ઘરની દીવાલોને આપો આર્ટિસ્ટિક ટચ

26 December, 2024 01:16 PM IST  |  Mumbai | Heta Bhushan

ઘરની દીવાલને કલાત્મક સ્પર્શ આપવા માટે આવી ગયા છે ડિઝાઇનર હૅન્ડપેઇન્ટેડ, એમ્બ્રૉઇડરી વર્કવાળાં 3D વૉલપેપર

સુંદર મોરને ઉઠાવ આપતું વર્ક, ડિઝાઇનર નેહા જૈન

ઘર સજાવવા માટે કંઈક એકદમ જુદું બધા જ ગોતતા હોય છે; જે બધાથી હટકે લાગે, જે પોતાની પસંદને દર્શાવે, જે ઘરને આગવી સુંદરતા આપે. એ માટે હવે આવી ગયાં છે ખાસ થીમને આધારિત એમ્બ્રૉઇડરી વર્ક કરેલાં વૉલપેપર, જે તમારા ઘરની દીવાલોને જીવંત કરી દેશે.

વૉલપેપર, ડિઝાઇનર વૉલપેપર અને હવે એમ્બ્રૉઇડરી વર્ક સાથેનાં થીમ-આધારિત વૉલપેપર તમારા ઘરની દીવાલ પર તમારા વ્યક્તિત્વને ઉજાગર કરે છે અને પોતાના ઘરને આગવી રીતે શણગારવાનો અનોખો અનુભવ આપે છે.

ઇન્ડિયામાં પહેલી વાર પર્સનલાઇઝ્ડ અને કસ્ટમરની ચૉઇસ પ્રમાણેનાં ડિઝાઇનર વૉલપેપર ડિઝાઇન કરવાની શરૂઆત કરનાર સ્પેસ ઑફ જૉયનાં ડિઝાઇનર નેહા જૈન જણાવે છે કે માર્કેટમાં જેનરિક પસંદ પ્રમાણેના અનેક ઑપ્શન અવેલેબલ છે પણ પોતાની પસંદ અને વ્યક્તિત્વને અનુસાર બનાવેલાં ખાસ વૉલપેપર ઘરની દીવાલોને જાણે બોલતી કરી દે છે. આ ડિઝાઇનર વૉલપેપર ખાસ થીમ પ્રમાણે, દીવાલની સાઇઝ પ્રમાણે અને બજેટ અનુસાર મેક ટુ ઑર્ડર બનાવવામાં આવે છે. આ વૉલપેપર ઘરમાં કળા, કલ્પના, વિવિધ રંગો અને એમાંથી ઊભરતી સુંદરતાથી ઘરને ખુશીઓથી ભરી દે છે.

ઘરની દીવાલનો શણગાર

ઘરની દીવાલોને માત્ર રંગ કે જેનરિક વૉલપેપરથી સજાવવાના સ્થાને હવે એને વધુ સુંદર રીતે ડીટેલ્ડ વર્ક કરેલા વૉલપેપરથી શણગારવાનો ઑપ્શન આવી ગયો છે. આ વૉલપેપર સુંદર કળા અને સેફ્ટીનો સમન્વય છે. નૉન-ટૉક્સિક, બેબીસેફ મટીરિયલમાંથી સુંદર ડિઝાઇનર થીમ સાથેનાં વૉલપેપર મળે છે. સુંદર ડિઝાઇન અને એના પર કરવામાં આવતું હૅન્ડવર્ક અને સ્ટોનવર્ક આ વૉલપેપરની ખાસિયત છે. સાથે-સાથે આ વૉલપેપર ઈઝી ટુ ક્લીન અને મેઇન્ટેન્ડ છે.

વિવિધ થીમ

અત્યારે ઘરને પોતાની પસંદ પ્રમાણે, ઘરના સભ્યોના વ્યક્તિત્વ અને શોખ પ્રમાણે કે પછી દરેક રૂમને અનોખી થીમ સાથે સજાવવાનું બધા પસંદ કરે છે. આ ડિઝાઇનર વૉલપેપર ‘રાજસ્થાની થીમ’, ‘બેબી રૂમ થીમ’, ‘પિછવાઈ થીમ’, ‘વૃન્દાવન થીમ’, ‘ફેરીલૅન્ડ’, ‘ફેવરિટ કાર્ટૂન થીમ’, ‘ઍનિમલ વર્લ્ડ થીમ’, ‘બર્ડ્સ થીમ’, ‘વર્લ્ડ મૅપ થીમ’ જેવી થીમ અનુસાર બનાવવામાં આવે છે. ડિઝાઇનર દરેક ઘર અને એમાં રહેનાર પરિવારજનોના વ્યક્તિત્વ અનુસાર પણ ડિઝાઇન બનાવે છે.

ઝીણી-ઝીણી કારીગરી

આ ડિઝાઇનર વર્કવાળા 3D વૉલપેપરમાં માત્ર થીમ-બેઝ્ડ હૅન્ડપેઇન્ટેડ ડિઝાઇન જ નથી હોતી, એમાં ડિઝાઇનને વધુ સુંદર અને જીવંત બનાવવા એને જુદી-જુદી થ્રેડ એમ્બ્રૉઇડરી અને મોતી, ટીકી, સ્ટોન, આભલાં, પૅચ, ડાયમન્ડ જેવા વિવિધ એમ્બેલિશમેન્ટથી સજાવવામાં આવે છે. સુંદર ઢીંગલી જેવી છોકરીનું ક્યુટ પિન્ક ફેરી સ્કર્ટ કે બો કે ફૂલની ઉપર વર્ક, ફરવાળી કૅટ વૉલપેપરની ડિઝાઇનને એકદમ આકર્ષક અને જીવંત બનાવી દે છે. મોર, મોરનાં પીંછાં કે ગુલાબનાં ફૂલોની ડિઝાઇન પર કરેલું ઝીણું ટીકી ભરતનું કામ વૉલપેપરને એક કલાકારની કલાકૃતિ બનાવી દે છે. વૉલપેપર પર ડિઝાઇન કરેલાં ફૂલપાન, ઝાડ, ચકલી, પતંગિયું વગેરેને પણ કલાકારો દ્વારા પોતાના સુંદર હૅન્ડવર્કથી જુદો જ આયામ આપવામાં આવે છે. આ આર્ટિસ્ટિક વૉલપેપર આખી દીવાલને આકર્ષણનું કેન્દ્ર બનાવે છે.

રૂમની એક દીવાલને આ કલાસભર વૉલપેપરથી સજાવવાથી આખા રૂમને આગવી અને અનોખી ઓળખ મળે છે. ક્યારેક સુંદર વર્કવાળા ડિઝાઇનર વૉલપેપરથી આખી વૉલ નહીં પણ વૉલનો અમુક પ્રમાણમાં મોટો ભાગ સજાવવામાં આવે છે એ પણ બહુ સુંદર લાગે છે. કંઈક જુદી જ રીતે ઘરને સજાવવા ઇચ્છતા લોકો માટે અત્યારે ખાસ પસંદ બની રહ્યાં છે આ ડિઝાઇનર વૉલપેપર, જે એકદમ નવીનતાસભર છે. 

 

fashion news fashion life and style