મેંદી માત્ર શુકન જ નથી, સર્જનાત્મક કલા બની ગઈ છે

18 December, 2024 02:50 PM IST  |  Mumbai | Heta Bhushan

દરેક સારા પ્રસંગે બહેનો હાથમાં મેંદી લગાવે છે. ભલે દુલ્હન સિવાય બાકીની મહિલાઓ હાથમાં નાજુક અને હળવી ડિઝાઇન કરાવતી હોય, પણ એમાંય વિવિધતા અપરંપાર છે

વિવિધ મેંદી સ્ટાઇલ

દરેક સારા પ્રસંગે બહેનો હાથમાં મેંદી લગાવે છે. ભલે દુલ્હન સિવાય બાકીની મહિલાઓ હાથમાં નાજુક અને હળવી ડિઝાઇન કરાવતી હોય, પણ એમાંય વિવિધતા અપરંપાર છે. મેંદી મૂક્યા પછી એનો રંગ લાંબો સમય રહી જાય એવું ન ઇચ્છતા હોય તેમના માટે પણ હવે અલગ સ્ટાઇલની મેંદી આવી ગઈ છે ત્યારે મેંદીની કલાત્મક દુનિયામાં કરીએ એક ડોકિયું

લગ્ન હોય કે કોઈ પણ શુભ પ્રસંગે હાથોમાં મેંદી મુકાવવી એ શુભ શુકન માનવામાં આવે છે. પોતાના હાથમાં મેંદી લગાવવી એ સ્ત્રીઓના સોળ શણગારમાંથી એક છે. હવે આ મેંદી માત્ર શણગાર અને શુકન નહીં પણ એક અત્યંત સુંદર ઝીણી કારીગરીસભર કળા બની ગઈ છે. છેલ્લાં ૨૦થી વધુ વર્ષોથી કાર્યરત, આલિયા ભટ્ટ, રકુલ પ્રીત, જાહ‍્નવી કપૂર વગેરે સેલિબ્રિટીઝને મેંદી મૂકી ચૂકેલાં મેંદી-આર્ટિસ્ટ કલ્પના ઠાકર કહે છે,  ‘અત્યારે મેંદી ડિઝાઇનિંગની દુનિયામાં સતત નવા પ્રયોગ થતા રહે છે અને દરેક નવા પ્રકારની ડિઝાઇનની નવી ટેક્નિક હોય છે જે શીખતા રહીને અમારે પણ સતત અપડેટ થતા રહેવું પડે છે. ઇન્ડિયન અને અરેબિક સ્ટાઇલ મેંદી બાદ ડિઝાઇનિંગમાં અનેક ઇનોવેશન થયાં છે અને થતાં રહે છે. કેરી, મોર, પોપટ, હાથી, કમળ જેવા મોટિફ્સ તથા ઢોલ-શરણાઈ, બારાત, કળશ, સ્વસ્તિક શુભ પ્રતીકથી લઈને ભગવાન ગણેશ, શ્રીનાથજી, કૃષ્ણ-રાધા વગેરે કલાત્મક રીતે મેંદીની ડિઝાઇનમાં હાથમાં આલેખવામાં આવે છે.’

મુગલાઈ મેંદી સ્ટાઇલ
અત્યારે મુગલાઈ મેંદી સ્ટાઇલ એકદમ ટ્રેન્ડમાં છે. ફુલ હૅન્ડમાં સિમ્પલ ટચ ટુ ટચ દોરેલા વિવિધ સુંદર આકારોમાં ઝીણી ડિઝાઇન્સ કરવામાં આવે છે. મુગલાઈ મેંદીમાં મુગલકાળના સ્થાપત્ય અને એના ઉપરની શિલ્પકલા અને ચિત્રકલામાંથી પ્રેરણા લઈને ઝરુખો, ઘુમ્મટ, ગુંબજ, દરવાજા, હાથી, ફૂલવેલ, મોર, પોપટ, હંસ વગેરે આબેહૂબ આલેખવામાં આવે છે. 

નેગેટિવ સ્પેસ ડિઝાઇનિંગ
કટવર્ક સ્ટાઇલમાં ફૂલ, પાન, વેલ અને કલાત્મક આકારોને ખાસ મહત્ત્વ આપી સુંદર રીતે દોરવામાં આવે છે અને દરેક આકારની બહારની બૉર્ડર જાડી અને અંદરની રેખાઓને પાતળી દોરી સુંદર કટવર્ક ઇફેક્ટ ક્રીએટ કરવામાં આવે છે જે હાથમાં સુંદર રીતે શોભી ઊઠે છે. હાલમાં નેગેટિવ સ્પેસ ડિઝાઇનિંગ પણ ખૂબ જ ઇનથિંગ છે. 

વાઇટ મેંદી
બદલાતી ફૅશન પ્રમાણે અને કંઈક નવું કરવા માટે હવે બ્લૅક મેંદી, જે રેડથી મરૂન રંગ આપે છે એના સ્થાને સફેદ મેંદી પણ મૂકવામાં આવે છે. વાઇટ કે પેસ્ટલ આઉટફિટ સાથે બહુ સુંદર નાજુક લુક આપે છે. વાઇટ મેંદી કોન મેડિકલ ગ્રેડ ગ્લુ અને વાઇટ બૉડી પેઇન્ટિંગ મિક્સ કરી બનાવવામાં આવે છે અને પછી એ સફેદ કોન દ્વારા કોઈ પણ ડિઝાઇન મૂકી શકાય છે. વાઇટ મેંદીથી મુકેલી ડિઝાઇન બે કે ત્રણ દિવસ સુધી રહે છે. સફેદ મેંદી હાથને એકદમ યુનિક ડેલિકેટ અને એલિગન્ટ લુક આપે છે. વાઇટ મેંદી હાથ ઉપરાંત બાજુબંધ અને બૅકમાં પણ મૂકવામાં આવે છે. વાઇટ હિના ટૅટૂનાં સ્ટિકર્સ પણ રેડીમેડ મળે છે. 

ગ્લિટર મેંદી / નેઇલપૉલિશ મેંદી
ગ્લિટર મેંદી સ્ટાઇલમાં મેંદી ડિઝાઇન સાથે અમુક ડિઝાઇનને ગોલ્ડ, સિલ્વર કે રંગીન ગ્લિટર દ્વારા હાઇલાઇટ કરવામાં આવે છે અથવા આખી ડિઝાઇન એક કે બે રંગના ગ્લિટર કૉમ્બિનેશનથી જ કરવામાં આવે છે. ગ્લિટર મેંદી માટે એના દરેક રંગના ગ્લિટર મેંદી કોન રેડી મળે છે. ગ્લિટર મેંદી સાથે સ્ટોન પણ લગાવવામાં આવે છે. ગ્લિટર મેંદીનાં ટૅટૂ રેડીમેડ મળે છે. ગ્લિટરના સ્થાને આર્ટિસ્ટ નેઇલપૉલિશ દ્વારા પણ ચમકતી ઇફેક્ટ આપે છે. એને નેઇલપૉલિશ મેંદી પણ કહેવાય છે.

પોર્ટ્રેટ મેંદી
આ યુનિક સ્ટાઇલમાં બ્રાઇડ અને ગ્રૂમના આબેહૂબ ફેસ મેંદી આર્ટમાં હાથમાં આલેખવામાં આવે છે. ક્યારેક તેમના નજીકના પ્રિયજનનાં ફેસ પોર્ટ્રેટ પણ મેંદી ડિઝાઇનમાં ઍડ કરવામાં આવે છે અને આજુબાજુ મેંદી ડિઝાઇન આર્ટિસ્ટ કરે છે. આ કલાત્મક મેંદીમાં કપલ તેમની કોઈ યાદગાર ક્ષણ પણ આલેખવાનું કહે છે, મેંદી આર્ટિસ્ટ એ પણ જીવંત કરી આપે છે.

સ્પેશ્યલ ઓકેઝન મેંદી
મેંદીની દુનિયામાં હવે ૧૫ ઑગસ્ટ હોય, કરવા ચોથ હોય કે રક્ષાબંધન કે નવરાત્રિ; દરેક તહેવાર માટે સ્પેશ્યલ મેંદી ડિઝાઇન ક્રીએટ કરવામાં આવે છે. લગ્ન જ નહીં; એન્ગેજમેન્ટ સેરેમની, સીમંત કે બેબી-શાવરની પણ સ્પેશ્યલ ડિઝાઇન્સ હોય છે. 

ટ્રેન્ડિંગ બ્રાઇડલ ડિઝાઇન
હાલની વેડિંગ સીઝનમાં બ્રાઇડલ ડિઝાઇનમાં એકદમ ડીટેલ્ડ વર્ક ઇનથિંગ છે એમ જણાવતાં કલ્પના ઠાકર કહે છે, ‘બ્રાઇડના હાથમાં એકદમ નીટવર્ક થવું જોઈએ, કોઈ ભૂલ ન થવી જોઈએ અને એકદમ ડીટેલિંગ સાથેનું કામ થવું જોઈએ જે એકદમ ધીરજ અને આવડત માગી લે છે. અત્યારે દુલ્હા-દુલ્હનની પૂરી ડોલી સાથેની બારાત, ગણપતિ, કળશ, સ્વસ્તિક,ઢોલ-શરણાઈ જેવાં શુભ ચિહ‍્નો, દુલ્હા-દુલ્હનના નામના હૅશટૅગ સાથે કમળ, હાથી અને મોરના મોટિફ એકદમ ઇનથિંગ છે. હવે એકદમ કલાત્મક રીતે કૅલિગ્રાફી સ્ટાઇલમાં અને જુદી-જુદી ભાષામાં વરરાજાનું નામ લખવામાં આવે છે. આ નામ ક્યારેક એકદમ ઝીણી ડિઝાઇનમાં વાળી લઈને છુપાવવામાં આવે છે.’

હવે વરરાજા અને વરપક્ષવાળા પણ વરકન્યાના નામ અથવા હૅશટૅગ કે ટીમ ગ્રૂમ જેવું હાથમાં લખાવવાનું પસંદ કરે છે. શુકન અને સ્ટાઇલ બન્ને સચવાય છે. 

જ્યોમેટ્રિક મેંદી ડિઝાઇન
આ ડિઝાઇનમાં ચોરસ, ત્રિકોણ કે સીધી રેખાઓથી પતંગ આકાર, ષષ્ટકોણ જેવા શેપ બનાવવામાં આવે છે અને એની અંદર પણ સીધી રેખાઓથી ડિઝાઇન કરવામાં આવે છે.

પેન મેંદી
પેન મેંદી વિશે કલ્પના ઠાકર કહે છે, ‘ખાસ કરીને ટીવી-સિરિયલ્સ અને ફિલ્મોમાં સ્પેશ્યલ લિક્વિડ પેનથી સેલિબ્રિટીના હાથમાં મેંદી કરવામાં આવે છે એટલે એને પેન મેંદી કહે છે. રેડ, બ્રાઉન, વાઇટ પેનથી આ મેંદી કરવામાં આવે છે.’

મિનિમલિસ્ટ મેંદી
આ મેંદીમાં એકદમ નાજુક અને ઝીણી અને એકદમ ઓછી ડિઝાઇન કરવામાં આવે છે. ક્યારેક માત્ર આંગળાંમાં તો ક્યારેક માત્ર હથેળીમાં વચ્ચે કે પછી ક્યારેક એક આંગળીમાં કે આખા હાથમાં નાની-નાની બુટ્ટી જેવી ડિઝાઇન કરવામાં આવે છે.

હટકે ડિઝાઇનિંગ 
મેંદીની કળા હવે માત્ર હાથ અને પગ જ નહીં પણ શરીરનાં બીજાં અંગો પર પણ મેંદી ટૅટૂ તરીકે પહોંચી ગઈ છે. હાથમાં બાજુબંધ તરીકે, ગળામાં નેકલેસ તરીકે મેંદી ટૅટૂ કરવામાં આવે છે. બૅકલેસ બ્લાઉઝમાં બૅક પર મેંદી મૂકવામાં આવે છે અને હવે તો આખી બ્લાઉઝ પૅટર્નમાં મેંદી મૂકવામાં આવે છે. પગના નીચેના તળિયાના ભાગમાં નેગેટિવ સ્પેસ મેંદી પણ મૂકવામાં આવે છે.

fashion news fashion beauty tips life and style columnists heta bhushan mumbai gujarati mid-day