅશન-ટ્રેન્ડમાં બીજા કરતાં કંઈક હટકે કરવું એ જેટલું મહત્ત્વનું છે એટલું જ મહત્ત્વનું છે એ હટકે કરેલું સુંદર પણ લાગે. આ બન્નેનું કૉમ્બિનેશન નવા હિન્દી અક્ષર જ્વેલરીના ટ્રેન્ડમાં મળી જાય છે. હાલ જ્વેલરીમાં નવો ટ્રેન્ડ છે હિન્દી અક્ષર કે શબ્દો કે કોઈ નાનો ક્વોટ જ્વેલરીરૂપે પહેરવાનો.

અંગ્રેજી અલ્ફાબેટ પોતાના નામનું કે પ્રિયજનના નામનું બધા પહેરે છે, પણ શું તમે તમારા નામનો કે પ્રિયજનના નામનો અક્ષર હિન્દીમાં પહેરવાનું પસંદ કરશો? શું તમે હિન્દી લિપિમાં બનેલા અનોખા જ્વેલરી પીસને તમારું સ્ટાઇલ સ્ટેટમેન્ટ બનાવશો. યસ, એમાં અંગ્રેજી કરતાં જુદી પોતીકાપણાની ફીલ જરૂર ગમે એવી છે અને એ જ કારણ છે કે મોસ્ટ ફૅશનેબલ યુવતીઓ હવે આ ટ્રેન્ડ અપનાવી રહી છે.

દરેક સ્ત્રીની ઇચ્છા હોય છે કે જેવી ઇઅર-રિંગ્સ, રિંગ, નેકલેસ કે બ્રેસલેટ પહેર્યું છે એવું અન્ય કોઈએ ન પહેર્યું હોય. જો તમારી પણ આવી ઇચ્છા હોય તો ફૉલો કરો નવો ટ્રેન્ડ ન્યુ એજ અક્ષર જ્વેલરીનો.

એમાં શું-શું ઑપ્શન્સ છે?

અક્ષર જ્વેલરી એટલે આપણી ભાષા હિન્દીની વર્ણમાળાના અક્ષરને કે શબ્દને કે શબ્દોના સમૂહને એક જ્વેલરી પીસ બનાવવો. દરેક અક્ષર ગળામાં એક નાનકડા પેન્ડન્ટરૂપે, કાનમાં એરિંગ્સમાં નાના સ્ટડ, મોટા સ્ટેટમેન્ટ સ્ટડ એટલે કે સિંગલ બુટ્ટા તરીકે પણ પહેરી શકાય. અમુક ચીજો ડેન્ગ્લર્સ એટલે કે લટકણરૂપે પણ સારી લાગે. હાથમાં રિંગ કે બ્રેસલેટરૂપે તો એ યુનિવર્સલી પહેરી શકાય એવી છે. સારી વાત એ છે કે હવે આ જ્વેલરી ગોલ્ડ, ડાયમન્ડ, પ્લૅટિનમ, સિલ્વર અને આર્ટિફિશ્યલ દરેક મેટલમાં બને છે. ગિફ્ટિંગ માટે આ યુનિક ઑપ્શન છે. તમે પ્રિયજનના નામના અક્ષરની કે તમારા નામના અક્ષરની જ્વેલરી પહેરી શકો છો અને બન્નેનાં નામના અક્ષરની જ્વેલરી મેક ટુ ઑર્ડર બનાવડાવી શકો છો.

તમે જાતે પણ બનાવી શકો

અક્ષર જ્વેલરીની ખાસિયત એ છે કે જો તમે થોડા ક્રીએટિવ હો તો જાતે પણ તૈયાર કરી શકો છો. વાયર જ્વેલરીમાં DIY રીતે તમે તમારી જાતે વાયરથી અક્ષર જ્વેલરી બનાવી શકો છો. હિન્દી અક્ષર કે શબ્દ પર મોતીકામ કે એમ્બ્રૉઇડરી કરી એનો પણ જ્વેલરી પીસ બનાવવામાં ઉપયોગ થાય છે. કૅન્વસ પર ફૅબ્રિક પેઇન્ટિંગમાં ડિઝાઇન સાથે લખેલા શબ્દો પણ મૅજિકલ લાગે છે. તમારી સ્ટાઇલને એલિવેટ કરવા અને તમારી સંસ્કૃતિ સેલિબ્રેટ કરવા હિન્દી શબ્દો લખેલાં પેન્ડન્ટ, બુટ્ટી, વીંટી, બ્રેસલેટ, ઇઅર કફ, એન્કલેટ તરીકે પહેરી શકાય છે.

સોના-ચાંદીથી લખેલી મનની વાત

વર્ણમાળા કે શબ્દોથી આગળ વધવું હોય તો એ પણ ઑપ્શન્સ છે. કેટલાક લોકો હિન્દી પંક્તિઓ, સંસ્કૃત ક્વૉટ, સિખ કે ઉર્દૂ શબ્દો લખેલી આ જ્વેલરી એક અનોખું સ્ટાઇલ સ્ટેટમેન્ટ છે. હિન્દીમાં પ્રિયજનનું કે પોતાનું નામ લખેલું હિન્દી નેમ નેકલેસ કે બ્રેસલેટ ઇનથિંગ છે. મા લખેલું પેન્ડન્ટ કે આદર્શવાદી, કર્મ, શક્તિ જેવા શબ્દોવાળું પેન્ડન્ટ મુસાફિર, મસકલી, રાહી, પટાકા, જાટ, જિંદગી મીરા, બૈરાગી, નખરેવાલી લખેલું એન્કલેટ કે રિંગ કે એરિંગ્સ, આઝાદ રૂહ લખેલું મંગળસૂત્ર, ‘મોહ મોહ કે ધાગે’ કે ‘મૈં અપની ફેવરિટ હૂં’ કે ‘દેખો મગર પ્યાર સે’ લખેલું ઇઅર કફ, ઇશારા, રાહી, નૂર લખેલું અપર ઇઅર કફ, ‘એક તુમ્હારા હોના’ થમ્બ-રિંગ કે પછી ‘બોલ કી લબ આઝાદ હૈ તેરે,’ ‘હઝારોં ખ્વાઇશેં ઐસી’, ‘જો હૈ તેરા વો મિલ જાએગા’, ‘કર કે કોઈ બહાના, ‘સબ મોહમાયા હૈ, ‘અહમ બ્રહ્માસ્મિ’ જેવા ક્વૉટ, સૂત્ર કે પંક્તિ લખેલા નેકલેસ જેવી અનેક ડિફરન્ટ વરાઇટી અને ડિઝાઇનમાં મળે છે.

અક્ષર જ્વેલરીને પોએટ્રી ઇન્સ્પાયર જ્વેલરી પણ કહે છે. શાર્કટૅન્ક પોતાનું અક્ષર કલેક્શન રજૂ કરનારા ક્વિર્ક સ્મિથનાં જ્વેલરી-ડિઝાઇનર દિવ્યા બત્રા જણાવે છે કે ‘આ અક્ષર જ્વેલરી જાણે પોતે બોલે છે. તે કોઈ એક સ્ટોરી કહે છે અને સાથે આપણી ભાષાને ઉજાગર કરે છે. અમે અમારી ટીમ સાથે મળીને લોકોની લાઇફને અસર કરતા શબ્દો અને પંક્તિઓ શૉર્ટલિસ્ટ કરીએ છીએ. પછી એને કાગળ પર ડિઝાઇન કરવામાં આવે છે. આ આઇકૉનિક સ્ટેટમેન્ટ ડિઝાઇન વર્ડ જ્વેલરીમાં તમે તમારા મનગમતા શબ્દો કે ક્વૉટ પહેરી શકો છો. યંગ ગર્લ્સથી લઈને વર્કિંગ લેડીઝ ડિફરન્ટ લુક માટે આ જ્વેલરી પસંદ કરે છે. અક્ષર કલેક્શન માત્ર શણગાર નથી, એ તમારી પર્સનાલિટીને આકાર પણ આપે છે. અક્ષર જ્વેલરી ગિફ્ટ માટે યુનિક ઑપ્શન છે. નૅશનલ અને ઇન્ટરનૅશનલ લેવલ પર પણ કલાયન્ટ્સ એ પહેરે છે અને એકબીજાને ગિફ્ટ આપે છે.

વનટાઇમ વેર અક્ષર જ્વેલરીનો પણ ટ્રેન્ડ

આ ટ્રેન્ડ હમણાં વેડિંગમાં ઇન થિંગ છે. વરરાજાની બહેન, દુલ્હે કી બહન કે દુલ્હન કી નનદ કે મૉડર્ન બ્રાઇડ કુડી પટાકા, પટાકા બ્રાઇડ કે નૌટંકી બ્રાઇડ જેવા શબ્દો લખેલી જ્વેલરી ખાસ કરીને એરિંગ્સ પહેરે છે.

વ્યક્તિગત ભક્તિના પ્રતીક તરીકે જય શ્રીરામ, જય મહાકાલ, ઓમ નમ: શિવાય, શિવ, રાધા-કૃષ્ણ, જય શ્રીકૃષ્ણ જેવા શબ્દો લખેલાં પેન્ડન્ટ સ્ત્રીઓ અને પુરુષો પહેરે છે.

fashion fashion news life and style columnists