02 January, 2025 09:05 AM IST | Mumbai | Rajul Bhanushali
મયૂર ભાનુશાલી (વચ્ચે)
બહાર જવાનું હોય તો મહિલાઓને જ તૈયાર થવામાં વાર લાગે, પુરુષો તો બે મિનિટમાં તૈયાર થઈ જાય એવી આપણી ઇમ્પ્રેશન છે. વાત આમ તો સાચી છે. પુરુષોનું એવું કે જીન્સ અને ટી-શર્ટ ચડાવ્યાં હોય કે ટ્રૅક પૅન્ટ અને ટી-શર્ટ, ઑફિસમાં ફૉર્મલ્સ કે બ્લેઝર. પ્રસંગ હોય ત્યારે બહુ-બહુ તો સલવાર-કુરતો હોય. પુરુષો માટે વધારે ઑપ્શન નથી એવી ઇમ્પ્રેશન છે. આ વાત સાચી નથી. ટ્રેડિશનલ આઉટફિટમાં પુરુષો માટે અનેક ઑપ્શન છે.
ધોતીના પ્રકાર
ટ્રેડિશનલ આઉટફિટ્સ ભારતના દરેક પ્રાંતમાં પહેરાય છે. જેમ કે ગુજરાતમાં ધોતિયું છે અને મહારાષ્ટ્રમાં પેશવાના સમયથી પુરુષો ધોતર પહેરે છે. કર્ણાટકમાં પંચે, તામિલનાડુમાં વેટ્ટી અને કેરલામાં મુંડુ પહેરવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં કોચાનો ધુતી પહેરાય જેમાં સામેની બાજુ ફૅન સ્ટાઇલથી પાટલીઓ લેવામાં આવે છે. આસામવાળા પણ સામલી બાજુ પ્લેટ્સ બનાવીને ધોતી પહેરે. પંજાબના મુંડાઓ ચાદરા બાંધે છે. આંધ્ર પ્રદેશ અને તેલંગણના પુરુષો પંચકટ્ટુ પહેરે છે. નૉર્થમાં એને ધોતી કહેવાય અને સાઉથમાં પંચકચ્ચમ. જોકે આ બધા છે તો ધોતીના જ પ્રકાર, માત્ર પહેરવાની સ્ટાઇલ જુદી છે.
કેવો ટ્રેન્ડ છે આજકાલ?
નાનાં બાળકોથી માંડીને યંગસ્ટર્સમાં ધોતીનો ટ્રેન્ડ વધી રહ્યો છે. જોકે એમ કહીએ તોય ચાલે કે ધોતી હવે દરેક ઉંમરના લોકો માટે છે. મૉડલિંગ ક્ષેત્રે સંકળાયેલો મયૂર ભાનુશાલી ધોતી સ્ટાઇલ વિશે કહે છે, ‘યસ, આજકાલ ટ્રેડિશનલ ધોતી પહેરવાનું ચલણ છે. હવે રેડીમેડ ધોતી મળતી થઈ ગઈ છે જે ઇલૅસ્ટિકવાળી હોય છે અને સરળતાથી પહેરી તેમ જ કૅરી કરી શકાય છે. બાંધવાની ઝંઝટ કે ખૂલી જવાનો ડર રહેતો નથી અને એટલે જ બૉય્ઝ બિન્દાસ આ ટ્રેન્ડ અપનાવી રહ્યા છે. ધોતી સાથે ટ્રેડિશનલ લુક તો ઠીક, પરંતુ ઇન્ડો-વેસ્ટર્ન લુક ક્રીએટ કરવાની પણ જબ્બર ફૅશન છે. એમાં પણ આપણી રેગ્યુલર ધોતી, પટિયાલા ધોતી અને ટ્યુલિપ ધોતી અત્યારે ઇન છે. પટિયાલા ધોતીમાં આગળની તરફ પ્લિટ્સ હોય છે અને એ જોધપુરી સ્ટાઇલના લૉન્ગ કુરતા સાથે પહેરાય છે. વેડિંગમાં વરરાજા કે નજીકનાં સગાંઓમાં આ અવતાર લોકપ્રિય છે. ટ્યુલિપ ધોતી વરરાજાઓની પ્રથમ પસંદગી બની રહી છે. લૉન્ગ કુરતાની સાથે બ્લેઝર અને બ્લેઝરના સેમ કલરની ટ્યુલિપ ધોતી પહેરવાનું હમણાં ચલણમાં છે. એની સાથે દુપટ્ટો પણ કૅરી કરવાથી રૉયલ લુક આવે છે. આપણી રેગ્યુલર ધોતીમાં તો જેટલાં જોઈએ એટલાં કૉમ્બિનેશન કરી શકાય છે. એની સાથે સિમ્પલ લૉન્ગ કુરતો અને હાફ સ્લીવની કૉલરવાળી કુરતી તો દિવાળી જેવો તહેવાર હોય કે ઘરમાં પૂજા જેવો નાનકડો પ્રસંગ હોય ત્યારે પણ પહેરી શકાય. સાથે બ્લેઝર લઈ લેવાય તો વળી જાજરમાન લુક મળે. કોટી સાથે તો એ એવરગ્રીન છે જ. જીન્સ કે ટ્રૅક પૅન્ટ સિવાય રેગ્યુલરમાં કે કૅઝ્યુઅલમાં આજકાલ હૅરમ પૅન્ટ્સ પણ ખૂબ ચાલે છે. એ આમ કહેવાય તો પૅન્ટ્સ, પણ લુક ધોતી જેવો જ આપે છે. ટૂંકમાં, ધોતીને અનેક રીતે પેર કરીને તમે સ્ટાઇલિસ્ટ લાગી શકો છો. કોણ કહે છે કે પુરુષોની ફૅશન બોરિંગ છે?’