ટ્રેડિશનલ સાડીની ઝંઝટ છોડો, કૉર્સેટ સાડી અપનાવો

30 August, 2024 08:17 AM IST  |  Mumbai | Kajal Rampariya

સહેજ પણ પેટ ફરતે ચરબી હોય તો એને છુપાવીને સ્લિમ લુક આપતી આ સાડી પહેરવામાં ઈઝી છે અને એકદમ કમ્ફર્ટેબલ છે

પ્રતીકાત્મક તસવીર

એક જમાનામાં વિદેશમાં ઇનરવેર તરીકે વપરાતા કૉર્સેટનો ઉપયોગ ભારતમાં બહુ યુનિક રીતે થઈ રહ્યો છે. આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપડા અને કંગના રનૌતે કૉર્સેટ સાડી પહેરીને ફૅશનની દુનિયામાં યુવતીઓ માટે નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે. ટ્રેડિશનલ સાડીની ઝંઝટમાંથી છુટકારો મેળવીને ઈઝી ટુ વેઅર આ સાડી યુવતીઓને સ્લિમ ઍન્ડ ટ્રિમ લુક આપતી હોવાથી માર્કેટમાં એની પૉપ્યુલરિટી વધી રહી છે. એના વિશે એક્સપર્ટ પાસેથી વધુ જાણીએ.

કૉર્સેટ સાડી એટલે?

ફૅશન-ઇન્ડસ્ટ્રીમાં સાત વર્ષ કરતાં વધુનો અનુભવ ધરાવતી ફૅશન-ડિઝાઇનર ખિલ્તી સાવલા આ ટ્રેન્ડ વિશે કહે છે, ‘ભારતીય નારીઓ તૈયાર થઈને ફૅશનેબલ અને યુનિક દેખાવાનો મોકો જોતી હોય છે અને ફૅશનની દુનિયામાં અવનવા અખતરા થતા હોય છે ત્યારે હાલમાં કૉર્સેટ સાડી ઘણી પૉપ્યુલર બની રહી છે. સામાન્યપણે વર્ષો પહેલાં વિદેશમાં કૉર્સેટ ઇનરવેર તરીકે પહેરવામાં આવતું હતું. શરીરને સુડોળ દેખાડવા માટે ખાસ પ્રકારનું કટિંગ કરીને એ બનાવવામાં આવે છે. આ વિદેશી ફૅશનને ભારતમાં અનોખું રૂપ આપવામાં આવ્યું છે. યુવતીઓ હંમેશાં સિમ્પલ, ફૅશનેબલ અને કમ્ફર્ટેબલ ક્લોધિંગ અપનાવે છે. એમાં પણ વળી ફંક્શનમાં જવાનું હોય તો તેઓ ટિપિકલ ટ્રેડિશનલ વેઅરને બદલે ઇન્ડો-વેસ્ટર્ન પણ યુનિક અને સ્ટાઇલિશ દેખાય એવું પહેરવાનું પસંદ કરે છે અને કૉર્સેટ સાડી યુવ​તીઓ માટે પર્ફેક્ટ સૉલ્યુશન હોવાથી આ કન્સેપ્ટ માર્કેટમાં પૉપ્યુલર થઈ રહ્યો છે. કૉર્સેટ સાડી એટલે સ્લિમ ફિટ કટિંગવાળા બ્લાઉઝ સાથે ઈઝી ટુ વેઅર રેડીમેડ સાડી.’

ઈઝી ટુ વેઅર

મુલુંડમાં રહેતી ૨૭ વર્ષની ખિલ્તી કહે છે, ‘કૉર્સેટ સાડી પહેરવામાં સૌથી સરળ અને કમ્ફર્ટેબલ છે. ટ્રેડિશનલ સાડીને આખી ડ્રેપ કરવી પડે છે અને એમાં સમય પણ જાય છે, પણ કૉર્સેટ સાડીમાં તો એને સ્કર્ટની જેમ પહેરો અને પલ્લુને પિન લગાવો બસ. એ ઈઝી ટુ વેઅરની સાથે ટાઇમ-સેવિંગ પણ છે. કૉર્સેટ બ્લાઉઝનું ફિટિંગ બૉડીને કટ કરે એટલે કે સ્લિમ દેખાય એ રીતે જ કરવામાં આવ્યું છે જે તમારી બૉડીને વધુ સુડોળ દર્શાવે છે. કૉર્સેટ સાડી કૉકટેલ પાર્ટી, સંગીત સેરેમની, રિસેપ્શન, સગાઈ જેવાં ફંક્શનોમાં પહેરી શકાય છે. આ ઉપરાંત દિવાળીની પાર્ટીમાં પણ આ સાડી પહેરી શકાય. માર્કેટમાં આ પ્રકારની સાડી-બ્લાઉઝનો સેટ ૫૦૦૦થી ૩૫,૦૦૦ રૂપિયા સુધીમાં મળી રહે છે એટલે તમે તમારા બજેટના હિસાબે આવી સાડી ખરીદી શકો છો.

આ રીતે સ્ટાઇલ કરી શકાય

અનેક મોટા ફૅશન-ડિઝાઇનરો સાથે કામ કરીને અનુભવ મેળવી ચૂકેલી ખિલ્તી હાલમાં પોતાનું સ્ટાર્ટઅપ ચલાવે છે. ડ્રેપ સાડીને ડિઝાઇન કરીને એમાં માસ્ટર બની ચૂકેલી ખિલ્તી કૉર્સેટ સાડીને સ્ટાઇલ કરવા વિશે કહે છે, ‘મારી કારકિર્દીમાં મેં અત્યાર સુધીમાં ૬૦ ટકા જેટલી ડ્રેપ સાડી ડિઝાઇન કરી છે. એમાં મને કૉર્સેટ સાડીનો કન્સેપ્ટ વ્યક્તિગત રીતે ગમે છે. ૩૦થી ૩૫ વર્ષ સુધીની યુવતીઓ આ પ્રકારની સાડી પહેરશે તો બૉલીવુડની અભિનેત્રીઓની જેમ સ્ટાઇલિશ લાગશે. સાડી સ્ટાઇલ કરતી વખતે આભૂષણો વિશે પણ કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડશે. જેમ કે કૉર્સેટ બ્લાઉઝના ગળાની ડિઝાઇન ઓપન હોય છે એટલે કે એ ઓપન નેક કે વાઇડ નેક હોય છે. તો જો ટ્રેડિશનલ લુક જોઈતો હોય તો ગળામાં ડેલિકેટ કે હેવી ચોકર અને કાનમાં સ્ટડ્સ પહેરી શકાય. ફ્યુઝન ટ્રાય કરવું હોય તો કોરિયન જ્વેલરીના વિકલ્પો પણ અપનાવી શકાય. કૉર્સેટ સાડીનું કટિંગ ફિશ કટ થાય છે તો એ ફક્ત સુડોળ શરીર ધરાવતી યુવતીઓ પર જ નહીં પણ હેવી વેઇટ ધરાવતી યુવતીઓને પણ સૂટ થશે. બ્લાઉઝ પણ એ જ રીતે પેટના શેપને કટ કરીને સ્લિમ લુક આપે છે. હેલ્ધી ફિગર હોય એવી યુવતીઓ સાડી પહેર્યા પછી એને સૂટ થાય એવો સાડી-બેલ્ટ પહેરે તો તેમના લુકને ચાર ચાંદ લાગી જશે. જો સાડીની ડિઝાઇન ગોલ્ડન હોય તો બેલ્ટ ગોલ્ડન પહેરવો અને સિલ્વર ડિઝાઇન હોય તો સિલ્વર પહેરવો, પણ સાડી સિમ્પલ છે તો બેલ્ટને થોડો હેવી રાખી શકાય. એમ્બ્રૉઇડરી ડિઝાઇનવાળો બેલ્ટ બેસ્ટ ઑપ્શન છે જે તમારા સિમ્પલ લુકને હેવી બનાવશે.

fashion fashion news life and style columnists