યંગ હો તો ઑર્ગેન્ઝા અને મૅચ્યોર હો તો બનારસી

07 November, 2023 03:03 PM IST  |  Mumbai | Heena Patel

લગભગ ઑલ એજ ગ્રુપમાં ટ્રેડિશનલ લુક માટે સાડી ઇન થિંગ છે. બદલાતા સમય સાથે આ દિવાળીમાં પ્લેન ફૅબ્રિકને બદલે રિચ ફૅબ્રિક પ્રિફરેબલ છે તેમ જ બ્રાઇટ કલર્સને બદલે પેસ્ટલ કલર્સની ડિમાન્ડ છે

ઑર્ગેન્ઝા, બનારસી

દિવાળી એટલે બિગેસ્ટ ફેસ્ટિવલ. એટલે એના માટે એક અલગ લેવલનું એક્સા​ઇટમેન્ટ હોય. એટલે આપણે એ માટે શૉપિંગ પણ એકદમ બિન્દાસ થઈને કરીએ. એ પછી મીઠાઈની, ફટાકડાની કે પછી કપડાની શૉપિંગ હોય. ધનતેરસ, દિવાળી, નવું વર્ષ, ભાઈબીજના દિવસે કયાં કપડાં પહેરવાં એ આપણે અગાઉથી જ નક્કી કરી લઈએ. એટલે મહિલાઓએ અત્યારથી જ દિવાળીની શૉપિંગ શરૂ કરી દીધી છે. તો ચાલો ફૅશન એક્સપર્ટ પાસેથી જાણીએ આ ફેસ્ટિવ સીઝનમાં શું-શું ડિમાન્ડમાં છે.

સાડી આ વખતે ટ્રેન્ડમાં છે. એ મિડલ-એજેડ મહિલાઓની વાત હોય કે પછી યંગ ગર્લ્સની, એવું જણાવતાં પરિણી અમૃતે કહે છે, ‘ગર્લ્સમાં સાડી ખૂબ ટ્રેન્ડ કરી રહી છે. ખાસ કરીને ઑર્ગેન્ઝા. ઑર્ગેન્ઝા સાડી પ્રિન્ટેડની સાથે એમ્બ્રૉઇડરી વર્ક, મોતી વર્ક, મિરર વર્ક, ક્રિસ્ટલ ઍન્ડ સીક્વન્સ વર્કમાં અવેલેબલ છે, જે એક રિચ લુક આપે છે. એમાં પણ ઇલેક્ટ્રિક કલર ટ્રેન્ડમાં છે. એટલે કે બ્રાઇટ અને વાઇબ્રન્ટ શેડ, જે આઇ કૅચિંગ અને અટેન્શન ગ્રૅબિંગ હોય. જેમ કે જો તમારી સાડી પેસ્ટલ (ફીકા રંગ) હોય તો પણ એમાં કોઈ એક એલિમેન્ટ એવું હશે જે તરત લોકોને આંખે ઊડીને વળગે. માર્કેટમાં પ્લેન ઑર્ગેન્ઝા સાડી પણ ઈઝીલી અવેલેબલ છે, જેને આપણે આપણી ચૉઇસ મુજબ ડિઝાઇન કરી શકીએ. આ સાડી પહેરવામાં ખૂબ લાઇટ વેઇટ હોવાથી યંગ ગર્લ્સ એને પસંદ કરી રહી છે. બીજું એ કે આ સાડી સાથે સ્લીવલેસ બ્લાઉઝ પહેરવાનું તેઓ પ્રિફર કરી રહી છે.

જો આપણે મિડલ એજ વિમેનની વાત કરીએ તો એમાં બનારસી સાડી ટ્રેન્ડમાં હોવાનું મેં નોટિસ કર્યું છે. મિડલ એજ વિમેન એવી વસ્તુ પસંદ કરી રહી છે જેમાં વધારે હેવી એમ્બ્રૉઇડરી વર્ક ન હોય અને ઈઝી ટુ મૅનેજ હોય. ઉપરથી બનારસી સાડી પર જે રેશમના દોરાથી કરેલુ વર્ક અને ઝરી વર્ક હોય છે તે ફેસ્ટિવલ લુક આપવા માટે એકદમ પર્ફેક્ટ છે. બનારસી સાડી એવી વસ્તુ છે જે એવરગ્રીન અને લૉન્ગ લાસ્ટિંગ છે. મિડલ એજ વુમન એવી સાડી પસંદ કરી રહી છે જેને રીયુઝ કરી શકાય. એટલે જ તેઓ બનારસી સાડી પ્રિફર કરે છે, જેને એ કોઈ પણ ઓકેઝન પર પહેરી શકે. 
બનારસી સાડી સાથે બનારસી જમ્પ સૂટ પણ ટીનેજર્સમાં ટ્રેન્ડિંગ છે. જમ્પ સૂટ આમ તો પ્યૉર વેસ્ટર્ન આઉફિટ છે, પણ એને બનારસી કપડાંમાં સીવીને ઇન્ડિયન ટ્રેડિશનલ ટચ આપવામાં આવ્યો છે. એ સિવાય અનારકલી ફરી ટ્રેન્ડ કરી રહ્યા છે. અનારકલીમાં પણ જ્યૉર્જેટના લાંબા, વધુ ઘેર અને ફુલ સ્લીવ્ઝવાળા ડ્રેસ ડિમાન્ડમાં છે. આવા ડ્રેસના ફૅબ્રિક લાઇટ હોય છે, પણ લુક એકદમ એલિગન્ટ આપે છે. એવું કહેવાય કે થોડા સમય પછી ફૅશન ટ્રેન્ડ રિપીટ થાય છે. અનારકલી માટે એ લાગુ પડે છે.

આજકાલ દિવાળી હાઉસપાર્ટીનો ટ્રેન્ડ વધ્યો છે જેમાં લોકો એવા જ ડ્રેસ પ્રિફર કરે જે ઈઝી ટુ હૅન્ડલ અને ઈઝી ટુ વેઅર હોય. એક સમય હતો જ્યારે દિવાળી પર બ્રાઇટ કલર્સની બોલબાલા હતી, પણ હવે એવું રહ્યું નથી. હવે લોકો ઓકેઝનના હિસાબે કલર ચૂઝ કરે છે. જેમ કે લક્ષ્મી પૂજા હોય તો બ્રાઇટ કલર્સ રેડ, ગ્રીન, યલો, પિન્ક તેમ જ જો દિવાળી ગેટ-ટુગેધર પાર્ટીમાં ઇંગ્લિશ કલર પહેરવાનું પસંદ કરે છે. બીજું એ કે લોકો હવે હૅન્ડવર્ક કે પછી એમ્બ્રૉઇડરી પસંદ કરવાનું ટાળે છે. એના બદલે તેઓ એવું ઇચ્છે છે કે ફૅબ્રિકમાં જ એક રિચનેસ હોય.

દીપા શાહનું કહેવું છે કે સીક્વન્સ વર્કવાળી તેમ જ બનારસી જરી વર્કવાળી જ્યૉર્જેટ સાડી આ વખતનું અમારું હિટ કલેક્શન છે. સાથે જ કુંદન વર્ક અને આરી વર્કવાળાં બ્લાઉઝ ભારે ડિમાન્ડમાં છે. યંગસ્ટર્સ ન્યુડ અને પેસ્ટલ કલર પસંદ કરી રહ્યા છે. એમાં પણ ઑલિવ ગ્રીન, પીચ, ઑફ વાઇટ, ન્યુડ પિન્ક એવા શેડ્સ છે જે બધાને જોઈતા હોય છે. ઇન્ડો-વેસ્ટર્નમાં થ્રી પીસ ખૂબ ટ્રેન્ડમાં છે. જેમ કે સૅટિનના લેહંગા-ચોલી પર નેટ-ઑર્ગેન્ઝા જૅકેટ અથવા ફ્લૅટ-ફ્લેરવાળા પ્લાઝો પર ક્રૉપ ટૉપ અને એના પર જૅકેટ. ખાસ કરીને દિવાળીની પાર્ટીમાં લોકો એ પહેરવાનું પસંદ કરે. 

diwali fashion fashion news life and style columnists