શું તમે ચિત્રકાર કે કલાપ્રેમી છો? તો આ કૅન્વસ પેઇન્ટિંગ યુનિક જ્વેલરી તમારી અંદરના કલાકારને નિખારશે

19 July, 2024 11:19 AM IST  |  Mumbai | Heta Bhushan

સ્મૉલથી મીડિયમ સાઇઝના હૅન્ડપેઇન્ટેડ કૅન્વસ પરની કલાકારીવાળાં નેકલેસ કે ઇઅરરિંગ્સ પહેરવાથી આર્ટિસ્ટિક અને અલ્ટ્રામૉડર્ન લુક મળી શકે છે

નેકલેસ

મૉડર્ન ફેશન વર્લ્ડમાં કંઈક એકદમ જ હટકે લુક મેળવવા માગતા લોકોમાં આજકાલ હૅન્ડ પેઇન્ટિંગ જ્વેલરી ખૂબ લોકપ્રિય થઈ રહી છે. એમાં નાના-નાના વિવિધ શેપના મિની કૅન્વસ પર પેઇન્ટિંગ કરીને એની સાથે મોતી, બીડ્સ, ઊન કે જૂટના થ્રેડ સાથે પરોવીને જે જ્વેલરી બને છે એ યુનિક તો છે જ સાથે ખૂબ આર્ટિસ્ટિક લુક આપે છે. ખોજ સિટીનાં જ્વેલરી-ડિઝાઇનર નિકિતા ઘોષ જણાવે છે, ‘ફૅશન વર્લ્ડમાં એકદમ અલગ પહેરવા માગતા લોકો માટે આ જ્વેલરી લાઇન એક સુંદર સંયોગ છે. યુનિક હૅન્ડક્રાફ્ટેડ જ્વેલરી આપણા કલ્ચરલ હેરિટેજને પણ ઉજાગર કરે છે.’

જ્વેલરી ડિઝાઇનર , નિકિતા ઘોષ

જાતજાતનું પેઇન્ટિંગ

જ્વેલરીમાં જે પ્રકારનું ચિત્રણ કરવામાં આવે છે એની રેન્જ ખૂબ જ વિશાળ છે. ટ્રેડિશનલ ફૉર્મના પેઇન્ટિંગથી લઈને મૉડર્ન ઍબ્સ્ટ્રૅક્ટ, પટ્ટચિત્ર અને તમામ ટ્રેડિશનલ લોકલ પેઇન્ટિંગ કળાઓના મોટિફ્સ એમાં વપરાય છે. અલબત્ત, એ પેઇન્ટિંગ સાથે તમે શું પહેર્યું છે એ પણ મૅચ કરવું જરૂરી છે. ફૅન્સી ડૂડલ્સ પણ એમાં વપરાય છે અને મંડાલા આર્ટ પણ. જ્વેલરી પીસ મેકિંગ પ્રોસેસની વાત કરતાં ડિઝાઇનર નિકિતા ઘોષ કહે છે, ‘નાના-મોટા ચોરસ, લંબચોરસ, પાન શેપ કે ચંદ્રાકાર જેવા વિવિધ શેપના નાનકડા કૅન્વસ પર ડિઝાઇન સ્કેચ કરી એમાં રંગો પૂરવામાં આવે છે. પછી એમાં ડિઝાઇન પ્રમાણે એની સજાવટ થાય. આભલાં, કોડી, મોતી, કુંદન ઍડ પણ કરવામાં આવે છે. કૅન્વસ સાથે મીડિયમ ડેન્સિટી ફાઇબર બોર્ડ (MDF) પીસ પર, કૉટન ફૅબ્રિક બેઝ બનાવીને હૅન્ડમેડ પેપર જેવા મટીરિયલ પર ઍક્રિલિક કલર્સથી પેઇન્ટિંગ થઈ શકે છે. એક પીસને ડિઝાઇન કરવામાં તો ઘણી થૉટ પ્રોસેસ હોય છે અને એને બનાવતાં ડિઝાઇનની કૉમ્પ્લેક્સિટી પ્રમાણે ઍવરેજ બેથી ત્રણ દિવસ લાગે છે. હૅન્ડપેઇન્ટેડ જ્વેલરીમાં નેકલેસ, ઇઅરરિંગ્સ, બ્રૉડ બ્રેસલેટ અને સ્ટેટમેન્ટ રિંગ બનાવી શકાય છે. બાકી આ તો કળા અને કલ્પનાનો વિષય છે એટલે ડિઝાઇન્સમાં તો સ્કાય ઇઝ ધ લિમિટ જેટલો સ્કોપ છે. હૅન્ડપેઇન્ટેડ જ્વેલરી લાઇટ વેઇટ રહે એનું ધ્યાન રાખવું જરૂરી છે. કસ્ટમ-મેડ પણ બનાવી શકાય છે.’

છે વિવિધ ડિઝાઇનનો સ્કોપ

પ્રમાણમાં થોડી મોટી સ્ટેટમેન્ટ લુક આપતી આ જ્વેલરીની ડિઝાઇનમાં કૅન્વસનો શેપ, એના પરનું પેઇન્ટિંગ અને એની બીડ્સ અને કલરફુલ થ્રેડમાં પરોવણી અને ઍડ-ઑન્સ બધું જ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ જ કારણોસર તમે એવી યુનિક જ્વેલરી ડિઝાઇન કરાવી શકો છો જે તમારું પોતીકું ક્રીએશન હોય અને એ બીજા કોઈ પાસે ન હોય. એ વિશે નિકિતા કહે છે, ‘કસ્ટમરને જે ગમે એ ડિઝાઇન અને જે જોઈએ એ રંગમાં બધી જ ડિઝાઇન બનાવી શકાય છે. આમ તો અત્યારે માસ પ્રોડક્શનનો જમાનો છે. એમાં ખાસ હાથેથી દિલ રેડીને કરેલું ડીટેલિંગ અને ક્વૉલિટી હૅન્ડપેઇન્ટિંગ અને એનાથી બનાવેલી જ્વેલરી વિશેષ અપીલ કરે છે.’

કેવી ડિઝાઇન્સ ઇન છે?

રિલિજિયસ ડિઝાઇન : આર્ટિસ્ટિક લુક ધરાવતા મૉડર્ન ગણેશ, મા શક્તિ, દુર્ગામાતા, કોડી સાથે અર્ધનારીશ્વર શિવજી, ભગવાન કૃષ્ણ, જગન્નાથજી, તિલક, બુદ્ધ ભગવાન જેવા રિલિજિયસ પેઇન્ટિંગ અને સાથે મોતી, ઊનના ગોટા, કોડી વગેરે સાથે કૉમ્બિનેશન કરી બનાવેલા જ્વેલરી પીસ મનમોહક લાગે છે.

નેચર ડિઝાઇન : નેચર પેઇન્ટિંગ, ફૂલ, મોર, મંડાલા આર્ટ, પિછવાઈ આર્ટ, મિથિલા–મધુબની આર્ટ, વારલી પેઇન્ટિંગ, ભરતનાટ્યમ કરતી નૃત્યાંગના તથા આફ્રિકન ટ્રાઇબલ આર્ટ જેવા અનેક ઑપ્શન્સ અવેલેબલ છે.

મૉડર્ન ડિઝાઇન :  ઍબ્સ્ટ્રૅક્ટ મૉડર્ન આર્ટ, શૅડો ટ્યુન, હાફ મૂન કે ક્રેસન્ટ મૂન શેપમાં મૉડર્ન ડિઝાઇન, મૉડર્ન ઍક્વામરીના, હૉટ મિસ્ટરી ગર્લ, અર્બન નારી જેવા યુનિક ઑપ્શન્સથી તમે મૉડર્ન લુક મેળવી શકો છો.

તમે જાતે પણ કરી શકો

પીંછી અને રંગો સાથે દોસ્તી હોય તો તમે જાતે તમારાં મનગમતાં ચિત્ર તમારા મનગમતા રંગોમાં તમારા ડ્રેસઅપ અને મિજાજને અનુરૂપ જ્વેલરી પીસ જાતે ડિઝાઇન કરી બનાવી શકો છો. જાતે બનાવેલી તમારી જ્વેલરી સાથે તમારું એક ઇમોશનલ બૉન્ડિંગ હશે. એ પહેરવાથી વધુ આનંદ મળશે. મિની શેપના કૅન્વસ, બીડ્સ, મોતી અને રંગોની સાથે ટ્રાય યૉર ઇમૅજિનેશન.

ગિફ્ટિંગ આઇડિયા

આ હૅન્ડપેઇન્ટેડ જ્વેલરી કોઈ પણ કળાપ્રેમીને ગિફ્ટ આપવા માટે સ્પેશ્યલ ગિફ્ટિંગ આઇડિયા છે તમે જેને ગિફ્ટ આપવા માગો છો તેની ખાસિયત, તેના મિજાજ અને પસંદને અનુરૂપ પેઇન્ટિંગ પસંદ કરીને કે પછી જાતે દોરીને તમે એકદમ યાદગાર અલગ જ તરી આવતી ગિફ્ટ આપી શકો છો.

એક્સ્ટ્રા-લાર્જ લુક 
આ સ્ટેટમેન્ટ ઇફેક્ટ આપતી હૅન્ડપેઇન્ટેડ જ્વેલરીમાં વધુ યુનિક લુક માટે એકસાથે બે કે ત્રણ કૅન્વસ પેઇન્ટિંગ કરીને કૉમ્બિનેશન કરવામાં આવે છે અને યુનિક કૉટન થ્રેડ, કૉટન ફૅબ્રિક ફ્લાવર, મોટી વુડન બીડ્સથી બોલ્ડ લુકની જ્વેલરી આંખે ઊડીને વળગે છે.

બધા સાથે શોભે છે 
ડિઝાઇનર નિકિતા કહે છે, ‘આ હૅન્ડપેઇન્ટેડ જ્વેલરીની આર્ટની યુનિક અપીલ એવી મૅજિકલ છે કે એ એકદમ મૉડર્ન આઉટફિટ જીન્સ કે સૂટ, પૅન્ટ કે સ્કર્ટથી લઈને સાડી સુધી બધા સાથે અફલાતુન મૅચ થાય છે અને આઉટસ્ટૅન્ડિંગ લુક આપે છે. પ્લેન સિમ્પલ આઉટફિટ સાથે સુંદર મૅચ થઈને લુક એલિવેટ કરે છે.’ 

મિની સ્ટડ પણ બને
તમે મોટી સ્ટેટમેન્ટ જ્વેલરી ન પહેરતા હો, નાજુક જ્વેલરી વધુ પસંદ હોય તો પણ તમે હૅન્ડપેઇન્ટેડ જ્વેલરીનો ચાર્મ માણી શકો છો. નાના ગોળ, ચોરસ, લંબચોરસ, પાન શેપના કૅન્વસ પર કરેલાં સુંદર નાનાં ફ્લાવર, કમળ, કેરી, ફેસ ફિગર અને મોતી, ડ્રૉપ્સ, પોલકી, ઘૂઘરી લટકણ સાથે નાનાં સ્ટડ બહુ સરસ લાગે છે.

 

fashion news fashion gujarati mid-day life and style