16 August, 2024 08:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગૂગલ ટ્રેન્ડનો ડેટા કહે છે કે છેલ્લા ૧૨ મહિનામાં કૅપ્સ્યુલ વૉર્ડરોબની સર્ચમાં ૬૦ ટકા વધારો થયો છે. કૅપ્સ્યુલ વૉર્ડરોબ એટલે કબાટમાં એવાં અમુક જરૂરી કપડાં જે મિક્સ-મૅચ કરીને રોજ પહેરી શકાય જેનાથી મૉનોટોની પણ ન આવે અને સમય પણ બચે. તો જાણીએ કયાં કપડાં તમારા કબાટમાં હોવાં અનિવાર્ય છે.
શું આ અઠવાડિયે પણ કબાટ ગોઠવવાનો સમય ન મળ્યો અને સોમવારે ફરી સવારે એ જ માથાકૂટ થઈ કે શું પહેરવું? આખા અઠવાડિયા દરમિયાન આ જ માથાનો દુખાવો હેરાન કરે છે. શું પહેરવું એ નક્કી નથી થતું એટલે ઇવેન્ટમાં જવાનું જ કૅન્સલ કરી દીધું. કદાચ આવાં જ સામાન્ય કારણો હશે જેના કારણે અત્યારે બધાને જ વૉર્ડરોબમાં ઓછાં કપડાં અને શાંતિ જોઈતાં હશે. એને કારણે જ કૅપ્સ્યુલ વૉર્ડરોબમાં શું હોવું જોઈએ એના પર લોકો સર્ચ કરી રહ્યા છે. ત્યારે એક્સપર્ટ પાસેથી જાણીએ કે આ કૅપ્સ્યુલ વૉર્ડરોબ શું છે અને એના ફાયદા શું છે અને જો આ ફૉરેન કન્સેપ્ટ હોય તો ભારતીય ફૅશનમાં કેવી રીતે કામ કરે છે.
શું છે કૅપ્સ્યુલ વૉર્ડરોબ?
કૅપ્સ્યુલ વૉર્ડરોબ એટલે સમજીવિચારીને કબાટમાં મૂકેલાં એવાં કપડાં જેને મિક્સ-મૅચ કરીને પહેરી શકાય જેનાથી દરરોજ નવો લુક મળે. એટલે કે ઓછી મહેનતે જલદીથી તૈયાર થઈ જવાય અને સ્ટાઇલિશ પણ લાગે. અમેરિકામાં ૧૯૭૦માં કૅપ્સ્યુલ વૉર્ડરોબની ફૅશન આવી હતી; જેમાં અમુક જૅકેટ, જીન્સ, શર્ટ, ટૉપ અને કોટ જેવાં કપડાં સામેલ હતાં. ફાસ્ટ ફૅશનને કારણે આ ટ્રેન્ડ બંધ થઈ ગયો અને હવે ફરી છેલ્લા ૧૨ મહિનામાં કૅપ્સ્યુલ વૉર્ડરોબની ગૂગલ સર્ચમાં ૬૦ ટકા જેટલો વધારો થયો છે. એટલે કે લોકો કૅપ્સ્યુલ વૉર્ડરોબમાં ખાસ કયાં કપડાં હોવાં જોઈએ એ વિશે જાણકારી મેળવવા ગૂગલ કરી રહ્યા છે. ત્યારે વાત કરીએ કે આપણે આપણા કૅપ્સ્યુલ વૉર્ડરોબમાં શું રાખવું જોઈએ.
વૉર્ડરોબમાં વિવિધતા
‘બૉમ્બે વેલ્વેટ’, ‘રુસ્તમ’ જેવી ફિલ્મોમાં કૉસ્ચ્યુમ-ડિઝાઇનિંગમાં કામ કરી ચૂકેલી અને હાલમાં પોતાના લેબલ પર કામ કરી રહેલી ડિઝાઇનર પાયલ મોરે કહે છે, ‘ફૉરેનમાં કૅપ્સ્યુલ વૉર્ડરોબ બહુ સરળ છે, કારણ કે તેમની પાસે ઘણાબધા વિકલ્પો નથી. આપણી ફૅશનમાં આમ તો કૅપ્સ્યુલ વૉર્ડરોબ મુશ્કેલ છે, કારણ કે આપણી પાસે એટલા બધા પરિધાન અને તહેવારો છે જેમાં દરેક પ્રસંગે જુદા પોશાકનો ઉપયોગ થાય છે. તો પણ આજે પર્યાવરણ માટે જાગૃત અને પ્રૅક્ટિકલ લોકો આ કૅપ્સ્યુલ વૉર્ડરોબ પસંદ કરી રહ્યા છે. જોકે કૅપ્સ્યુલ વૉર્ડરોબ એટલે આપણો મિનિમલિસ્ટિક વૉર્ડરોબ, જેમાં ઓછામાં ઓછી વસ્તુ વધુમાં વધુ લુક્સ આપે એવી વસ્તુ તમારા કબાટમાં હોવી જોઈએ. કયાં કપડાં હોવાં જોઈએ એની વાત કરતાં પહેલાં કયા કલર તમારા કબાટમાં હોવા જોઈએ એ જાણી લો. ન્યુટ્રલ કલર એટલે કે બ્લૅક, વાઇટ, નેવી બ્લુ જે લગભગ દરેક સ્કિન-ટોન પર સૂટ થઈ જાય છે તો આ રંગનાં કોઈ પણ કપડાં સદાબહાર છે. વર્કિંગ વુમનના વૉર્ડરોબની વાત કરીએ તો તેમની પાસે પલાઝો, ક્યુલૉટ્સ (ઍન્કલ લેન્ગ્થ પલાઝો) કે સ્કર્ટ, જીન્સ આ ત્રણ બૉટમ હોવી જ જોઈએ. ચિકનકારી કુરતો, કુરતા-ટૉપ અને શર્ટ હોય તો તમારી આખા અઠવાડિયાની ‘શું પહેરવું’ની ચિંતા દૂર થઈ જાય. જીન્સ-કુરતા, પલાઝો-કુરતા, જીન્સ-ટૉપ અને પલાઝો-ટૉપ એમ ચાર દિવસ તો લુક સેટ થઈ જ જાય. જો આ બહુ જ ઓછું લાગતું હોય તો તમે એક કૅઝ્યુઅલ જૅકેટ કે બ્લેઝર કાં તો સ્કાર્ફ રાખીને તમારા રોજના લુકમાં વિવિધતા લાવી શકો છો. ઑફિસના વર્કિંગ દિવસોમાં આનાથી વધારે કપડાંની જરૂર નહીં જ પડે.’
આ જાણીને કદાચ નવાઈ લાગે કે આટલાં ઓછાં કપડાંમાં કેટલા બધા લુક મેળવી શકાય છે. વધુમાં પાયલ કહે છે, ‘કપડાં સાથે તમે ઍક્સેસરીઝનો ઉપયોગ કરો તો તમારી ફૅશનમાં મૉનોટોની નહીં આવે. જેમ કે કુરતા સાથે જ્વેલરીનો ઉપયોગ કરી શકો છો અને જીન્સ સાથે બેલ્ટમાં એક્સપરિમેન્ટ શકો છો. આપણા આઉટફિટ તો છોડો, ક્યારેક માત્ર બિંદી કરવાથી તમારો લુક બદલાઈ જાય છે. આવાં ગિમિક તમને તમારા કબાટ અને કપડાંની સમસ્યામાં રાહત આપે છે. આઉટફિટ સાથે મીડિયમ હીલ્સ કે કોલ્હાપુરી ચંપલ હોય તો તમે ઑફિસ, ઈવનિંગ પાર્ટી અને કૅઝ્યુઅલ આઉટિંગ માટે રેડી થઈ શકો છો. મીડિયમ હિલ્સ તો તમારી લગભગ દરેક ઇવેન્ટને સાચવી લે છે. ઑફિસ બાદ તમારે ફાઇવસ્ટારમાં પણ ડિનર માટે જવું હોય તો કોલ્હાપુરી ચંપલ તમને નિરાશ નહીં કરે.’
વૉર્ડરોબ એક, ફાયદે અનેક
આજની જનરેશન પર્યાવરણ માટે તો જાગૃત થઈ જ છે સાથે પ્રૅક્ટિકલ પણ બની છે. માર્ક ઝકરબર્ગ અને ઇલૉન મસ્ક તેમના વૉર્ડરોબમાં એક જ રંગના સાતેય દિવસ માટેનાં સેમ ટી-શર્ટ અને જીન્સના કલેક્શન માટે જાણીતા છે. કૅપ્સ્યુલ કે મિનિમલિસ્ટિક વૉર્ડરોબના પ્રૅક્ટિકલ યુસેજ પર પાયલ કહે છે, ‘સવાર-સવારમાં તમારા મગજને વિચારવામાં થાક નથી લાગતો કે આજે શું પહેરવું. અહીં તમારો સમય અને એનર્જી બચે છે. ઉપરાંત આંગળીના વેઢે ગણી શકાય એટલાં જ કપડાં તમારા કબાટમાં હોય તો એને વારંવાર ગોઠવવાની મગજમારી નથી રહેતી. વારંવાર શૉપિંગ કરવાની જરૂર જ નથી રહેતી એટલે સમય સાથે તમારું બૅન્ક-બૅલૅન્સ પણ બચે છે. જ્યારે તમે બહુ જ ઓછાં કપડાં ખરીદવાના હો ત્યારે તમે સારી ક્વૉલિટી પર પૈસા ખર્ચ કરો છો, જે લાંબો સમય સુધી ચાલે છે.’