ફેસ્ટિવ સીઝનમાં ટેરાકોટા છે ટ્રેન્ડમાં

03 November, 2023 02:31 PM IST  |  Mumbai | Heena Patel

તહેવારોની સીઝનમાં ટ્રેડિશનલ કપડાંમાં સજ્જ થવાનું હોય ત્યારે હવેની જનરેશન સોના-ચાંદી કે મેટલની જ્વેલરીને બદલે ટ્રેન્ડી ટેરાકોટા જ્વેલરી પસંદ કરી રહી છે

ટેરાકોટા

તહેવારોની સીઝનમાં ટ્રેડિશનલ કપડાંમાં સજ્જ થવાનું હોય ત્યારે હવેની જનરેશન સોના-ચાંદી કે મેટલની જ્વેલરીને બદલે ટ્રેન્ડી ટેરાકોટા જ્વેલરી પસંદ કરી રહી છે. આ કન્સેપ્ટ ઇકો-ફ્રેન્ડ્લી વિચારધારાને પણ પ્રમોટ કરે છે એટલે આ સીઝનમાં તમે સાડી પહેરો કે ડ્રેસ, એની સાથે ટેરાકોટા જ્વેલરી ટ્રાય કરી શકો છો

યંગ જનરેશન દરેક રીતે સસ્ટેનેબલ ઑપ્શન્સ પ્રત્યે સભાન થવા લાગી છે. તેમને દેખાડો અને ભભકો નહીં, પણ ઇકો-ફ્રેન્ડ્લી વિકલ્પો વધુ ગમે છે. ઇકો-કૉન્શિયસ લોકોમાં ટેરાકોટા જ્વેલરીની ડિમાન્ડ વધી રહી છે. ફેસ્ટિવ સીઝન નજીક છે ત્યારે ઑનલાઇન પ્લૅટફૉર્મ્સ પર પણ આ જ્વેલરી ટ્રેન્ડ કરી રહી છે. આ જ્વેલરી ઇકો-ફ્રેન્ડ્લી હોવાથી સાથે ઍન્ટિક, લાઇટવેઇટ, અફૉર્ડેબલ પણ છે.

ટેરાકોટા જ્વેલરીનું નવું ઊભરેલું ફૉર્મ છે જે ખાસ પ્રકારની માટીમાંથી બનાવવામાં આવે છે. તો ચાલો જાણીએ એ કઈ રીતે બનાવવામાં આવે છે, એની ખાસિયત શું છે, એ કયા આઉટફિટ પર સૂટ થાય, માર્કેટમાં એની પ્રાઇસ શું છે વગેરે.

ટેરાકોટા જ્વેલરી આર્ટિસ્ટ તેમ જ ટેરાકોટા પ્લાનેટનાં ફાઉન્ડર ગોપિકા જ્યોતિરાજ કહે છે, ‘ટેરાકોટા રેડિશ-બ્રાઉન કલરની માટી હોય છે જેને ડિફરન્ટ શેપમાં મોલ્ડ કરીને એમાંથી જ્વેલરી બનાવવામાં આવે છે. સામાન્ય રીતે એક ટેરાકોટાનો સેટ બનાવવામાં ઓછામાં ઓછા સાત દિવસ લાગે છે. જેટલી હેવી જ્વેલરી એટલો એને બનાવવામાં વધુ સમય લાગે છે.’

ટેરાકોટા જ્વેલરી મેકિંગ વિશે માહિતી આપતાં ગોપિકા કહે છે, ‘સૌથી પહેલાં તો ક્લેમાંથી જ્વેલરી ડિઝાઇન કરવાની હોય છે. એ પછી એને ડ્રાય કરવી પડે છે, જેના માટે ૨૪ કલાકથી લઈને સાત દિવસ સુધીનો સમય લાગી શકે; કારણ કે ડ્રાઇંગ પ્રોસેસ જ્વેલરીની જાડાઈ, માટીમાં પાણીનું પ્રમાણ, હવામાન વગેરે પર આધાર રાખે છે. જ્વેલરી ડ્રાય થયા પછી એને બેક કરવાની હોય છે, જેથી એ કડક થઈ જાય અને એ પછી એને ઍક્રિલિક પેઇન્ટ કરવામાં આવે છે.’

ટેરાકોટાની ખાસિયત વિશે ગોપિકા કહે છે ‘આ જ્વેલરી ઇકો-ફ્રેન્ડ્લી અને સસ્ટેનેબલ છે, કારણ કે એને બનાવવાની પ્રક્રિયામાં કોઈ નુકસાન પહોંચતું નથી. ટેરાકોટા જ્વેલરીની સરખી રીતે જાળવણી કરવામાં આવે તો એ આરામથી ૧૦-૧૨ વર્ષ સુધી ટકે છે. ટેરાકોટાની જ્વેલરી માટીમાંથી બનેલી હોવાથી એ બ્રેકેબલ હોય છે. તેથી એને મેટલની અન્ય જ્વેલરીથી અલગ બૉક્સમાં રાખવી જોઈએ, નહીંતર એ બટકી શકે છે. એ સિવાય જ્વેલરી જૂની થઈ જવા પર તમે એને ક્રશ કરીને માટીને છોડના કૂંડામાં નાખી શકો છો.’

શ્રુથિ ટેરાકોટા ક્રીએશન્સનાં લક્ષ્મી શંકર કહે છે, ‘હાલમાં ટેરાકોટા જ્વેલરીમાં ટેમ્પલ કલેક્શન ટ્રેન્ડમાં છે. આ કલેક્શન ટ્રેડિશનલ અટાયર અને ઓકેઝન માટે હોય છે જેમાં ગણપતિ, લક્ષ્મી, શિવ જેવાં દેવી-દેવતાની હેવી ડિઝાઇન હોય છે અને એ મોસ્ટ્લી ગોલ્ડન અને સિલ્વર કલરમાં આવે છે. ફેસ્ટિવ અને વેડિંગ સીઝનમાં એની ડિમાન્ડ વધુ હોય છે. શરૂઆતમાં ટેરાકોટા જ્વેલરી એથ્નિક વેઅર માટે હતી, પણ પછી વેસ્ટર્ન આઉટફિટને ધ્યાનમાં રાખીને એ માટેની ડિઝાઇનો તૈયાર થવા લાગી છે. વેસ્ટર્ન વેઅર માટેની ટેરાકોટા જ્વેલરી મલ્ટિકલરની હોય છે અને એમાં વધુ ​હેવી ડિઝાઇન હોતી નથી.’

કસ્ટમાઇઝેશન વિશે લક્ષ્મી શંકર કહે છે, ‘ટેરાકોટા જ્વેલરીની સારી વાત એ છે કે તમે તેને તમારી ઇચ્છા મુજબ કસ્ટમાઇઝ કરાવી શકો, જ્યારે અન્ય જ્વેલરીમાં તમારે માર્કેટમાં જે ડિઝાઇન અવેલેબલ હોય એ જ ખરીદવી પડે. બીજું એ કે જેને વધારે પડતી ચમકતી જ્વેલરી ન જોઈતી હોય, પણ એમાં એક યુનિકનેસ હોય એવી જ્વેલરી જોઈતી હોય તેવા લોકો માટે ટેરાકોટા બેસ્ટ ઑપ્શન છે. ત્રીજું એ કે ટેરાકોટા જ્વેલરી દરેક સ્કિન ટાઇપ માટે સૂટેબલ છે, કારણ કે એનાથી કોઈ સ્કિન ઍલર્જી થતી નથી. ચોથું એ કે જો તમારામાં ક્રીએટિવ સ્કિલ હોય તો તમે જાતે પણ આ જ્વેલરી બનાવી શકો છો.’

લક્ષ્મી શંકર કહે છે, ‘ટેરાકોટા જ્વેલરી વિશે ઘણા લોકોને હજી ખબર જ નથી. જોકે ટેરાકોટા જ્વેલરીનું આખું એક અલગ માર્કેટ છે. ટેરાકોટા જ્વેલરીમાં નેકલેસ, પેન્ડન્ટ, બૅન્ગલ્સ, રિંગ, એન્કલેટ્સથી લઈને નોઝપિનનો સમાવેશ છે. ટેરાકોટા જ્વેલરી ૧૫૦થી લઈને ૨૫૦૦ રૂપિયા સુધીની રેન્જમાં અવેલેબલ છે. જેમણે એક વાર ટેરાકોટા જ્વેલરી ટ્રાય કરી હોય તેઓ ડેફિનેટલી ફરી એ પર્ચેઝ કરશે. ટેરાકોટા જ્વેલરી પહેરવામાં પણ ખૂબ કમ્ફર્ટેબલ હોય છે, કારણ કે એ લાઇટવેઇટ હોય છે. આ જ્વેલરી બનાવવામાં ખૂબ જ પેશન્સ અને ક્રીએટિવિટી જોઈએ છે.’

diwali fashion fashion news life and style columnists