06 March, 2023 06:29 PM IST | Mumbai | Kajal Rampariya
પ્રતીકાત્મક તસવીર
શિયાળાની સીઝને સ્લો સ્પીડથી એક્ઝિટ લીધા બાદ બુલેટ ટ્રેનની સ્પીડથી ઉનાળાની સીઝન આવી ગઈ છે. બદલાતી સીઝનની જેમ જ ફૅશનની દુનિયામાં પણ પરિવર્તન આવવું સ્વાભાવિક છે. સ્ટાઇલિશ અને ટ્રેન્ડિંગ લુક કૅરી કરવા માટે પુરુષો ઘણા ઉપાયો કરે છે. આઉટફિટની સાથે સૂટ થતી ઍક્સેસરીઝની મદદથી તમે ફૅશનેબલ તો દેખાશો જ, પણ સાથે તમારી આંખોની સુરક્ષા પણ થશે. સ્ટાઇલિશ લુક તેમના વ્યક્તિત્વને નિખારવાનું કામ કરે છે. ડૅશિંગ લુક કૅરી કરનારા પુરુષો આઉટફિટની સાથે સૂટ થતા સનગ્લાસિસ પહેરે તો આહાહા! ઉનકી ફૅશન કા તો ક્યા હી કહના! ઉનાળામાં ફૅશનની સાથે-સાથે સૂર્યનાં નુકસાનકારક કિરણોથી આંખો બચાવવી જરૂરી છે. જ્યારે તમારે દિવસના સમયમાં અડધો કલાકથી વધુનો સમય ખુલ્લામાં અને તડકામાં ફરવાનું થતું હોય તો-તો ખાસ આ ઍક્સેસરીઝ રાખવી જ જોઈએ. અલબત્ત, ધોમધખતા તડકાથી આંખોને બચાવવા માટે વપરાતા સનગ્લાસિસ તમને ટ્રેન્ડી અને સ્ટાઇલિશ લુક આપે એ પણ જરૂરી છે. સનગ્લાસિસમાં શું ચાલે છે એ જાણીએ.
હેક્ઝાગોનલ છે એવરગ્રીન
આઇવેઅર ઇન્ડસ્ટ્રીમાં ૩૫ વર્ષનો અનુભવ ધરાવતા મુલુંડના જિમિત સંઘવી કહે છે કે ‘હાલમાં તો પુરુષો માટે હેક્સૅગનલ, એવિએટર, ઓવલ, વેફેરર અને બોલ્ડ સનગ્લાસિસ વધુ ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે. હેક્સૅગનલ સનગ્લાસિસની વાત કરીએ તો આ ફ્રેમ એવરગ્રીન છે એમ કહેવું ખોટું નથી. ૧૮ વર્ષના યુવકથી લઈને ૮૦ વર્ષના વૃદ્ધ પુરુષો પર હેક્સૅગનલ ફ્રેમવાળા સનગ્લાસિસ સૂટ થશે. આ વર્સટાઇલ છે કેમ કે તમે કૅઝ્યુઅલ વેઅરમાં હો કે પ્રોફૅશનલ ગેટઅપમાં, હેક્સૅગનલ સનગ્લાસિસ બન્નેમાં તમને સ્ટાઇલિશ લુક આપશે.’
એવિએટર સનગ્લાસિસની પૉપ્યુલારિટી પણ નથી ઓછી
ઇમ્પ્રેસિવ પર્સનાલિટી માટે પુરુષો એવિએટર સનગ્લાસિસની પસંદગી કરી રહ્યા છે. જિમિતભાઈ કહે છે, ‘ખાસ કરીને પ્રોફૅશનલ લુક કૅરી કરનારા પુરુષો એવિએટર સનગ્લાસિસ પહેરે છે. માર્કેટમાં આ પ્રકારના સનગ્લાસિસ સરળતાથી મળી જાય છે. આ પ્રકારના સનગ્લાસિસ પહેલાં છોકરાઓ માટે બનાવવામાં આવ્યા હતા, પણ હવે છોકરીઓ પણ પહેરે છે. આ સનગ્લાસિસનો લેન્સ થોડો મોટો હોય છે અને એ બધા કલર્સમાં મળી જાય છે. આ કારણે લુક વધારે સ્પેશ્યલ બને છે.’
ઓવરસાઇઝ્ડ સનગ્લાસિસ
બોલ્ડ સનગ્લાસિસને ઓવરસાઇઝ્ડ સનગ્લાસિસ પણ કહેવામાં આવે છે. આ પ્રકારના સનગ્લાસિસ ૭૦ના દાયકામાં વધુ ફૅશનમાં હતા. હવે આ રેટ્રો લુક આપતા સનગ્લાસિસ ફરી એક વાર ફૅશનમાં આવી ગયા છે. ઘણા પ્રકારનાં શેપ્સ, સાઇઝ અને કલર્સમાં મળે છે. એને આજકાલ સેલેબ્સ પણ પહેરી રહ્યા છે. એ પહેરવાથી ક્લાસિક અને પર્ફેક્ટ લુક મળે છે. આ સનગ્લાસિસ સૂર્યનાં કિરણોથી રક્ષણ કરે છે. એમાં તમને ઘણાબધા પ્રકારના શેપ મળી જશે, જેમ કે રાઉન્ડ, ઓવલ અને જ્યોમેટ્રિકલ.
વેફેર પણ છે ટ્રેન્ડમાં
વેફેર સનગ્લાસ પુરુષોને વર્સટાઇલ લુક આપે છે. ઓવલ શેપનો ચહેરો હોય તો આ પ્રકારના વેફેર તમને સૂટ થશે. જેમનું માથું થોડુંક મોટું હોય તેમને પણ આ નાક પાસેથી પહોળા હોય એવા શેપના સનગ્લાસિસ સારા લાગશે. જો તમે તમારા માટે બેસ્ટ સનગ્લાસિસની શોધમાં છો તો વેફેર સ્ટાઇલના સનગ્લાસિસ તમારા માટે રાઇટ ચૉઇસ સાબિત થઈ શકે છે.
ટ્રાન્ઝિશન ઇઝ બેસ્ટ
તડકા અને છાયામાં રંગ બદલતા ગ્લાસિસ પણ બહુ વપરાય છે એમ જણાવતાં જિમિતભાઈ કહે છે, ‘કૅઝ્યુઅલ વેઅર અને પ્રોફેશનલ લુકમાં ટ્રાન્ઝિશન ગ્લાસ પર્ફેક્ટ ઑપ્શન છે. પહેલાં આ પ્રકારના સનગ્લાસિસમાં બે કલર આવતા હતા, હવે એ સાત કલરમાં ઉપલબ્ધ છે. આ સનગ્લાસિસ તડકામાં બ્લૅક થઈ જાય છે અને આંખોને પ્રોટેક્ટ કરે છે. પોલરૉઇડ ગ્લાસિસ બેસ્ટ ક્વૉલિટીના આવે છે જે સૂર્યકિરણોથી આંખોને બચાવે છે. માર્કેટમાં અત્યારે ૩૦થી ૩૫ ટકા જેટલા પુરુષો પોલરૉઇડ ગ્લાસિસના સનગ્લાસિસ પહેરવાનું પસંદ કરી રહ્યા છે.’
પ્રાઇસ ફૅક્ટર છે મહત્ત્વનું
મોટા ભાગના પુરુષો આજકાલ બ્રૅન્ડેડ સનગ્લાસિસ પહેરવાનું પસંદ કરી રહ્યા છે. સામાન્યપણે સનગ્લાસિસ ૧૨૦૦ રૂપિયાથી ૩૦૦૦ રૂપિયા સુધીમાં મળી રહે છે, પરંતુ જો તમે લક્ઝરી ઑપ્શન પસંદ કરતા હો તો ૬૦૦૦ રૂપિયાથી લઈને તમે જેટલા મોંઘા અફૉર્ડ કરી શકતા હો એટલી કિંમતના સનગ્લાસિસ માર્કેટમાં મળી જાય છે.