અળસીનો માસ્ક બોટોક્સ જેવું રિઝલ્ટ આપે?

03 May, 2024 07:02 AM IST  |  Mumbai | Heena Patel

ફ્લૅક્સસીડ જેલને હેરમાસ્ક તરીકે પણ યુઝ કરી શકાય છે જે તમારા હેર અને સ્કૅલ્પ બન્નેને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.

પ્રતીકાત્મક તસવીર

ચહેરાને યુથફુલ અને રિન્કલ-ફ્રી બનાવવા બોટોક્સનાં ઇન્જેક્શન્સની આડઅસરોનો ડર હોય તો ઘરગથ્થુ બોટોક્સ જેવી રેસિપી સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવે છે. ફ્લૅક્સસીડ્સમાંથી બનાવેલી જેલી ત્વચા પર નૅચરલ બોટોક્સ જેવી અસર કરે છે એવો દાવો થાય છે ત્યારે એ વાપરવાનું મન તો તરત થઈ જશે, પણ જરા એક્સપર્ટ પાસેથી જાણી લઈએ કે આ નુસખા પર કેટલો મદાર રાખવા જેવો છે 

મહિલાઓ ગ્લોઇંગ સ્કિન મેળવવા માટે ઘરેલુ નુસખાથી લઈને બ્યુટી પ્રોડક્ટ્સનો યુઝ તેમ જ બ્યુટી-પાર્લરથી લઈને કૉસ્મેટિક ક્લિનિક અને ડર્મેટોલૉજિસ્ટ પાસે જઇને જાતજાતની ટ્રીટમેન્ટ કરાવતી હોય છે. ઓછામાં પૂરું સોશ્યલ મીડિયા પર કોઈ ને કોઈ બ્યુટી હૅક્સ વાઇરલ થતા હોય છે અને મહિલાઓ એને ટ્રાય કરવામાં લાગી જાય છે. આવી જ રીતે ચહેરા પર ફ્લૅક્સસીડ (અળસી) જેલ માસ્ક લગાવવાનો એક નવો ટ્રેન્ડ સોશ્યલ મીડિયા પર ચાલી રહ્યો છે. ઘણી મહિલાઓ ચહેરા પર કેમિકલવાળાં ઇન્જેક્શન ખાવાને બદલે ઘરે જ ફ્લૅક્સસીડની જેલ બનાવીને ચહેરા પર લગાવવાનો હાથવગો ઉપાય અજમાવી રહી છે. ખાસ વાત એ છે કે આ ફ્લૅક્સસીડ જેલ માસ્ક લગાવવાથી બોટોક્સ ટ્રીટમેન્ટ જેટલો ફાયદો થઈ રહ્યો હોવાનો દાવો પણ ઘણી મહિલાઓએ કર્યો છે. એટલે જ ઘણા લોકો એને નૅચરલ બોટોક્સ એવું નામ પણ આપી રહ્યા છે. તો ચાલો આ વિશે એક્સપર્ટ પાસેથી જાણીએ કે શું ખરેખર ફ્લૅક્સસીડનો માસ્ક આટલોબધો અસરકારક છે?

ફ્લૅક્સસીડ માસ્ક કામ કરે છે
ફ્લૅક્સસીડ જેલ માસ્ક લગાવવાથી ચહેરાની ત્વચાને ખરેખર ફાયદો થાય છે કે નહીં એ વિશે ડર્મેટોલૉજિસ્ટ ડૉ. આકાંક્ષા સંઘવી કહે છે, ‘ફ્લૅક્સસીડમાં ઑમેગા-૩ ફૅટી ઍસિડ ભરપૂર હોય છે, જે સ્કિનને હેલ્ધી, હાઇડ્રેટેડ અને યુથફુલ રાખવાનું કામ કરે છે. ફ્લૅક્સસીડમાં સારા પ્રમાણમાં લિગનેન્સ હોય છે, જે એક ફાયટોસ્ટ્રોજેન્સ છે જેમાં એક ઍન્ટિ-એજિંગ પ્રૉપર્ટીઝ હોય છે. ફ્લૅક્સસીડમાં ઍન્ટિ-ઇન્ફ્લમૅટરી પ્રૉપર્ટીઝ હોય છે જે ઇચી સ્કિન, રેડનેસ, રૅશિસને ઘટાડવામાં મદદ કરે છે. ફ્લૅક્સસીડ્સમાં રહેલા ઍન્ટિઑક્સિડન્ટ UV રેડિયેશનને કારણે ડૅમેજ થતી સ્કિનને પ્રોટેક્ટ કરવાનું કામ પણ કરે છે. એટલે જો તમને ફ્લૅક્સસીડથી કોઈ પ્રકારની ઍલર્જી ન હોય તો તમે ચહેરા પર એનો માસ્ક બનાવીને લગાવો એમાં કોઈ વાંધો નથી. આનાથી પણ તમને એનો ફાયદો તો થશે જ. તમે ઇચ્છો તો એને તમારા સ્કિન-કૅર રૂટીનમાં પણ સામેલ કરી શકો. ફ્લૅક્સસીડમાં જે ન્યુટ્રિશનલ વૅલ્યુ છે એનો તમે મૅક્સિમમ ફાયદો ઉઠાવવા ઇચ્છતા હો તો તમારે ડાયટમાં સમાવેશ કરવો જોઈએ. હું પોતે મારા ક્લાયન્ટ્સને ઘણી વાર ફ્લૅક્સસીડ્સ ખાવાની સલાહ આપતી હોઉં છું.’

ડૉ. આકાંક્ષા સંઘવી

બોટોક્સને રિપ્લેસ ન કરી શકે
ફ્લૅક્સસીડ માસ્કથી ચહેરાને બોટોક્સ ટ્રીટમેન્ટ જેવો ફાયદો થાય છે એમાં કેટલું તથ્ય છે એ વિશે જણાવતાં ડૉ. આકાંક્ષા સંઘવી કહે છે, ‘ફ્લૅક્સસીડ માસ્કને ફેસ પર લગાવવાથી સ્કિનને ફાયદો થાય છે એ સાચું છે, પણ એ બોટોક્સ જેટલો ફાયદો આપે છે એ સાવ ખોટું છે. બોટોક્સ એક એવું ટૉક્સિન છે જે એક પ્રકારના બૅક્ટેરિયામાંથી મેળવેલું છે. આ ટૉક્સિનને ઇન્જેક્ટ કરવામાં આવ્યા બાદ એની એવી અસર થાય કે તમારા મસલ્સ સંકુચિત ન થાય અને એને કારણે ચહેરા પર રિન્કલ્સ અને ફાઇન લાઇન્સ ન પડે. બોટોક્સ ટ્રીટમેન્ટમાં સ્કિન નીચેના અમુક મસલ્સને ટાર્ગેટ કરીને એમાં ચોક્કસ માત્રામાં ટૉક્સિન ઇન્જેક્ટ કરવામાં આવે છે. એ માટે વાળ જેવી પાતળી સોયથી ઇન્જેક્શન આપવામાં આવે છે. એટલે સ્કિનના ઉપરના લેયરમાં લગાવેલો માસ્ક ડીપ લેવલ સુધી જઈને કરવામાં આવતી બોટોક્સ ટ્રીટમેન્ટ જેવો ફાયદો આપી જ ન શકે.’

બન્નેમાંથી કઈ વસ્તુ સારી
ફ્લૅક્સસીડ માસ્ક અને બોટોક્સ બન્નેમાંથી કઈ વસ્તુ વધારે અસરકારક છે એ વિશે ડૉ. આકાંક્ષા સંઘવી કહે છે ‘ફ્લૅક્સસીડ માસ્કનો યુઝ કર્યા પછી એની જે અસર છે એ ખૂબ ટેમ્પરરી હોય છે. એટલે જો તમે સ્કિન-કૅર રૂટીનમાં એનો સમાવેશ કરો તો લાંબા ગાળે એનો ફાયદો મળી શકે. બીજી બાજુ બોટોક્સ ​ટ્રીટમેન્ટની અસર ત્રણથી છ મહિના સુધી રહે છે, તમારા મેટાબોલિઝમ લેવલ પર ડિપેન્ડ કરે છે. ટ્રીટમેન્ટની અસરને મેઇન્ટેન રાખવા માટે તમારે એને સમય-સમય પર લેતા રહેવી પડે. આને એક સેફ અને ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ માનવામાં આવે છે. એટલે આમ જોવા જઈએ તો ફ્લૅક્સસીડ જેલ માસ્ક તમને બોટોક્સ જેટલું ઇન્સ્ટન્ટ અને લૉન્ગ-લાસ્ટિંગ રિઝલ્ટ ન આપી શકે.’ 

ફેસ-માસ્ક આ રીતે બનાવો
સોશ્યલ મીડિયા પર વિડિયો દર્શાવવામાં આવ્યો છે એ મુજબ એક તપેલીમાં એક મૂઠી ફ્લૅક્સસીડ નાખીને એમાં થોડું પાણી રેડી એને થોડી વાર માટે ગરમ કરશો તો એક જેલ જેવું મિશ્રણ તૈયાર થશે. આ જેલ ઠંડી પડી જાય એટલે તમે ચહેરા પર એને ડાયરેક્ટ લગાવી શકો છો અથવા તમે ઇચ્છો તો કૉટનના પાતળા કપડાથી મિશ્રણને ગાળીને એમાંથી ફ્લૅક્સસીડ અલગ કરી ફક્ત જેલ ચહેરા પર લગાવી શકો છો. થોડી વાર પછી તમે તમારા ચહેરાને પાણીથી ધોઈ નાખશો તો ત્વચા શાઇની અને સૉફ્ટ લાગશે. જો તમે ઘરે ફ્લૅક્સસીડ જેલ બનાવવાની માથાકૂટ ન કરવા ઇચ્છતા હો તો માર્કેટમાં રેડીમેડ ફ્લૅક્સસીડ જેલ પણ અવેલેબલ છે. તમે ફ્લૅક્સસીડ જેલને બદલે એનું ઑઇલ આવે છે એનો યુઝ પણ કરી શકો.

હેરમાસ્ક તરીકે પણ વાપરી શકાય 
ફ્લૅક્સસીડ જેલને હેરમાસ્ક તરીકે પણ યુઝ કરી શકાય છે જે તમારા હેર અને સ્કૅલ્પ બન્નેને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. અગાઉ કહ્યા મુજબ ફ્લૅક્સસીડમાં ઑમેગા-3 ફૅટી ઍસિડ, વિટામિન E અને ઍન્ટિઑક્સિડન્ટ્સ હોય છે જે તમારા સ્કૅલ્પનું pH લેવલ અને ઑઇલ પ્રોડક્શન બૅલૅન્સ કરવાથી લઈને ડૅન્ડ્રફ અને ખંજવાળની સમસ્યા પણ દૂર કરે છે. ફ્લૅક્સસીડ તમારા વાળને એ બધાં જ ન્યુટ્રિશન આપે છે જે હેલ્ધી હેરના ગ્રોથ માટે જરૂરી છે. સાથે જ જો તમને ડ્રાય હેરની સમસ્યા હોય તો પણ તમે ફ્લૅક્સસીડ જેલ લગાવી શકો જેથી તમારા વાળ મૉઇશ્ચરાઇઝ્ડ થશે અને વાળ સ્મૂધ અને શાઇની બનશે. 

fashion news fashion health tips columnists