કિસીકી નઝર ના લગે

27 May, 2024 07:43 AM IST  |  Mumbai | Heta Bhushan

આજકાલ યુવાનો વધુ ને વધુ બોલ્ડ અને નિર્ભીક થઈ ગયા છે, પણ જ્વેલરીની બાબતમાં નજર ન લાગે એ માટે ઇવિલ આઇ જ્વેલરી ખૂબ પસંદ કરે છે

ઈવિલ આય જ્વેલરી

બ્રેસલેટ, નેકલેસ, પેન્ડન્ટ, ઍન્કલેટ, રિંગ, ઇઅર-રિંગ વગેરેમાં જુદી-જુદી રીતે ઇવિલ આઇ સિમ્બૉલવાળી જ્વેલરીનો ટ્રેન્ડ ફૅશન ટુ ફન્કી જ્વેલરીથી લઈને હાઈ-એન્ડ રિયલ જ્વેલરીમાં બધે જ ફેલાયેલો છે

ઇવિલ આઇ સિમ્બૉલ એટલે તમને પ્રોટેક્ટ કરનાર લકી ચાર્મ જે તમારું ખરાબ નજરથી રક્ષણ કરે. કાચમાંથી બનાવેલા આ સિમ્બૉલ હવે નાજુક, બ્યુટિફુલ જ્વેલરી પીસમાં પણ વાપરવામાં આવે છે જે પ્રેશ્યસ સ્ટોનથી બનાવવામાં આવે છે.

ઇવિલ આઇ જ્વેલરીનો અર્થ છે પહેરનારને ખરાબ નજરથી બચાવનાર જ્વેલરી. જ્વેલરીનો કોઈ પણ પીસ જેમાં ઇવિલ આઇ સિમ્બૉલ યુઝ કરવામાં આવ્યો હોય અને આ જ્વેલરીથી પહેરનારનું ખરાબ નજર અને બૅડ લકથી રક્ષણ થાય છે અને એને નેચરમાંથી કુદરતી પાવર પણ મળે છે.

ઇવિલ આઇ સિમ્બૉલમાં ચાર કૉસેન્ટ્રિક સર્કલ આંખોની કીકીના શેપમાં અથવા આંખના શેપમાં હોય છે. મોટા ભાગે ડાર્ક બ્લુ અને લાઇટ બ્લુ રંગના વિવિધ શેડ ધરાવતાં સિમ્બૉલ હોય છે. આ સૌથી કૉમન વપરાતો રંગ છે જે ખરાબ નજરથી બચાવે છે અને ગુડ લક આપે છે, પૉઝિટિવિટી અને ક્રીએટિવિટી પણ લાવે છે.

બીજા કયા-કયા કલર?

આ સાથે રેડ, યલો, બ્લૅક, ગ્રીન, ઑરેન્જ, પર્પલ રંગનાં પણ ઇવિલ આઇ સિમ્બૉલ મળે છે અને જ્વેલરી બનાવવામાં વપરાય છે. દરેક રંગની અસર અને અર્થ જુદાં-જુદાં હોય છે. ગ્રીન કલર શાંતિ અને નેચર સાથે સંકળાયેલો છે જે ખુશી, શાંતિ અને લાઇફમાં બૅલૅન્સ આપે છે. ઑરેન્જ કલર ક્રીએટિવિટી અને પ્રોટેક્શનની સાથે-સાથે મસ્તીભર્યો આનંદ આપે છે. રેડ કલર હિંમત અને એનર્જી આપે છે તથા ડર અને ચિંતા દૂર કરે છે. પર્પલ કલર લાઇફમાં બૅલૅન્સ લાવે છે, ઇમેજિનેશન વધારે છે, યલો કલર માઇન્ડ શાર્પ કરે છે અને નવા આઇડિયા આપે છે, હેલ્થ માટે પણ પહેરવામાં આવે છે. પિન્ક કલર સંબંધો અને પ્રેમ સાથે જોડાયેલો છે. વાઇટ કલર પીસ અને પ્યૉરિટી આપે છે અને જીવનમાં દરેક બાબતે ક્લિયર વિઝન આપે છે.

હજારો વર્ષ જૂનો ઇતિહાસ

આ ઇવિલ આઇ સિમ્બૉલનો મૂળ ઇતિહાસ હજારો વર્ષ પહેલાં ટર્કી અને રોમન તથા ગ્રીક સામ્રાજ્યમાં છે અને દુનિયાભરમાં એનો વપરાશ ઈર્ષ્યાને કારણે બીજાની ખરાબ નજરથી બચવા માટેના નુસખારૂપે કરવામાં આવે છે. ટર્કીમાં ઘરની અંદર, બહાર, વાહનો પર આ ઇવિલ આઇ સિમ્બૉલ લટકાવવામાં આવે છે અને એનાં બીડ્સ પહેરવામાં આવે છે. હવે તો યુનિવર્સલ સિમ્બૉલ ઑફ પ્રોટેક્શન તરીકે દુનિયાભરમાં પ્રચલિત છે.

જુદાં-જુદાં ફૉર્મમાં

આ ઇવિલ આઇ સિમ્બૉલ એક પૉપ્યુલર મોટિફ તરીકે હાલમાં ફૅશન-જ્વેલરી અને હાઇ-એન્ડ જ્વેલરીમાં અનેક રીતે વપરાય છે. ઇવિલ આઇ જ્વેલરી જુદા-જુદા ફૉર્મમાં બને છે; નેકલેસ, બ્રેસલેટ, ઍન્કલેટ, રિંગ, ઇઅર-રિંગ, વૉચ ચાર્મ વગેરે. ફૅશન-જ્વેલરીમાં ઇવિલ આઇ ફૅશન એક ખાસ પ્લેસ ધરાવે છે. ઇવિલ આઇ જ્વેલરીમાં બીડ્સ અને એનાં સિમ્બૉલનો ઉપયોગ તો થાય જ છે અને સાથે-સાથે ઝીણાં મોતીથી ઇવિલ આઇ સિમ્બૉલ બનાવેલાં બીડ્સ જ્વેલરી યુથમાં એકદમ પૉપ્યુલર છે. ઇવિલ આઇ એમ્બ્રૉઇડરી પીસ અને ઇવિલ આઇ પેઇન્ટિંગ પીસનો પણ જ્વેલરી બનાવવામાં ઉપયોગ થાય છે. ઇવિલ આઇ જ્વેલરી ઑનલાઇન અને ઑફલાઇન બન્ને રીતે મળે છે.

હાઇ-એન્ડ રિયલ જ્વેલરી

ઇવિલ આઇ જ્વેલરી પ્યૉર સિલ્વર અને પ્યૉર ગોલ્ડ, પ્લૅટિનમ, રોઝ ગોલ્ડ અને રિયલ ડાયમન્ડ સાથે બનાવવામાં આવે છે જેનો ઉપયોગ ખાસ પ્રસંગે ભેટ આપવામાં થાય છે.

સ્પેશ્યલ ગિફ્ટ આઇટમ તરીકે આ જ્વેલરી હવે ફર્સ્ટ ચૉઇસ બની ગઈ છે, કારણ કે તમે જેને ઇવિલ આઇ જ્વેલરી ગિફ્ટ આપો છો તેનું દરેક ખરાબ નજર અને બૅડ લકથી રક્ષણ કરવા માગો છો અને હંમેશાં તેનું સારું થાય અને તે ગુડ લક સાથે રહે એમ ઇચ્છો છો. આ વિચાર ઇવિલ આઇ જ્વેલરીને ફ્રેન્ડશિપમાં કે લવ રિલેશનશિપમાં કે એન્ગેજમેન્ટ ગિફ્ટ તરીકે કે ન્યુ બૉર્ન બેબી ગિફ્ટ તરીકે સુપરહિટ ચૉઇસ બનાવે છે અને ગિફટની વૅલ્યુ અને મહત્ત્વ વધારે છે.

બધાં એજ-ગ્રુપની ચૉઇસ

જ્વેલરી-ડિઝાઇનર ઉર્વી નૈનેશ કહે છે, ‘ઇવિલ આઇ જ્વેલરીમાં ઘણા રંગ આવે છે; પણ બ્લુ, વાઇટ અને બ્લૅક સ્ટોનનો સૌથી વધારે ઉપયોગ થાય છે. યુનિવર્સલી બધે જ ખરાબ નજરથી બચવા માટે ઇવિલ આઇ એક પીસ ઑફ જ્વેલરી બનાવી પહેરવાનો ટ્રેન્ડ છે. આ જ્વેલરી પહેરનારને પ્રોટેક્શન અને સ્ટાઇલ બન્ને આપે છે એટલે યુથમાં પહેલી પસંદ બને છે. ન્યુ જનરેશન ઇવિલ આઇ જ્વેલરી યુથને ધ્યાનમાં રાખીને અમે મૉડર્ન ડિઝાઇનમાં બનાવીએ છીએ, પણ હવે તો બધાં જ એજ-ગ્રુપમાં લોકો આ પહેરવાનું પસંદ કરે છે. પહેલાં મમ્મી બાળકોની નજર ઉતારતી હતી, હવે યુથ પોતાની મમ્મીને ઇવિલ આઇ જ્વેલરી મધર્સ ડે કે બર્થ-ડે ગિફ્ટ તરીકે આપે છે.’

ન્યુ-બૉર્ન બેબીમાં હિટ

આજકાલ ન્યુ-બૉર્ન બેબીને ગિફ્ટમાં આપવામાં આવતી બેબી જ્વેલરીમાં ઇવિલ આઇ સ્ટોનનો ખાસ ઉપયોગ થાય છે એમ જણાવતાં જ્વેલરી-ડિઝાઇનર ઉર્વી નૈનેશ કહે છે, ‘ન્યુ જનરેશન પેરન્ટ્સ પોતાના બેબી માટે આ ફૅન્સી મૉડર્ન બેબી બ્રેસલેટ ખાસ પસંદ કરે છે જે સુંદર કલર, દેખાવ સાથે ખરાબ નજરથી પણ બચાવે છે. છેલ્લાં બે વર્ષમાં રિયલ જ્વેલરીમાં ઇવિલ આઇ સિમ્બૉલ વાપવાનો ટ્રેન્ડ વધતો જ જાય છે. નાજુક પેન્ડન્ટ, ચેઇન, બ્રેસલેટ, ઍન્કલેટ્સ, રિંગ બધું જ બને છે અને એ દેખાવમાં સુંદર, મૉડર્ન અને નાજુક હોવાથી એવરીડે વેઅરેબલ જ્વેલરી પીસ બને છે એટલે એની ડિમાન્ડ વધારે છે અને વધતી જ રહે છે. રિયલ સાથે-સાથે ફૅન્સી અને ફન્કી જ્વેલરીમાં પણ ટ્રેન્ડિંગ છે.’

fashion news life and style columnists heta bhushan