ઓલ્ડ જ્વેલરીને કન્ટેમ્પરરી લુક આપતાં શીખવા જેવું છે આમની પાસેથી

22 May, 2024 09:41 AM IST  |  Mumbai | Heena Patel

વર્ષો જૂના સોનાના દાગીના તિજોરીમાંથી બહાર કાઢીને સ્ત્રીઓ એનો ઉપયોગ કરતી થાય એ માટે ઘાટકોપરમાં રહેતાં જ્વેલરી-ડિઝાઇનર નેહલ દોશી એની મૂળ ડિઝાઇનમાં કોઈ પણ ફેરફાર કર્યા વગર એમાં બીડ્સ, પર્લ્સ અને સ્ટોન્સનું વર્ક ઍડ કરીને કન્ટેમ્પરરી લુક આપવાનું કામ છે

નેહલ દોશી અને તેમની બનાવેલી ડિઝાઇન્સ

આજકાલ સ્થિતિ એવી છે કે સોનાના ભાવ એટલાબધા આસમાને ચડી ગયા છે કે નવા દાગીના ખરીદવાનું પોસાય એમ નથી અને ઘરમાં પડેલાં જૂનાં ઘરેણાં એટલાં ઓલ્ડ-ફૅશન થઈ ગયાં છે કે એ લગ્નપ્રસંગમાં કે બીજા કોઈ શુભ પ્રસંગે પહેરીએ તો સારાં ન લાગે એટલે પછી એ એમ ને એમ કબાટમાં પડ્યાં રહે. ઘરે વર્ષોથી પડેલાં જૂનાં સોનાનાં ઘરેણાં ગળાવીને એમાંથી નવી ડિઝાઇનની જ્વેલરી બનાવતાં પણ આપણું મન માને નહીં; કારણ કે એ આપણને આપણી દાદી, નાની, મમ્મી કે સાસુ પાસેથી જીવનના કોઈ ખાસ પ્રસંગે મળ્યાં હોય અને એની સાથે આપણી લાગણી જોડાયેલી હોય. તો આવી સ્થિતિમાં કરવું શું જેથી નવું ઘરેણું ખરીદવું ન પડે અને તિજોરીમાં જે જૂનું પડ્યું છે એને ઉપયોગમાં લઈ શકાય? તમારા આ સવાલનો જવાબ જ્વેલરી-ડિઝાઇનર નેહલ દોશી પાસે છે, જેઓ જૂની જવેલરીને રીડિઝાઇન કરીને એને કન્ટેમ્પરરી લુક આપવાનું કામ કરે છે.

ઓલ્ડ જ્વેલરીને એલિગન્ટ આમ બનાવાય

જૂનું સોનું પિગાળીને એમાંથી નવી ડિઝાઇનનાં ચેઇન, હાર, બૂટિયાં તમને કોઈ પણ બનાવીને આપી શકે; પણ ઘાટકોપરનાં રહેવાસી એવાં ૪૫ વર્ષનાં નેહલ દોશી તમારી જૂની જ્વેલરીની ડિઝાઇન સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ કર્યા વગર એમાં પર્લ્સ, બીડ્સ, સ્ટોનનો ઉપયોગ કરીને એને રીડિઝાઇન કરીને એકદમ મૉડર્ન લુક આપવાનું કામ કરે છે. પોતાના કામ વિશે વધુ માહિતી આપતાં નેહલબહેન કહે છે, ‘અમારી પાસે એક ક્લાયન્ટ સોનાની કાનની સેર લઈને આવી હતી, જેમાં અમે પર્લ ઍડ કરીને તેને એક ​મલ્ટિલેયરનું પર્લ બ્રેસલેટ બનાવીને આપ્યું હતું. એક ક્લાયન્ટ પાસે વારસામાં મળેલાં ત્રણ રાઉન્ડ પેડન્ટ હતાં તો એને બીડ્સથી કનેક્ટ કરીને એક મસ્ત ચોકર સેટ રેડી કરીને આપ્યો હતો. આવી જ રીતે એક ક્લાયન્ટને અમે બીડ્સ, સ્ટોન્સનો ઉપયોગ કરીને પેન્ડન્ટવાળી એક ચેઇનમાંથી હેવી મહારાણી હાર બનાવીને આપ્યો હતો. ઘણી વાર ઇમોશનલ કારણોસર પણ લોકો તેમના દાગીનાને ગળાવીને નવા બનાવવા કરતા રીડિઝાઇન કરવાનું પસંદ કરે છે. મારી એક ક્લાયન્ટ પાસે તેની દાદીએ આપેલી સોનાની બંગડીઓ હતી, જે તે તેના બેબી-શાવરમાં પહેરવા ઇચ્છતી હતી. આ બંગડીઓ સાઇઝમાં થોડી નાની પડી રહી હતી એટલે આ બંગડીને રૉયલ લુક આપવા અમે એમાં મોટિફ્સ ઍડ કર્યા તેમ જ એને ઍડ્જસ્ટેબલ સાઇઝની બનાવવા અમે સ્ક્રૂ ફિટ કર્યા અને આમ અમે તેમને એક રૉયલ ઍડ્જસ્ટેબલ કડું બનાવીને આપ્યું. હું પ્રેશિયસ અને સેમી પ્રેશિયસ બીડ્સ, પર્લ્સ, સ્ટોન્સ, કુંદન-મીનાકારીના મોટિફ્સ વગેરેનો ઉપયોગ કરીને જ્વેલરી રીડિઝાઇન કરું છું. મારી એક ક્લાયન્ટે મને હાર્ટ શેપ પેન્ડન્ટની ચેઇન અને બે હાર્ટ શેપ ઇઅર-રિંગ આપ્યાં હતાં જે તેની દીકરીને એ જન્મી ત્યારે ગિફ્ટમાં મળ્યાં હતાં. અત્યારે તેની દીકરી ટીનેજર છે તો તે ફરી એ પહેરી શકે એ માટે મેં એ ચેઇનનું બ્રેસલેટ બનાવી આપ્યું અને હાર્ટ શેપની જે ડિઝાઇન હતી એને એમાં નીચે લટકાવીને નવો ટ્રેન્ડી લુક આપી દીધો. ઘણી વાર હું સાવ ઉપયોગમાં લેવાઈ ન હોય એવી વસ્તુમાંથી પણ કંઈ સર્જન કરીને એ ઉપયોગી થાય એવું બનાવીને આપતી હોઉં છું. જેમ કે એક ક્લાયન્ટ મારી પાસે ચાર આનાથી પણ નાની સાઇઝના જૂના સિલ્વર કૉઇન્સ મારી પાસે લઈને આવી હતી અને એ કૉઇન્સમાંથી મેં તેને ડાયમન્ડવાળાં બટન્સ બનાવીને આપ્યાં હતાં, જે તે તેના હસબન્ડને ૫૦મી ઍનિવર્સરી પર ગિફ્ટ કરવાની હતી. એટલે મારું જે કામ છે એ આખું ક્રીએટિવિટી પર જ બેઝ્ડ છે.’

આ રીતે આઇડિયા આ‍વ્યો

અત્યારે નેહલબહેન જે કામ કરે છે એ ખૂબ જ યુનિક અને ડિફરન્ટ છે. આ કામ કરવાનો આઇડિયા તેમને કઈ રીતે આવ્યો એ વિશે તેઓ કહે છે, ‘લૉકડાઉનના સમયની વાત છે. એ સમયે અમારી ફૅમિલીમાં બેત્રણ જણે મને એમ જ કહેલું કે અમારા ગોલ્ડનાં જૂનાં પેન્ડન્ટ પડ્યાં છે તો એમાં કંઈક એવી ડિઝાઇન કરીને એને મૉડર્ન લુક કરી આપ. એટલે મેં પણ વિચાર્યું કે લાવને ટ્રાય કરીને જોઉં. મેં જે કામ કરેલું એ તેમને ખૂબ ગમેલું. એમ કરતાં-કરતાં પછી ફૅમિલીમાં ઘણાબધા લોકોની જ્વેલરીને રીડિઝાઇન કરીને આપેલી. એ સમયે મારી પાસે એક બહેન આવ્યાં હતાં જેમની પાસે સોનાની ચેઇન હતી. એ બહેન મિડલ એજનાં હતાં. તેમને એવો નેકલેસ જોઈતો હતો જે વધુપડતો હેવી ન હોય અને પહેરવામાં એ નકલી ન લાગવો જોઈએ. તો એ પછી મેં પર્લ અને સેમી પ્રેશિયસ બ‌ીડ્સ વાપરીને ચેઇનને નેકલેસનું રૂપ આપ્યું. એ પછી આનો વિડિયો મેં મારા નિયો-અમેરિકન ફૅશન જ્વેલરીના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કર્યો. લોકોને આ આઇડિયા એટલો પસંદ આવ્યો કે એમાં મને વન મિલ્યન વ્યુ મળ્યા. મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે મારો આ આઇડિયા લોકોને આટલો પસંદ પડશે. એ પછી તો મને ઑનલાઇન ઑર્ડર આવવાના શરૂ થઈ ગયા. હવે તો મને દેશભરમાંથી તો ઑર્ડર આવે જ છે પણ સાથે-સાથે ન્યુ ઝીલૅન્ડ, અમેરિકા વગેરેથી પણ ઑર્ડર આવે છે.’

બાળપણથી જ ક્રીએટિવ

નેહલબહેનમાં જે ક્રીએટિવિટી છે એ વિશે પૂછવામાં આવતાં તેઓ કહે છે,  ‘સ્કૂલ ટાઇમથી જ મને ડ્રૉઇંગ, ક્રાફટ્સની ઍક્ટિવિટીમાં રસ હતો. સોસાયટીમાં પણ રંગોળી, થાળી-ડેકોરેશન જેવી કૉ​મ્પિટિશનમાં ભાગ લેતી. મને કમર્શિયલ આર્ટ્સ ફીલ્ડમાં જ આગળ વધવું હતું, પણ એ સમયે એ શક્ય ન બનતાં મેં BCom કરી લીધું હતું. જોકે મારા નસીબમાં ક્રીએટિવ ફીલ્ડમાં કામ કરવાનું જ લખાયું હશે એટલે જ અત્યારે હું રિયલ જ્વેલરી રીમેકિંગનું કામ કરી રહી છું. શરૂઆતમાં આ કામ હું પોતે કરતી હતી, પણ અત્યારે મેં ત્રણ કારીગર રાખ્યા છે. હું ડિઝાઇનિંગ અને માર્કેટિંગનું કામ કરું અને મારા કારીગરો રીમેકિંગનું કામ કરે. પહેલાં હું ક્લાયન્ટ પાસે જે જ્વેલરી છે એ જોઈને પછી સ્ટડી કરીને તેમને સજેશન આપું કે આપણે એમાંથી શું બનાવી શકીએ અને કેવી રીતે બનાવી શકીએ અને પછી એની ડિઝાઇન રેડી કરીને ક્લાયન્ટને મોકલું અને એ ફાઇનલ થાય એટલે કારીગરોને એ બનાવવા માટે આપી દઉં.’

fashion fashion news life and style columnists