વાળને મહેકાવતા હેર-પરફ્યુમની બોલબાલા

02 July, 2024 12:10 PM IST  |  Mumbai | Heena Patel

સોશ્યલ મીડિયા પર આ હેર-પરફ્યુમ ખૂબ વાઇરલ થઈ રહ્યાં છે. જોકે હેર એક્સપર્ટ આના રેગ્યુલર ઉપયોગની ફેવરમાં નથી

પ્રતીકાત્મક તસવીર

માર્કેટમાં બૉડી-પરફ્યુમની જેમ હેર-પરફ્યુમ પણ આવે છે. જે દિવસે તમે વાળ ધોયા ન હોય ત્યારે હેર પરફ્યુમને વાળમાં સ્પ્રે કરી દો તો આખો દિવસ તમારા વાળમાંથી સારી સ્મેલ આવે. સોશ્યલ મીડિયા પર આ હેર-પરફ્યુમ ખૂબ વાઇરલ થઈ રહ્યાં છે. જોકે હેર એક્સપર્ટ આના રેગ્યુલર ઉપયોગની ફેવરમાં નથી.

બૉડી માટે જેમ પરફ્યુમ આવે છે સેમ એવી જ રીતે હેર માટેનાં પણ એવાં પરફ્યુમ આવે છે જે તમારા વાળને આખો દિવસ મહેકતા રાખે. આપણે ​જે દિવસે વાળ ધોયા હોય એ દિવસે તો વાળ તમારા એકદમ ફ્રેશ લાગે, પણ પછી ધીમે-ધીમે હેર અને સ્કૅલ્પમાં થતો પરસેવો, નૅચરલ ઑઇલ પ્રોડક્શન, બૅક્ટેરિયા, પૉલ્યુશન વગેરેને કારણે એ ઑઇલી થતા જાય છે અને એક અજીબ સ્મેલ આવવા લાગે છે. આવા સમયે તમે ઇચ્છતા હો કે તમારા વાળ એકદમ ફ્રેશ દેખાય અને એમાંથી સારી સ્મેલ આવે તો એ માટે હેર-પરફ્યુમનો ઉપયોગ કરી શકો છો. સોશિયલ મીડિયા ટ્રેન્ડના પ્રતાપે આજકાલ હેરકૅર રૂટીનમાં એનો ઉપયોગ વધી રહ્યો છે.

વાળ માટે કેટલાં સારાં?

હેર-પરફ્યુમ બૉડી-પરફ્યુમથી કઈ રીતે અલગ હોય છે અને એનો વાળમાં ઉપયોગ કરવો જોઈએ કે નહીં એ વિશે હેર-એક્સપર્ટ સ્નેહા દેઢિયા કહે છે, ‘હેર-પરફ્યુમ લાઇટ-વેઇટ હોય છે અને એમાં જે ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ કરવામાં આવે છે એ બૉડી-પરફ્યુમની સરખામણીમાં વધુપડતાં ઇન્ટેન્સ હોતાં નથી, કારણ કે આપણા વાળ અને સ્કૅલ્પની સ્કિન ખૂબ સેન્સિટિવ હોય છે. બીજું એ કે હેર-પરફ્યુમની સ્મેલ બૉડી-પરફ્યુમની કમ્પૅરિઝનમાં ખૂબ જ માઇલ્ડ હોય છે. જોકે તેમ છતાં હેર-પરફ્યુમનો તમે ડેઇલી બેઝિસ પર યુઝ ટાળો તો સારું છે, કારણ કે એમાં રહેલું આલ્કોહૉલ કન્ટેન્ટ અને સિન્થેટિક ફ્રૅગ્રન્સ તમારા વાળને વધુ ડ્રાય કરી શકે છે. ઇન કેસ જો તમારે ઇમર્જન્સીમાં બહાર જવાનું થાય ત્યારે તમે એનો કોઈ-કોઈ વાર યુઝ કરી શકો. આનો ઉપયોગ મોટા ભાગના લોકો સૉફિસ્ટિકેશન માટે અને કૉન્ફિડન્ટ ફીલ કરવા માટે કરે છે. હેર-પરફ્યુમની અસર જનરલી ૧૨થી ૨૪ કલાક સુધી રહે છે. તમે કઈ કંપનીની પ્રોડક્ટ યુઝ કરો છો એના પર એ ડિપેન્ડ કરે છે.’

કેવી રીતે યુઝ કરશો

હેર-પરફ્યુમને વાળમાં કેવી રીતે અપ્લાય કરવું જોઈએ એ વિશે સ્નેહા દેઢિયા કહે છે, ‘હેર-પરફ્યુમને તમારે મિડલેન્ગ્થથી લઈને નીચે સુધી સ્પ્રે કરવાનું હોય છે. સ્કૅલ્પમાં એ અવૉઇડ કરવાનું હોય છે. હેર-પરફ્યુમ મેઇનલી વાળમાંથી દુર્ગંધ દૂર કરવા માટે હોય છે એટલે ફક્ત હેર-પરફ્યુમનો યુઝ કરવાથી કદાચ વાળના લુક અને ફીલમાં એટલો ચેન્જ ન પણ આવે. જો તમારે ફ્રેશ લુક અને ગુડ સ્મેલ બન્ને જોઈતાં હોય તો તમારે પહેલાં ડ્રાય શૅમ્પૂનો ઉપયોગ કરવો જોઈએ જે તમારા સ્કૅલ્પ અને હેરમાંથી ઑઇલ રિમૂવ કરી નાખે. એ પછી તમે હેર-પરફ્યુમ સ્પ્રે કરો તો તમને બેસ્ટ રિઝલ્ટ મળે.’

પસંદગીમાં સાવધાની રાખો

હેર-પરફ્યુમનો ઉપયોગ કરતી વખતે એમાં કયાં ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ થયો છે એ ચેક કરવું ખૂબ જરૂરી છે એમ જણાવતાં ડર્મેટોલૉજિસ્ટ ડૉ. પૂજા દેસાઈ કહે છે, ‘હેર-પરફ્યુમમાં વૉટર, આલ્કોહૉલ અને ઍરોમૅટિક કમ્પાઉન્ડ આ ત્રણ મેઇન વસ્તુ હોય છે. જો તમારા હેર- પરફ્યુમમાં બૅડ આલ્કોહૉલ કે હેવી સિન્થેટિક ફ્રૅગ્રન્સનો યુઝ થયો હશે તો તમારા સ્કૅલ્પમાં ડ્રાયનેસ અને ઇચીનેસની સમસ્યા કે પછી હેરમાં ડ્રાયનેસ વધવાથી બ્રેકેજની સમસ્યા થઈ શકે છે. ઇથેનૉલ આલ્કોહૉલ, ડીનેચર્ડ આલ્કોહૉલ, આઇસોપ્રોપિલ આલ્કોહૉલ, SD આલ્કોહૉલ, પ્રોપેનોલ આલ્કોહૉલ, પ્રોપાઇલ આલ્કોહૉલ આ બધા બૅડ આલ્કોહૉલની કૅટેગરીમાં આવે છે. એવું નથી કે બધા જ આલ્કોહૉલ ખરાબ હોય. અમુક આલ્કોહૉલ તમારા વાળ માટે નરિ​શિંગ પણ હોય છે. લૉરિયલ આલ્કોહૉલ, સીટાઇલ આલ્કોહૉલ, સેટેરીલ આલ્કોહૉલ, સ્ટીયરિલ આલ્કોહૉલ, બેન્ઝાઇલ આલ્કોહૉલ ગુડ આલ્કોહૉલની કૅટેગરીમાં આવે છે. આને ફૅટી ઍસિડ આલ્કોહૉલ પણ કહેવાય છે જે તમારા વાળને લાંબા સમય સુધી હાઇડ્રેટેડ રાખે છે. એવી જ રીતે એવાં પરફ્યુમ ખરીદવાં જોઈએ જેમાં સિન્થેટિક ફ્રૅગ્રન્સિસનો યુઝ થયો ન હોય. જો હેર- પરફ્યુમના ઇન્ગ્રીડિયન્ટ્સના લિસ્ટમાં ‘ફ્રૅગ્રન્સ’ એવું લખેલું હોય તો સમજી જવું કે એમાં સિન્થટિક ફ્રૅગ્રન્સનો યુઝ થયો છે. તમારે એના બદલે એસેન્શિયલ ઑઇલ બેઝ્ડ હેર-પરફ્યુમનો યુઝ કરવો જોઈએ.’

ઘરે આ રીતે બનાવો હેર-પરફ્યુમ

તમે ઇચ્છો તો ઘરે પણ હેર-પરફ્યુમ બનાવી શકો છો. આને બનાવવા માટે વધુપડતાં ઇન્ગ્રીડિયન્ટ્સ નથી જોઈતાં અને એ ઈઝીલી થોડા સમયમાં બની જાય છે. આ વિશે જણાવતાં ડૉ. પૂજા દેસાઈ કહે છે, ‘આમ તો હેર-પરફ્યુમ ઘણી રીતથી બનાવી શકો, પણ આ સૌથી ઈઝી રીત છે. એ માટે તમે ૬૦ મિલીલીટર પાણી લો. એમાં ૧૨-૨૪ ડ્રૉપ જેટલું એસેન્શિયલ ઓઇલ મિક્સ કરો. તમારે જે પ્રમાણે ઓછી વધુ સ્મેલ જોતી હોય એ પ્રમાણે તમે પાણીમાં એસેન્શિયલ ઑઇલનાં ડ્રૉપ ઍડ કરી શકો. એસે​ન્શિયલ ઑઇલ તમે તમારી પસંદનું કોઈ પણ લઈ શકો છો. એમાં તમને લૅવેન્ડર, રોઝમેરી, પેપરમિન્ટ, લેમનગ્રાસ જેવા ઑપ્શન્સ મળી જશે. આ લિક્વિડને એક સ્પ્રે બૉટલમાં ભરીને તમે એનો હેર-પરફ્યુમ તરીકે ઉપયોગ કરી શકો છો. તમે રોઝ વૉટરનો પણ હેર-પરફ્યુમ તરીકે યુઝ કરી શકો. અફકોર્સ, આની અસર એટલા લાંબા સમય સુધી ન રહે જેટલા સમય સુધી કેમિકલ્સવાળા પરફ્યુમની રહે છે, પણ આ નૅચરલ પરફ્યુમ ઍટ લીસ્ટ તમારા વાળને ડૅમેજ નહીં કરે.’

skin care beauty tips life and style columnists