તમારી ટ્રેડિશનલ બાંધણી કે લહેરિયું પણ બની શકે છે મૉડર્ન અને સ્ટાઇલિશ

30 July, 2024 11:45 AM IST  |  Mumbai | Heta Bhushan

ચાલો, આજે જાણીએ લહેરિયા, બનારસી સિલ્ક, બાંધણી કે કોઈ પ્લેન સાડીને મૉડર્ન ટચ કઈ રીતે આપી શકાય

ફ્રિલ સાથેની બાંધણી, જૅકેટ અને કૅપ, ડબલ-રાઉન્ડ ડ્રેપ મુમતાઝ સ્ટાઇલ

ભાઈના મામેરાના ફંક્શનમાં ઈશા અંબાણીએ બાંધણીની સાડીને રફલ્સ અને હૅન્ડમેડ બૉર્ડર સાથે મૉડર્ન ટચ આપ્યો હતો એ જબરદસ્ત હિટ રહ્યો. ભારતીય પરંપરાગત સાડીઓ એકદમ બહેનજી ટાઇપની જ લાગે એવું નથી, જો એમાં સહેજ ક્રીએટિવિટી ઉમેરવામાં આવે તો એ આપણી ટ્રેડિશન્સને રિવાઇવ કરવાનું અનોખું માધ્યમ બની શકે છે. ચાલો, આજે જાણીએ લહેરિયા, બનારસી સિલ્ક, બાંધણી કે કોઈ પ્લેન સાડીને મૉડર્ન ટચ કઈ રીતે આપી શકાય...

આમ તો અંબાણી પરિવારના દરેક ફંક્શનમાં પરિવારની મહિલાઓના આઉટફિટ્સ ચર્ચાનો વિષય રહ્યા હતા પણ મોટા ભાગના પ્રસંગોમાં ટ્રેડિશનલ ટચ મળ્યો હોવાથી આપણી ભારતીય કળા, પરંપરાઓ, આર્ટ કેટલી સમૃદ્ધ અને સુંદર દેખાય છે એની પ્રતીતિ થતી રહી. કેટલાય ફૅશન-ડિઝાઇનરો તેમ જ સ્ટાઇલિસ્ટોને એમાંથી ઘણા આઇડિયાઝ મળે એમ હતું. આજે વાત કરીશું ઈશા અંબાણીએ મામેરામાં પહેરેલી બાંધણીની સાડીની. રફલ્સ, હૅન્ડમેડ બૉર્ડર અને મિરર વર્ક સાથે એને પહેરવાની સ્ટાઇલમાં પણ જે મૉડર્ન ટચ હતો એ કમાલનો હતો. આજે ફૅશન-એક્સપર્ટ પાસેથી સમજીએ કે જો તમારી પાસે ટ્રેડિશનલ બાંધણી, લહેરિયું, બનારસી સિલ્ક સાડીઓ હોય તો એને આઉટડેટેડ સમજીને ફેંકી દેવાને બદલે એમાં પણ કંઈક ઉમેરો કરીને કઈ રીતે એને આધુનિક ટચ આપવો.

ફૅશન-ઇન્ડસ્ટ્રીમાં ૨૦ વર્ષનો બહોળો અનુભવ ધરાવતાં બોરીવલીમાં પોતાનું બુટિક ધરાવતાં ડિઝાઇનર નીલુ સંજીવ ભાર્ગવ બ્રાઇડલ બ્લાઉઝ અને કસ્ટમાઇઝ્ડ ડ્રેસ બનાવવામાં એક્સપર્ટ છે. સાડી વિશે તેઓ કહે છે, ‘ઈશા અંબાણીએ પોતાની ટ્રેડિશનલ બાંધણીને મૉડર્ન ફૅન્સી ટચ આપ્યો એ રીતે કોઈ પણ ટ્રેડિશનલ સાડી બાંધણી, લહેરિયા, બનારસી, કાંજીવરમ કે પ્લેન સાડીને નાનામોટા ફેરફાર અને ઍડિડીશન કે મૅચિંગ ઍડ-ઑન્સ સાથે મૉડર્ન ટચ આપી શકાય છે. સાડી ડ્રેપિંગ એક આર્ટ છે અને સાડી હંમેશાં એવરગ્રીન ફૅશન ગાર્મેન્ટ છે અને બધાને શોભે છે. ફૅશન મૂવમેન્ટ પ્રમાણે એમાં પણ ફેરફાર થતા રહે છે. આજકાલ ઇનથિંગ છે ટ્રેડિશનલ સાડીને મૉડર્ન લુક આપવો.’

શું અને કેવા બદલાવો થઈ શકે એ વિશે જાણીએ:

રફલ્સ

બાંધણી કે લહેરિયાને પ્રીસ્ટિચ કરી રફલ્સ ડિઝાઇન અને હૅન્ડવર્ક બૉર્ડર ઍડ-ઑન કરવાથી સાડી મૉડર્ન ફૅન્સી ગાર્મેન્ટમાં બદલાઈ જાય છે.

ફ્રિલ બૉર્ડર

સાડીની કિનાર પર બીજા કાપડની ફ્રિલ બૉર્ડર, ક્રશ મટીરિયલની બૉર્ડર કે પ્લીટેડ કે કટવર્ક લેસ ઍડ કરવાથી મૉડર્ન ટચ મળે છે.

ડબલ-રાઉન્ડ ડ્રેપ મુમતાઝ સ્ટાઇલ

જૂના જમાનાની ડબર-રાઉન્ડ ડ્રેપ મુમતાઝ સ્ટાઇલ કે ફિશકટ સ્ટાઇલમાં સાડીને પ્રીસ્ટિચ કરવામાં આવે છે અને બૉર્ડર ઇફેક્ટ આપવામાં આવે છે. સ્લીવલેસ બ્લાઉઝ સાથે આ સાડી યંગ સ્લિમ ગર્લ્સને સરસ શોભે છે.

જૅકેટ અને કૅપ

સાડીની સાથે મૉડર્ન કૅપ પહેરવાથી એકદમ ડિફરન્ટ લુક મળે છે. સાડી કોઈ પણ રીતે ડ્રેપ કરી હોય, એના પર મૉડર્ન લૉન્ગ સ્લિટવાળું જૅકેટ પહેરવાથી કે શૉર્ટ જૅકેટ પહેરવાથી મૉડર્ન ટ્વિસ્ટ મળી જાય છે.

લૉન્ગ ફૅન્સી બ્લાઉઝ

કોઈ પણ સાડીને ફૅન્સી મૉડર્ન ટચ આપવા માટેનો સહેલો રસ્તો છે એકદમ હટકે મૉડર્ન ફૅન્સી પેપ્લમ બ્લાઉઝ કે બ્લેઝર કટ બ્લાઉઝ કે બ્રાલેટ પર શૉર્ટ બ્લેઝર જૅકેટ પહેરો. સિલ્ક સાડી સાથે બનારસી કે જૅકાર્ડનું લૉન્ગ ઘૂંટણ સુધીનું બ્લાઉઝ સરસ યુનિક લુક આપે છે.

ધોતી સાડી

લેજન્ડરી ઍક્ટ્રેસ રેખા વારંવાર આ સ્ટાઇલ પહેરેલી જોવા મળે છે. ફૅન્સી હેવી પૅન્ટ સાથે લૉન્ગ બ્લાઉઝ અને હેવી બૉર્ડર કે વર્કવાળી સિલ્ક કે ટિશ્યુ સાડીને ધોતી સ્ટાઇલમાં રૅપ કરી ઓપન પલ્લુ ફ્રન્ટ કે બૅક કોઈ પણ રીતે રાખવામાં આવે છે. સાથે વધુ ઍડ-ઑન માટે દુપટ્ટો પણ યુઝ થાય છે.

સાડી વિથ દુપટ્ટા

તમારી પ્લેન ટ્રેડિશનલ બૉર્ડરવાળી સાડી સાથે કોઈ હેવી દુપટ્ટાને ઍડ-ઑન કરી ત્રીજા કૉન્ટ્રાસ્ટ કલરનું ફૅન્સી બ્લાઉઝ પહેરવાથી સુંદર કલરફુલ હેવી લુક મળે છે.

બે સાડીનું કૉમ્બિનેશન

સાડી પહેરવી હોય અને ટ્રેડિશનલ નહીં પણ મૉડર્ન હટકે લુક જોઈતો હોય તો એકસાથે બે સાડી પહેરો, એક પ્લેન અને બીજી સાડી બાંધણી કે લહેરિયું કે પછી બનારસી સાડી અને જોડે ઑર્ગેન્ઝા પ્લેન સાડી, આવા તમારા જ વૉર્ડરોબમાં રહેલા કૉમ્બિનેશન અને પહેરવાની રીતના વેરિએશનથી પણ ઈઝીલી મૉડર્ન લુક મળે છે.

મૉડર્ન બ્લાઉઝ

સિમ્પલ અજરખ સાડીમાં મિરરવર્ક અને હૅન્ડવર્કનું ઍડ-ઑન સાડીનો દેખાવ ફેરવી નાખે છે. સિમ્પલ ટ્રેડિશનલ સાડી સાથે ફૅન્સી બ્રાલેટ કે ઑફ-શૉલ્ડર બ્લાઉઝ પણ મૉડર્ન તડકા સાબિત થાય છે.

એમ્બ્રૉઇડરી બેલ્ટ

સાડીની સાથે હેવી એમ્બ્રૉઇડરી કરેલો કે બૉર્ડરમાંથી બનાવેલો બેલ્ટ પહેરવાથી પણ ફૅન્સી લુક મળે છે.

ટૅસલ્સ ઍડિશન

સાડીના બ્લાઉઝ, પાલવ, બૉર્ડર કે બેલ્ટમાં લટકતાં ફૅન્સી લૉન્ગ કે શૉર્ટ ટૅસલ્સ ઍડ-ઑન કરવાથી કે સાથે આખું ટૅસલ્સવાળું બ્લાઉઝ પણ ટ્રેન્ડી ટ્‍વિસ્ટ છે.

ઇમોશનલ અટૅચમેન્ટ

ઘણી વાર ક્લાયન્ટ પોતાની મમ્મી કે દાદી-નાનીની જૂની સાડી લઈને આવે છે કે આ સાડીને મૉડર્ન લુક આપો તો એ સાડીમાં કોઈ ઍડ-ઑન બૉર્ડર કે હાફ સાડી જોડે પ્લેન હાફ સાડી જૉઇન કરી બીજી હાફ સાડીમાંથી જૅકેટ બનાવી સરસ ફૅન્સી ડિઝાઇનર લુક આપી શકાય.

fashion fashion news life and style columnists