01 November, 2024 05:12 PM IST | Mumbai | Heta Bhushan
કુંદનવર્ક કરેલાં કે સ્ટોન પરોવેલાં ટી લાઇટ હોલ્ડર્સ ઉપલબ્ધ છે
૧. દિવાળીમાં દરેક ઘરના આંગણામાં સુંદર રંગસભર રંગોળી હોય જ છે. આ રંગોની કલાકૃતિને વધુ નિખાર આપવા એના કેન્દ્રમાં વચ્ચે કંઈક વધુ સુંદર હોવું જોઈએ. રંગોળીની વચ્ચે અને આજુબાજુ દીવા કરવાથી એની સુંદરતા પ્રકાશી ઊઠે છે. વધુ ઉઠાવ આપવા રંગોળીમાં વચ્ચે એક કોડિયું ઊંધું મૂકી એના પર બીજું કોડિયું મૂકી દીવો ગોઠવો. દીવાને એલિવેશન આપવાથી એ વધુ સરસ લાગશે.
૨. લિવિંગ રૂમના સેન્ટર ટેબલ પર વચ્ચે બહુ જ સરસ કલાત્મક ગોઠવણી બધા મહેમાનોનું ધ્યાન આકર્ષે છે. સેન્ટર ટેબલ પર ફૅન્સી ટેબલ-ક્લોથ કે મેટ ગોઠવવી અને એના પર સરસ ગોઠવણી કરવી. બજારમાં સુંદર બ્રાસનાં ટ્રી શેપનાં, લોટસ શેપનાં, પાન અને પંખીવાળાં, કુંદનવર્ક કરેલાં કે સ્ટોન પરોવેલાં ટી લાઇટ હોલ્ડર્સ ઉપલબ્ધ છે જેમાં સરસ રીતે ટી લાઇટ દીવાઓ ગોઠવી એકસાથે કરી શકાય છે. એ લિવિંગરૂમમાં સેન્ટર ટેબલ પર થોડાં ફૂલો સાથે કે ફૅન્સી મેટ પર ગોઠવવાથી સુંદર સેન્ટર પીસ બને છે. ફૅન્સી ટ્રે ગોઠવી એમાં ફૂલો કે મોતીઓ મૂકી ગ્લાસમાં વૉટર દીવા, ફૅન્સી જારમાં ફૂલો ગોઠવી શકાય છે. એક મોટા ચોરસ કાચના બાઉલમાં જેલી બૉલ, પાણી અને ફૂલની પાંદડીઓ, ચમકતી જેલી, ફ્લોટિંગ લોટસ દીવા ગોઠવી શકાય છે.
૩. લિવિંગ રૂમમાં સોફાની બાજુમાં સાઇડ ટેબલ પર સુંદર ફ્લાવર વાઝમાં ફૂલો, પાતળા ફ્લાવર વાઝમાં મોરનાં પીંછાં, લાઇટવાળું ટ્રી, ઈવિલ આઇ ટ્રી, ફિશ બાઉલમાં લાઇટ્સ સરસ ઉઠાવ આપે છે. મોટા લાંબા જારમાં રંગીન કાગળની પાંદડીઓ કે ફૂલોની પાંદડીઓ ભરીને મૂકો અને બાજુમાં ગ્લાસ કૅન્ડલ કે દીવો ગોઠવો.
ફ્યુઝન ડેકોર
ડાઇનિંગ ટેબલ પર મોટા ગ્લાસ જારમાં અંદર નાના ગ્લાસમાં ફૂલો ગોઠવીને ઊંધો ગોઠવો. પછી મોટા જારમાં જેલી બૉલ્સ અને પાણી ભરો. બહુ યુનિક સેન્ટર પીસ તૈયાર થઈ જશે. ડાઇનિંગ ટેબલ પર થોડા-થોડા અંતરે વાઇન ગ્લાસમાં એક-એક ગુલાબનું ફૂલ મૂકીને એને ઊંધો ગોઠવો અને ગ્લાસના સ્ટૅન્ડ પર ટી લાઇટ દીવા ગોઠવો. બહુ સરસ ફ્યુઝન લુક મળશે. નાના-નાના કલર ગ્લાસમાં એક-એક ફૂલ પણ સરસ લાગે છે.