ક્લચ આઉટ, પોટલી ઇન

18 July, 2024 10:45 AM IST  |  Mumbai | Darshini Vashi

વેડિંગમાં હવે ગોલ્ડન વર્ક અને ઝાલરવાળા બટવાની બોલબાલા વધી ગઈ છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

અનંત અંબાણીનાં લગ્ન પૂરાં થઈ ગયાં છે પણ એની આફ્ટર ઇફેક્ટ્સમાંથી હજીયે લોકો બહાર આવી શક્યા નથી. લગ્નનાં ફંક્શન્સ દરમિયાન પહેરવામાં આવેલાં કપડાં, જ્વેલરી, ઍક્સેસરીઝ ઉપર હજીયે ડિસકશન ચાલુ જ છે ત્યારે લગ્નના પ્રસંગો દરમિયાન મહત્તમ મહિલાઓના હાથમાં જોવા મળેલી પોટલી (બટવા) બૅગને કેમ મિસ કરી શકાય? સ્ટાઇલિશ, ઍટ્રૅક્ટિવ અને હૅન્ડી એવી આ પોટલી બૅગ આજે સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની ગઈ છે ત્યારે થોડું વધારે જાણી લઈએ એના વિશે.

એક સમયે લગ્નમાં પૈસાનો વ્યવહાર સાચવવા માટે વાપરવામાં આવતો બટવો આજે પોટલીરૂપે માનુનીઓના હાથની શોભા બની ગયો છે. સાચવવામાં સરળ, કૅરી કરવામાં ઈઝી અને કૉમ્પૅક્ટ કહી શકાય એવી પોટલી બૅગ વધુ ને વધુ મહિલાઓને પસંદ પડી રહી છે. બેઝિકથી લઈને હેવી કહી શકાય એવી પોટલી બૅગ બજારમાં સરળતાથી મળી રહે છે. ૧૦૦ રૂપિયાથી શરૂ થઈને આ બૅગ ઉપર જેમ-જેમ વર્ક, કારીગરી, રત્નો ચડતા જાય તેમ-તેમ એના ભાવ વધતા જાય છે. ખાસ લગ્ન જેવા પ્રસંગોમાં ડિઝાઇનર અને યુનિક દેખાતી પોટલી બૅગની ડિમાન્ડ વધી રહી છે. બ્રાઇડલ વેઅર અને લગ્નને સંબધિત વસ્તુઓના બિઝનેસની સાથે સંકળાયેલાં સ્મિતા રૂપાણી કહે છે, ‘આજે બટવા ટાઇપ પોટલી બૅગની જ લોકો વધુ ડિમાન્ડ કરી રહ્યા છે જેમાં ગોલ્ડન બેઝ, ઑફવાઇટ કલર, મલ્ટિ કલર અને વર્ક કરેલી પોટલીની ડિમાન્ડ બહુ જ છે. કોઈ પણ રંગનાં કપડાં પર મૅચ થઈ જાય એટલે મહિલાઓ એવી જ પોટલી પસંદ કરે છે જે બધાં પર ચાલી જાય. આમ તો ઘણાં મટીરિયલની બૅગ મળી રહે છે પણ સિલ્ક મટીરિયલની બૅગ લુકમાં તો રિચ લાગે જ છે સાથે એના પર કરવામાં આવેલું વર્ક ઊઠીને આવે છે. બેઝ અને બેઝ વગરની એમ બન્ને પ્રકારની બૅગ આવે છે. લોકો જે ચીજ સેલિબ્રિટીઝના હાથમાં જુએ છે એ ટ્રેન્ડ બની જાય છે. અંબાણીના જ એક પ્રસંગમાં બધી સ્ત્રીઓ ઘરચોળામાં દેખાઈ હતી અને જોતજોતામાં ઘરચોળાં ખૂબ જ ટ્રેન્ડમાં આવી ગયાં હતાં. જેમને ઘરચોળું પહેરવું ગમતું નહોતું તેઓ પણ એ ખરીદવા માટે આવી રહ્યા હતા.’

ઝાલરવાળી પોટલી પણ અત્યારે સેલિબ્રિટીઓના હાથમાં દેખાઈ રહી છે. આલિયા ભટ્ટ અને કિયારા અડવાણીની પોટલીની ફરતે અને નીચે ઝાલર લટકતી જોવા મળી હતી. ભપકાદાર અને ભરાવદાર કપડાંની ઉપર આવી બૅગ હેવી અને રિચ લુક આપતી હતી, જેની તરફ લોકોનું ધ્યાન ખેંચાયું હતું. આ ઉપરાંત ઐશ્વર્યા રાયની જરી સ્ટોન વર્ક સાથેની પોટલી પણ ઇન્ટરનેટ પર ટ્રેન્ડિંગ બની રહી છે તેમ જ વિદ્યા બાલને ગોલ્ડન ઑરેન્જ રંગની બનારસી સાડી પર હાથમાં કૅરી કરેલી જરદોસી વર્કની પોટલી ક્લાસી લુક આપી રહી હતી. આ ઉપરાંત સિમ્પલ ગોલ્ડન કલરની પોટલી પણ સોબર લુક આપતી જોવા મળી હતી.

fashion fashion news life and style columnists darshini vashi