17 March, 2025 01:35 PM IST | Mumbai | Rajul Bhanushali
ડેનિમ સાડી
ડેનિમ હંમેશાંથી બધી જ જનરેશન્સનું પ્રિય રહ્યું છે. જોકે એમાં પણ વખતોવખત નવાં ટ્રેન્ડ અને ફૅશન આવતાં જતાં હોય છે. આજકાલ જીન્સમાં ડિસ્ટ્રેસ્ડ જીન્સ પ્લસ પૅચવર્કનો ટ્રેન્ડ છે. થોડાક વખત પહેલાં સોનમ કપૂરે ડિસ્ટ્રેસ્ડ ડેનિમની સાડી પહેરી હતી અને બીજી વખત ડેનિમ પૅન્ટ સારી પહેરી હતી. સોનમના આ લુકથી ફૅશનની દુનિયામાં તહલકો મચી ગયો હતો. લોકોને સોનમ કપૂરનો આ લુક ખૂબ પસંદ પડ્યો હતો. ત્યાર બાદ તાપસી પન્નુ અને શિલ્પા શેટ્ટી જેવી હિરોઇનોએ પણ ડેનિમ સાડી પહેરી. સેલિબ્રિટીઝમાં આ સાડી ખૂબ લોકપ્રિય થઈ અને રૅમ્પ પર પણ ખૂબ દેખાવા લાગી. હવે તો માર્કેટમાં પણ મળવા લાગી છે. આ ડેનિમ સાડીઓને કઈ રીતે પહેરવી અને પહેરી હોય ત્યારે અન્ય કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું એ વિશે ફૅશન-એક્સપર્ટ સાથે વાત કરીએ.
ઘાટકોપર બેઝ્ડ ફૅશન-ડિઝાઇનર રિધ્ધી સંઘરાજકા કહે છે, ‘મુંબઈની ક્લાઇમેટ જોતાં આ ડેનિમ સાડીઓ આટલી ગરમીમાં પહેરવામાં મહિલાઓ બે વાર વિચાર ચોક્કસ કરશે. હા, રૅમ્પ પર પહેરાવાની ચાલુ થઈ ગઈ છે. સેલિબ્રિટીઝ પણ પહેરવા લાગી છે એ વાત સાચી પરંતુ આ ટ્રેન્ડ એટલોબધો આઉટ ઑફ બૉક્સ છે કે જેનZ આકર્ષાયા વિના નહીં રહે. યુવાન છોકરીઓ ક્રૉપ ટૉપ અને ડેનિમ પૅન્ટની સાથે આ સાડી પહેરતી થઈ છે. આમ પણ કૉટનની સાડી પર ડેનિમના પૅચિસ હોય એવી ફૅશન પહેલાંથી જ ટ્રેન્ડમાં છે. જોકે લિનન કૉટન અને સાઉથ કૉટનમાં જો ડેનિમ કલર મળે તો એવી સાડી ઘણી પૉપ્યુલર થશે. ટાંગાઈ પ્યૉર કૉટનમાં તો ડેનિમના શેડ મળતા થઈ ગયા છે. આવી સાડી જોડે ડેનિમનું પૅચવર્કવાળું બ્લાઉઝ પહેરીને કન્ટેમ્પરરી પણ ક્લાસિક લુક મેળવી શકાય છે. ઑફિસ લુક તરીકે આ ડેનિમ સાડી ખૂબ જ પૉપ્યુલર થઈ શકે એમ છે. એની સાથે ચામડાનો બેલ્ટ પહેરવાથી પણ સરસ લુક આવશે. આ એક ક્રેઝી, ટ્રેન્ડી અને ફૅશનેબલ લુક છે જે જનરેશન Zને ખૂબ ગમ્યો છે અને એ જ આને આગળ લઈ જશે. જેમને થોડા જુદા દેખાવું છે તેમણે આ એક પ્યૉર ઇન્ડો-વેસ્ટર્ન લુક ટ્રાય કરવા જેવો છે.’
આ સાડીની સાથે ઍક્સેસરીઝ
ડેનિમ લુક સાથે સિલ્વર અને ઑક્સોડાઇઝ્ડ જ્વેલરી મૅચ થશે. એ સાથે ચામડાનો બેલ્ટ પહેરવાથી પણ જુદો લુક લઈ શકાશે. બ્લુ સાથે કાયમ બ્રાઉન કલર મૅચ થતો હોય છે. હજી કશું હટકે કરવું હોય તો બ્રાસની ઍક્સેસરીઝ પહેરી શકાય. એનાથી એક ઍન્ટિક લુક મળે છે પરંતુ બ્રાસની ઍક્સેસરીઝ વાપરવી હોય તો બ્રાઇટ ન લેવી, ઍન્ટિક ફિનિશિંગવાળી લેવી. બ્રાસના બેલ્ટ પણ આવે છે. એ પણ આ સાડી સાથે ખૂબ શોભી ઊઠશે. ડેનિમ સાથે પર્લ્સ પણ સરસ ઉઠાવ આપે છે. ફુટવેઅરની વાત કરીએ તો કોલ્હાપુરી ચંપલ અને એથ્નિક શૂઝ સ્માર્ટ લાગશે. અટાયર આખો બ્લુ હોય તો પછી રેડ ફુટવેઅર પણ પહેરી શકાશે અને એની સાથે રેડ કલરની ટ્રેડિશનલ રાજસ્થાની બૅગ લઈ શકાય. આ લુકમાં જો તમને કોઈ જુએ તો તે કદી ભૂલી નહીં શકે.