27 November, 2024 03:06 PM IST | Mumbai | Heena Patel
મૉડર્ન પુરુષો પણ હૅન્ડબૅગનો ઉપયોગ કરતા થયા છે
સ્ત્રીઓ બહાર જાય ત્યારે તેના હાથમાં નાનું કે મોટું પર્સ કે હૅન્ડબૅગ હોય જ, જ્યારે પુરુષોનું પર્સ એટલે વૉલેટ. નોકરિયાત કે બિઝનેસમૅન હોય તો હાથમાં ટિફિન કે લૅપટૉપની બૅગ હોય, પણ ક્યાંક ફરવા જતી વખતે હૅન્ડબૅગ લઈને નીકળે એવું ભાગ્યે જ જોવા મળતું. હવે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. હૅન્ડબૅગ ફકત મહિલાઓ પૂરતી સીમિત નથી રહી, આજના મૉડર્ન પુરુષો પણ હૅન્ડબૅગનો ઉપયોગ કરતા થયા છે. એથીયે આગળ વધીને કહીએ તો પુરુષો માટે પણ હૅન્ડબૅગ એક ફૅશન ઍક્સેસરીઝ ગણાવા લાગી છે. એટલે જ માર્કેટમાં પુરુષો માટે પણ એકથી એક ટ્રેન્ડી અને સ્ટાઇલિશ હૅન્ડબૅગ્સ મળવા લાગી છે. આ ટ્રેન્ડ શરૂ કરવામાં બૉલીવુડ ઍક્ટર્સનો બહુ ફાળો છે. કરણ જોહરથી લઈને કાર્તિક આર્યન સુધીના સ્ટાર્સ છાશવારે હૅન્ડબૅગ સાથે જોવા મળે છે. પુરુષો પોતાની પર્સનાલિટીને એક્સપ્રેસ કરવા માટે સ્ટાઇલિશ ક્લોધિંગથી લઈને ઍક્સેસરીઝનો ઉપયોગ કરતા થયા છે, જેમાં વધુ એક હૅન્ડબૅગનો ઉમેરો થયો છે.
હૅન્ડબૅગનું અસ્તિત્વ
હૅન્ડબૅગનો વપરાશ કઈ રીતે શરૂ થયો એ વિશે વાત કરતાં ફૅશન-ડિઝાઇનર મનીષ પટેલ કહે છે, ‘ભૂતકાળમાં અનેક માનવ સંસ્કૃતિઓમાં અલગ-અલગ સમયે વિવિધ મટીરિયલમાંથી બનેલી બૅગ્સનો ઉપયોગ જોવા મળ્યો છે. પૂર્વજો જાનવરોની ખાલમાંથી બનેલા ઠેલાનો ઉપયોગ કરતા. જૂટ જેવા પ્લાન્ટ બેઝ્ડ ફાઇબરની પણ બૅગ્સ બનાવવામાં આવતી. એ પછી મોટા કપડાના ઝોલાનો ઉપયોગ કરવામાં આવતો. સમય સાથે આ ઝોલાની સાઇઝ નાની થતી ગઈ. બ્રિટિશકાળમાં હાથથી સીવેલી લેધરની બૅગ્સ બનવા લાગી. એ સમયે રિયલ લેધરની બૅગ્સ રિચ ક્લાસ માટે સ્ટેટસ સિમ્બૉલ ગણાતી. ધીમે-ધીમે મશીન વિકસતાં એનાથી સીવેલી બૅગ્સ આવવા લાગી. વિશ્વમાં હૅન્ડબૅગ્સની જેટલી પણ લક્ઝરી બ્રૅન્ડ છે તેએ ઉદય ૧૯મી સદીના અંત અને ૨૦મી સદીની શરૂઆતમાં થયેલો છે. સમય સાથે હૅન્ડબૅગ્સની પૉપ્યુલારિટી વધતાં ટોટ, બ્રીફકેસ, મેસેન્જર, ડફલ જેવા ડિફરન્ટ શેપની આવવા લાગી.’
આજનો સિનારિયો
હૅન્ડબૅગનો યુઝ કરવાના પુરુષોમાં વધેલા ટ્રેન્ડ વિશે વાત કરતાં મનીષ પટેલ કહે છે, ‘ફૅશન ઇન્ડસ્ટ્રીમાં દર થોડા સમયના અંતરાલે ફૅશન રિપીટ થતી હોય છે. અગાઉ પુરુષોએ જ હૅન્ડબૅગ વાપરવાની શરૂઆત કરી હતી. એ પછી સ્ત્રીઓમાં હૅન્ડબૅગ વાપરવાનું ચલણ વધ્યું હતું. જોકે ફરી એક વાર પુરુષોએ એને ઉપયોગમાં લેવાનું શરૂ કર્યું છે. વર્ષોથી પુરુષોની ખરીદશક્તિ મહિલાઓની સરખામણીમાં વધુ રહી છે, પણ ફૅશન પર ખર્ચ કરવાના મામલે પુરુષો પાછીપાની કરતા આવ્યા છે. જોકે છેલ્લાં અમુક વર્ષોમાં પરિસ્થિતિ બદલાય છે. પુરુષો પણ ફૅશનમાં રસ લેતા થયા છે. પર્સનાલિટીને એન્હૅન્સ કરવા માટે પર્સનલ સ્ટાઇલિસ્ટ પાસેથી વૉર્ડરોબ મૅનેજમેન્ટ કરાવી રહ્યા છે, એમાં ક્લોથ, ઍક્સેસરીઝથી લઈને શૂઝ, હૅન્ડબૅગ બધું જ આવી જાય. લક્ઝરી ફૅશન બ્રૅન્ડ્સ પણ ડિમાન્ડને ધ્યાનમાં લઈને પુરુષો માટે સ્ટાઇલિશ હૅન્ડબૅગ બનાવતી થઈ છે. ઈવન ફૅશન શોમાં પણ જોશો તો તેઓ ફક્ત આઉટફિટ પ્રેઝન્ટ નથી કરતા, હાથમાં હૅન્ડબૅગ લઇને વૉક કરે છે. આજકાલ તો પુરુષો ટોટ બૅગ પણ બિન્દાસ કૅરી કરીને ચાલે છે જે જનરલી સ્ત્રીઓ યુઝ કરતી હોય છે.’