17 December, 2024 04:03 PM IST | Mumbai | Kajal Rampariya
અળસીનો ફેસપૅક ત્વચાનો ગ્લો વધારશે
બૉલીવુડની પ્રખ્યાત ફૅશન-ડિઝાઇનર અને અભિનેત્રી મસાબા ગુપ્તા તેના સ્કિનકૅર રૂટીનને લઈને ચર્ચામાં રહેતી હોય છે. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલી એક તસવીરમાં તે ફ્લૅક્સ સીડ્સ (અળસી) પાવડર, મધ અને દહીંથી બનાવેલો ફેસપૅક લગાવી રહી હતી. આ હોમમેડ નૅચરલ ફેસપૅક ત્વચા માટે કેટલો કારગર છે અને એને લગાવવાથી શું ફાયદાઓ થાય છે એના વિશે બ્યુટી-એક્સપર્ટનો મત જાણીએ.
મુલુંડ ઈસ્ટમાં રહેતાં બ્યુટી-એક્સપર્ટ મીનાક્ષી પારઘી આ ફેસપૅક વિશે કહે છે, ‘ફ્લૅક્સ સીડ્સ, મધ અને દહીં આ ત્રણેય ઇન્ગ્રીડિયન્ટ્સ સ્કિન-ફ્રેન્ડ્લી હોવાથી હું એને લગાવવાની સલાહ આપીશ. ફ્લૅક્સ સીડ્સમાં ઍન્ટિ-ઇન્ફ્લેમૅન્ટરી અને ઍન્ટિ-ઑક્સિડન્ટ્સના ગુણો હોય છે, જે શરીરને નુકસાન પહોંચાડતાં ફ્રી રૅડિકલ્સથી બચાવે છે અને ત્વચાને સ્મૂધ બનાવે છે. ખાસ કરીને ડ્રાય સ્કિન ધરાવતા લોકો જો ફ્લૅક્સ સીડ્સનો ફેસપૅક કે ફેસમાસ્ક લગાવે તો સ્કિનને હાઇડ્રેશન મળશે, એનું ટેક્સ્ચર પણ સારું થશે અને ત્વચાની ગંદકીને બહાર કાઢશે. ફેસપૅકમાં યુઝ થયેલી બીજી સામગ્રી એટલે કે મધનો ઉપયોગ તો સ્કિનકૅર રૂટીનમાં બહુ જ કૉમન છે. એ ત્વચામાં મૉઇશ્ચરને જાળવી રાખવાનું કામ કરે છે અને એની ઍન્ટિ-બૅક્ટેરિયલ પ્રૉપર્ટીઝ ખીલની સમસ્યા અને ઇરિટેશનથી બચાવે છે અને નૅચરલ ગ્લો વધારવાનું કામ કરે છે. દહીંમાં રહેલું લૅક્ટિક ઍસિડ ત્વચાના ડેડ સ્કિન સેલ્સને દૂર કરવાનું કામ કરે છે, પિગમન્ટેશન દૂર થાય છે. એ પ્રોબાયોટિક હોવાથી ચહેરાના ગ્લોની સાથે ત્વચામાં પ્રોડ્યુસ થતા ઑઇલને દૂર કરે છે અને સ્કિન હેલ્થને સુધારે છે. તેથી આ ફેસપૅક ડ્રાય સ્કિન, સેન્સિટિવ સ્કિન અને ઑઇલી સ્કિન માટે આઇડિયલ છે એમ કહી શકાય.
લીંબુ નહીં, દહીં જ વાપરો
ઘણા લોકો ફેસપૅકમાં દહીંને બદલે લીંબુ વાપરે છે. લીંબુ વાપરવામાં કોઈ પ્રૉબ્લેમ નથી પણ એમાં રહેલા ઍસિડિક ગુણધર્મો ક્યારેક ત્વચા પર રિવર્સ રીઍક્શન લાવે છે. કોઈને પિમ્પલ્સની સમસ્યા સર્જાય છે તો કોઈને સ્કિનમાં ખંજવાળ કે બળતરા થવા લાગે છે. જોકે દહીંમાં લૅક્ટિક ઍસિડ હોવાથી એના ગુણધર્મો માઇલ્ડ હોય છે. તેથી દહીંને સ્કિન-ફ્રેન્ડ્લી માનવામાં આવે છે. હું સ્કિનકૅર અને હેરકૅર રૂટીનમાં લીંબુને બદલે દહીં વાપરવું વધુ હિતાવહ છે એવું માનું છું.
સ્લો રિઝલ્ટ
જો કોઈને દહીંથી ઍલર્જી હોય તો ખાલી ફલેક્સ સીડ્સ અને મધનો પણ ફેસપૅક બનાવીને ચહેરા પર લગાવી શકાય. અઠવાડિયામાં બેથી ત્રણ વાર ચહેરા પર અપ્લાય કરવું. ત્યાર બાદ ધીરે-ધીરે રિઝલ્ટ જોવા મળશે. જો ફ્લૅક્સ સીડ્સ પાઉડર કે દહીં પહેલી વાર યુઝ કરવા જતા હો તો પૅચ ટેસ્ટ કરી લેવી જરૂરી છે. ત્વચામાં ઇરિટેશન થાય તો એને ન લગાવવું જોઈએ. આ ફેસપૅકમાં એક ચપટી હળદર પણ ઉમેરી શકાય. હળદરમાં ઍન્ટિ-બૅક્ટેરિયલ ગુણો હોવાથી એ ચહેરાને ઇન્ફેક્શન થવાથી બચાવે છે અને એને કારણે ચહેરા પર ચમક આવે છે. સેલ્ફકૅર માટે આ ફેસપૅક કારગર સાબિત થશે, પણ રિઝલ્ટ એક અઠવાડિયા કે ૧૫ દિવસ બાદ જોવા મળશે. તેથી કન્સિસ્ટન્સી રાખવી પણ જરૂરી છે.