28 August, 2024 12:05 PM IST | Mumbai | Laxmi Vanita
તમન્ના ભાટિયા
તમન્ના ભાટિયાનો ૨૦૨૧ના ઇન્ટરવ્યુનો એક વિડિયો, જેમાં તે ખીલની સારવાર માટે પોતાની લાળ પોતાના ચહેરા પર લગાવવાની વાત કરી રહી છે એ હાલમાં વાઇરલ થયો છે. આ ઇન્ટરવ્યુમાં તમન્ના કહે છે, ‘સવારે ચહેરા પર વાસી લાળ લગાવવાથી ખીલ સુકાઈ જાય છે અને સાફ થઈ જાય છે. જોકે ઉપચાર સાંભળવામાં બહુ ગંદો લાગે.’
આ વિડિયો એક બ્યુટી-વ્લૉગરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો અને જેને લગભગ ૫ મિલ્યન કરતાં વધારે લોકો જોઈ ચૂક્યા છે અને એવું પણ માની શકાય કે આમાંથી કેટલાય લોકોએ આ બ્યુટી ટિપનું અનુસરણ કરવાનું શરૂ પણ કરી દીધું હશે, કારણ કે સવારે ઊઠીને બસ વાસી થૂંક જ તો લગાવવાનું છે. ત્યારે જાણીએ કે શું દરેક વ્યક્તિ લાળનો ઉપયોગ ખીલની સારવારમાં કરી શકે? જો હા, તો કેમ અને ના, તો કેમ?
આપણી લાળમાં ઘણા ફાયદાઓ છે એની વાત કરતાં બોરીવલી અને ગોરેગામના BAE સ્કિન ક્લિનિકમાં પ્રૅક્ટિસ કરતાં કૉસ્મેટોલૉજિસ્ટ અને ડર્મેટોલૉજિસ્ટ ડૉ. કૃપા અજમેરા મોદી કહે છે, ‘લાળમાં ઍન્ટિઇન્ફ્લૅમૅટરી અને વુન્ડ હીલિંગ એટલે કે ઘાને રૂઝવવા માટેના ગુણધર્મો રહેલા છે. એટલે એમ પૂછો કે ચહેરાના ખીલના ઉપચારમાં ઉપયોગ કરી શકાય? તો જવાબ છે હા, પરંતુ શું બધા જ આ ટ્રેન્ડ ફૉલો કરી શકે? તો જવાબ છે ના. એનું કારણ તમારે તમારી લાળની ગુણવત્તા ચકાસવી પડે. શું તમારી લાળ ઇન્ફેક્શન કે બૅક્ટેરિયાવિહીન છે? શું તમે લાળને સ્ટરિલાઇઝ એટલે કે જીવાણુમુક્ત કરીને ઉપયોગ કરવાના છો? તો આ બધી જાણકારી મેળવીને તમે લાળનો ઉપયોગ કરી શકો. નો ડાઉટ, પ્રાચીન સમયમાં લાળનો ઉપયોગ થતો હતો અને મેડિસિન તરીકે વપરાતી. દરેક પ્રાણી એમના ઘાને જીભથી ચાટતા હોય છે, કારણ કે લાળમાં ઇન્ફેક્શન કે ઘાને રૂઝવવાની ક્ષમતા રહેલી હોય છે. જો આપણે પણ પ્રાણીઓની જેમ લાળનો ઉપયોગ કરીએ તો ડૉક્ટર પાસે જવાની જરૂર ન પડે એવું નથી, એનું કારણ છે દરેક વ્યક્તિની લાળનું બંધારણ જુદું હોય છે.’
લાળ વાપરવામાંં સાવચેતી
પ્રાચીન સમયથી આંગળી પર જરાક વાગે તો એ તરત જ મોંમાં જાય છે એટલે લોહી નીકળતું બંધ થઈ જાય છે. આપણી દાદી-નાનીના જમાનાથી કોઈ પણ વૈજ્ઞાનિક સમજૂતી વગર આપણે આ વાતને માનીએ છીએ. જોકે લાળમાં રહેલી હીલિંગ પ્રૉપર્ટી વિશે બહુ જ મર્યાદિત સંશોધનો થયાં છે. એટલે જ લાળને ખીલની સારવાર માટે ઉપયોગમાં લેવાની વાત કદાચ એક્સપર્ટના ગળે નથી ઊતરી રહી. આખી રાતની વાસી લાળ કે જેમાં બૅક્ટેરિયાનો ગ્રોથ થયો હોય એના વિશે ડૉ. કૃપા કહે છે, ‘મોંમાં ચીરા કે અલ્સર થયા હોય કાં તો પાચનતંત્રમાં સમસ્યા હોય, આ પરિસ્થિતિમાં આખી રાત મોં બંધ રહે એમાં બૅક્ટેરિયાનો ગ્રોથ બમણો થઈ ગયો હોય. પ્લસ આ એવા બૅક્ટેરિયા હોય જે ઇન્ફેક્શન વધારી શકે. આ લાળ જ્યારે ત્વચા પર લગાવવામાં આવે તો ત્વચા પર પહેલેથી જ ખીલ છે અને એમાં ઇન્ફેક્શનયુક્ત લાળ લગાવીએ તો ખીલ મટવાને બદલે તીવ્ર બની શકે. હેલ્ધી લાળ કે ઇન્ફેક્શનયુક્ત લાળ એની પરખ સામાન્ય લોકો કઈ રીતે કરી શકવાના?’
ઘરેલુ નુસખા કામના જ છે
તો શું અત્યાર સુધી લોકો લાળના ફાયદાનાં ગુણગાન ગાઈ રહ્યા છે એ ખોટાં છે? તો ના. ઘરેલુ નુસખાની ડિમાન્ડ બધે જ છે એમ જણાવતાં ડૉ. કૃપા કહે છે, ‘જે લોકોની ઓરલ હાઇજીન એટલે મોંની કાળજી બહુ સારી હોય અને જેઓ એકદમ હેલ્ધી હોય, તેમણે જ આ ઘરેલુ નુસખો અજમાવવો. હેલ્ધી લોકોની લાળ પણ હેલ્ધી હોય એટલે એનો ઉપયોગ યોગ્ય છે. હેલ્ધી લોકો માટે સવારની પહેલી લાળ ચહેરા પર ઍન્ટિબૅક્ટેરિયલ અને મૉઇશ્ચરાઇઝર તરીકે કામ કરી શકે છે. ચેતવણી એ છે કે આપણે આજકાલ સસ્તા અને ઘરગથ્થુ ઉપચાર મળી રહે એટલા માટે સોશ્યલ મીડિયા પર વાઇરલ થતા ટ્રેન્ડને વગર વિચાર્યે ફૉલો કરીએ છીએ. વગર જાણ્યે-વિચાર્યે જો લાળને ત્વચા પર લગાવવામાં આવે તો પરિસ્થિતિ એવી ખરાબ થઈ શકે કે સસ્તા નુસખાનો ઇલાજ બહુ મોંઘો પડી શકે છે.’
રિસર્ચ શું કહે છે?
વર્ષ ૨૦૧૭માં યુરોપની ઍમ્સ્ટરડૅમ યુનિવર્સિટીમાં ખીલના ઉપચારમાં લાળની ભૂમિકા પર અભ્યાસ થયો હતો જેમાં ૮૪ પાર્ટિસિપન્ટ્સને માઇલ્ડથી સિવિયર ખીલ હતા. ૧૫૦ પાર્ટિસિપન્ટ્સ હેલ્ધી હતા. આ અભ્યાસમાં ઊપસેલા ખીલ પર લાળ લગાવવામાં આવી તો તારણમાં એવું જાણવા મળ્યું કે લાળ લગાવવાથી હીલિંગ પ્રક્રિયાને વેગ મળી શકે છે, કારણ કે ખીલ પણ બૅક્ટેરિયાને કારણે થાય છે. લાળમાં રહેલા બૅક્ટેરિયા ખીલના મૂળમાં જઈને એના બૅક્ટેરિયા ખતમ કરે છે. આ જ અભ્યાસમાં એવી પણ નોંધ કરવામાં આવી હતી કે લાળની ભૂમિકા ખીલના ઉપચારમાં મર્યાદિત છે. એ જ કારણ છે કે નિષ્ણાતો પણ લાળને ખીલનો ઉપચાર નથી માનતા. સામાન્ય વિજ્ઞાન કહે છે કે લાળની pH ક્યારેક ન્યુટ્રલ તો ક્યારેક ઍસિડિક હોઈ શકે છે. આવી લાળ ત્વચાને એકદમ શુષ્ક કરી મૂકે છે અને ખીલ થવાનું કારણ પણ બની શકે છે. ડૉ. કૃપા કહે છે, ‘લાળનું કામ મોઢાને હાઇડ્રેટેડ રાખવાનું છે. લાળ ગ્લુકોઝને પચાવવાનું અને મોંના બૅક્ટેરિયાને નષ્ટ કરવા માટે ઍન્ટિસેપ્ટિક તરીકે કાર્ય કરે છે અને દાંત સડતાં અટકાવે છે. પહેલાંના સમયમાં ખીલને દૂર કરવા માટે વિકલ્પો નહોતા, પરંતુ આજે ઘણા વિકલ્પો છે.’
કુદરતી રીતે ખીલને દૂર કરવા શું કરવું?
દિવસમાં બે વખત ચહેરાને ક્લેન્ઝરથી ધોવું. મોં પર ખીલ થયા હોય તો વારંવાર અડકવાનું ટાળવું કે પછી ખીલને દબાવીને એની અંદરનું પરું બહાર કાઢીને એને બેસાડવાની કોશિશ ન કરવી. ત્વચા પર મૉઇશ્ચરાઇઝર લગાવવું. ડાર્ક સ્પૉટથી બચાવવા દરરોજ સન સ્ક્રીન લગાવવું. સમતોલ આહાર લેવો અને સ્ટ્રેસ મૅનેજમેન્ટ કરવું. જે લોકો સોશ્યલ મીડિયા અનુસરે છે તેમના માટે ખાસ સલાહ કે વધારે ગંભીર ખીલ હોય તો ડૉક્ટરની સલાહ લેવી.
નૅચરલ સ્કિન માટે આટલું કરો
જો ત્વચાનું ધ્યાન રાખવું હોય તો સવારે ઊઠીને લાળ કરતાં બરફ ઘસો. આઇસિંગ એટલે કે બરફ લગાવવો, જેની કોઈ આડઅસર નથી. બરફનું પાણી ચોખ્ખું હોય એની ખાતરી કરી લેવી.
લાળ વિશે જાણવા જેવું
પુખ્ત વયની વ્યક્તિમાં મોં યોગ્ય રીતે કામ કરી શકે એ માટે શરીર દિવસ દરમ્યાન બે લિટર જેટલી લાળ પેદા કરે છે. લાળના બંધારણમાં ૯૯ ટકા પાણીનો ભાગ હોય છે અને બાકી ૧ ટકામાં અન્ય તત્ત્વોનો સમાવેશ થાય છે.
તનાવયુક્ત પરિસ્થિતિમાં તમારું શરીર ઊર્જાને મૅનેજ કરે છે એટલે કે જરૂરી કામમાં ઊર્જાનો ઉપયોગ કરે છે. એટલે સ્ટ્રેસ્ડ પરિસ્થિતિમાં શરીર લાળ ઉત્પન્ન કરવામાં ઓછું ધ્યાન આપે છે તેથી તમારું ગળું અને મોં સુકાતું હોય છે. ટૂંકમાં સ્ટ્રેસફુલ સિચુએશનમાં મોંમાં લાળનું ઉત્પાદન ઓછું થઈ જાય છે.
લાળ દાંતને બચાવવાનું કામ કરે છે. આપણે અમુક પ્રકારના ઍસિડિક આહારનું સેવન કરીએ ત્યારે આ તત્ત્વો દાંતના રક્ષણાત્મક આવરણનું ધોવાણ કરે છે. જો મોંમાં લાળ ન હોત તો ખોરાકમાંનો ઍસિડ સડો, કૅવિટી અને અન્ય પ્રકારે દાંતને નુકસાન કરી શકે.
લાળમાં ઍન્ટિબૅક્ટેરિયલ સંયોજન હોય છે. તેમ છતાં લાળનું ઉત્પાદન રાત દરમ્યાન નાટકીય રીતે ઓછું થઈ જાય છે, જેના કારણે બૅક્ટેરિયાનો ગ્રોથ વધે છે. તેથી જ સવારે મોંમાંથી વાસ આવે છે.