25 April, 2023 03:30 PM IST | Mumbai | Falguni Jadia Bhatt
રેખા શાહ અને પંક્તિ પટેલ
ક્યારેય એવું બન્યું છે કે ઑફિસ પહોંચતાં જ તમારા શર્ટનું બટન તૂટી ગયું હોય અને તમને એવું લાગ્યું હોય કે એ બટનની સાથે જાણે એ દિવસ પૂરતો તમારો આત્મવિશ્વાસ પણ તૂટી ગયો હોય? કે પછી ક્યારેય એવું બન્યું છે કે કોઈ દિવસ બ્રાઇટ કલરનાં કપડાં પહેરી તમારો મૂડ પણ એકદમ ખીલી ઊઠ્યો હોય? કેમ પાર્ટીમાં બધા સારા મૂડમાં જ હોય છે અને ઉઠમણામાં બધા જ ઉદાસ? આપણા મિજાજ અને આપણા આત્મવિશ્વાસને આપણાં કપડાં તથા આપણા દેખાવ સાથે સીધો સંબંધ છે. અનેક સંશોધનોમાં પણ એવું પુરવાર થયું છે કે જેઓ ફૅશનનો થેરપી તરીકે ઉપયોગ કરી શકે છે તેઓ ખરાબ દિવસે પણ સારા મૂડમાં રહી શકે છે. કેમ અને કેવી રીતે? ચાલો સમજીએ...
પડકારો ઝીલવાની હિંમત
વિલે પાર્લેમાં રહેતી ૨૪ વર્ષની મૂળ નડિયાદની લેઉઆ પાટીદાર પંક્તિ પટેલ હાલ એક પીઆર એજન્સીમાં એક્ઝિક્યુટિવ તરીકે કામ કરે છે. આ સાથે તે એક પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ પણ છે અને પાર્ટીઝ તથા લગ્નમાં મહિલાઓને તૈયાર કરવા પણ જાય છે. પંક્તિ કહે છે, ‘મને બાળપણથી જ સારાં કપડાં પહેરવાનો અને તૈયાર થવાનો શોખ રહ્યો છે. અલબત્ત, ફૅશન મારે મન ફક્ત સ્ટાઇલ સ્ટેટમેન્ટ નથી બલકે મારી અંદર રહેલી સર્જનાત્મકતાને બહાર લાવવાનું એક માધ્યમ છે. પરિણામે તક મળતાં જ હું અલગ-અલગ આઉટફિટ્સ સાથે નવા-નવા લુક અજમાવ્યા કરું છું. દિવસના આઉટિંગ માટે જવાનું હોય ત્યારે નિયૉન ગ્રીન કે યલો જેવા બ્રાઇટ કલર્સ સાથે એને મૅચ થતો મેકઅપ કરું છું. રાતના ડિનર માટે જવાનું હોય તો બ્લૅક કે વાઇન કલરના આઉટફિટ સાથે પાર્ટી લુક ટ્રાય કરું છું. મારા આ પ્રયત્નોએ મને હંમેશાં લોકોનાં કૉમ્પ્લીમેન્ટ્સ અપાવ્યાં છે. કેટલાકે મારે ફિલ્મોમાં કામ કરવું જોઈએ જેવી સલાહ પણ આપી છે. અલબત્ત, મને એ બધામાં કોઈ રસ નથી. હું જે કરું છું એ મારી જાતને ખુશ રાખવા કરું છું, કારણ કે મારું માનવું છે કે તમારો દેખાવ તમારા વ્યક્તિત્વનું એક અત્યંત મહત્ત્વનું પાસું છે. તમે કેવી રીતે પોતાની જાતને પ્રેઝન્ટ કરો છો એ વ્યક્તિ તરીકે તમારા વિશે ઘણુંબધું કહી જાય છે. મને મારી જાતને હંમેશાં પ્રેઝન્ટેબલ રાખવી ગમે છે. એનાથી મારો આત્મવિશ્વાસ વધે છે અને એ વધેલો આત્મવિશ્વાસ મને જીવનના પડકારોનો ખેલદિલીપૂર્વક સામનો કરવાની હિંમત આપે છે.’
થાક અને કંટાળો ન રહે
પંક્તિની વાત પરથી એટલું તો પુરવાર થાય છે કે ફૅશન માત્ર લોકોને ઇમ્પ્રેસ કરવાનું સાધન જ નથી, પરંતુ પોતાની જાતને ખુશ રાખવાનું માધ્યમ પણ છે. પરંતુ શું એ થેરપી તરીકે પણ કામ કરી શકે છે? મૂડ ન હોય ત્યારે તમને ચિયર અપ કરવાનું કામ કરી શકે છે?
બોરીવલીમાં રહેતાં મૂળ ભાવનગરનાં દેરાવાસી જૈન ૪૪ વર્ષનાં રેખા શાહના મતે આ સવાલોનો જવાબ ‘હા’ છે. ગોરેગામની ઑબેરૉય ઇન્ટરનૅશનલ સ્કૂલમાં ટીચર તરીકે કામ કરતાં રેખા કહે છે, ‘દરેકના જીવનમાં નાના-મોટા ઉતાર-ચડાવ તો આવ્યા જ કરે છે. મેં એ ઉતાર-ચડાવોનો સામનો કરવા જીવનમાં એક નિયમ રાખ્યો છે. દર શનિવારે હું આવતા અઠવાડિયે મારે શું પહેરવું છે એનો વિચાર કરી દિવસ પ્રમાણે કપડાંની એક થપ્પી કબાટમાં તૈયાર કરીને મૂકી દઉં છું. એની સાથે એ કપડાંને મૅચિંગ ઍક્સેસરીઝ, શૂઝ, બૅગ્સ વગેરે પણ રેડી કરી દઉં છું. આમ કરવાના બે ફાયદા થાય. એક તો સવારે સ્કૂલમાં સમયસર પહોંચવાની ભાગદોડમાં આજે શું પહેરવું એ બાબતની ચિંતા ન કરવી પડે. બીજું, જીવનમાં બીજું કંઈ બરાબર હોય કે ન હોય, હું તો સારી જ દેખાઉં છું એ બાબતનો મને હંમેશાં અંદરથી વિશ્વાસ હોય. બલકે જે દિવસે મૂડ ન હોય કે કોઈ કારણસર હતાશ કે નિરાશ હોઉં ત્યારે મેં લેટેસ્ટ ફૅશનનાં કપડાં પહેરી મૂડ સુધારવાના અનેક અખતરા પણ કર્યા છે, જે મોટા ભાગે કારગત જ નીવડ્યા છે. આમ ફૅશન મારા માટે ચોક્કસ થેરપીનું કામ પણ કરે છે. બલકે નવી-નવી ફૅશન તથા ટ્રેન્ડ્સથી પોતાની જાતને અપડેટ કરવી, પિન્ટરેસ્ટ વગેરે જેવી ઍપ્સ જોઈ નિતનવી સ્ટાઇલ્સ ટ્રાય કરવી વગેરેમાં પણ મને બહુ જ મજા આવે છે. આમ કરવાથી મારો થાક અને કંટાળો તરત જ દૂર થઈ જાય છે.’
આ પણ વાંચો : ઊભાં રસોડાં સારાં કે બેઠાં?
આ તો છે હૅપીનેસ ડ્રગ
સારાં કપડાં અને સારો લુક આપણા વ્યક્તિત્વને નિખારે છે એ તો સમજાય છે, પરંતુ એનાથી આપણો મૂડ કેમ તરત સુધરી જાય છે? એવું તે મગજમાં શું થાય છે કે જે દિવસે ગમતાં કપડાં પહેર્યાં હોય એ દિવસ આપોઆપ સારો થઈ જાય છે? આ સવાલોનો જવાબ આપતાં બોરીવલીનાં ક્લિનિકલ સાઇકોલૉજિસ્ટ ડૉ. પૂર્વી જાધવ કહે છે, ‘ચીવટપૂર્વક તૈયાર થવું એ એક માઇન્ડફુલ ઍક્ટિવિટી છે. તમે સારાં કપડાં પહેરો, મેકઅપ કરો, મૅચિંગ ઍક્સેસરીઝ પહેરો એ આખી પ્રક્રિયા ખૂબ કૉન્સન્ટ્રેશન માગી લે છે. આઇલાઇનર, લિપસ્ટિક, બ્લશર કે પછી માથામાં જેલ લગાડતી વખતે તમારે એવું અને એટલું જ ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે જેટલું સંગીતનું કોઈ વાદ્ય કે પછી કોઈ ડ્રોઇંગ કે પેઇન્ટિંગ કરતી વખતે કરવું પડે છે. વળી એમ કરતી વખતે સતત તમે તમારી જાતને અરીસામાં ટ્રાન્સફૉર્મ થતી જુઓ છો. તમારા દેખાવમાં આવેલા પ્રત્યેક પરિવર્તનને તમે નજરોનજર નિહાળી શકો છો. આવું થાય ત્યારે મગજમાં સ્ટ્રેસ હૉર્મોન તરીકે ઓળખાતું કૉર્ટિસોલ નામનું કેમિકલ ઘટે છે અને હૅપીનેસ ડ્રગ તરીકે ઓળખાતા ડોપમાઇનનો સ્રાવ વધે છે. આ જ કારણ છે કે જે દિવસે સારા તૈયાર થઈએ એ દિવસે આપણો મૂડ આપોઆપ સારો થઈ જાય છે અને આ જ કારણ છે કે જેઓ હંમેશાં લઘરવઘર ફર્યા કરે છે, દિવસ આખો ઘરમાં નાઇટી પહેરીને બેઠાં રહે છે તેમની બૉડી લૅગ્વેન્જમાં જ એક પ્રકારનો થાક અને કંટાળો છલકાયા કરે છે.’
ફીલ ગુડની પાછળ બિન્જ શૉપિંગ ન કરવું...
આપણે બધા રીટેલ થેરપી શબ્દથી પરિચિત છીએ. રીટેલ થેરપી એટલે આવશ્યકતા ન હોય છતાં શૉપિંગ કરવું. આમ વાસ્તવમાં તો આ એક નકારાત્મક ગુણ છે છતાં કેટલાક લોકો એનો થેરપી એટલે કે દવાના વિકલ્પ તરીકે ઉપયોગ કરતા હોય છે અને મૂડ ખરાબ હોય એ દિવસે શૉપિંગ કરવા ઊપડી જતા હોય છે. શું આ યોગ્ય છે? સાઇકોલૉજિસ્ટ પૂર્વીબહેન કહે છે, ‘મૂડ ખરાબ હોય ત્યારે આપણને મગજમાં ઇન્સ્ટન્ટ ડોપમાઇન રિલીઝની આવશ્યકતા હોય છે. શૉપિંગ કરવાથી મગજમાં તરત જ ડોપમાઇનનો સ્રાવ શરૂ થઈ જાય છે, પરંતુ આ સ્રાવ એવો જ હોય છે જેવો બિન્જ ઈટિંગ, બિન્જ ટીવી વૉચિંગ કે પછી ગેમિંગ બાદ મગજમાં થાય છે. એની અસર જેટલી ઝડપથી શરૂ થાય છે એટલી જ ઝડપથી ઓસરી પણ જાય છે. આ જ કારણ છે કે જેમ અકરાંતિયાને વારંવાર ખૂબ ભૂખ લાગે છે એવી જ રીતે શૉપહૉલિક્સને વારંવાર શૉપિંગ કરવાની તલપ જાગે છે. તેથી જ વિન્ડો-શૉપિંગ કે રીટેલ થેરપીની આદત ખરાબ છે. એના કરતાં બહેતર તો એ છે કે તમે રોજ કસરત કરવાની, વૉક પર જવાની કે પછી કુદરતી સૌંદર્યને નિહાળવાની આદત પાડો. એનાથી મગજમાં જે ડોપમાઇનનો સ્રાવ થશે એ ધીમો હશે, પરંતુ એની અસર લાંબો સમય ટકી રહેશે. સાથે જ અન્યોને ઇમ્પ્રેસ કરવાના ઇરાદાથી નહીં, પરંતુ પોતાની ખુશી માટે તૈયાર થાઓ. લેટેસ્ટ ફૅશનને અનુસરવા નહીં, પરંતુ તમે જેમાં કમ્ફર્ટેબલ હો એવાં કપડાં પહેરો. નિતનવા ટ્રેન્ડ્સને નહીં, ચોખ્ખા નીટ લુકને પ્રાધાન્ય આપો. આ બધાથી તમારી અંદર પૉઝિટિવિટી આવશે, જે તમારી સાથે તમારી આસપાસના લોકોની એનર્જીને પણ અફેક્ટ કરશે.’