ખીલ મટાડવા માટેનું કેમિકલ વાળ ખરતાં અટકાવી શકે ખરું?

08 July, 2024 11:05 AM IST  |  Mumbai | Laxmi Vanita

ટ્રેટિનોન શું છે અને એના ગેરફાયદા શું હોઈ શકે જેવા ઘણા પ્રશ્નોના જવાબ મેળવીએ આજે

પ્રતીકાત્મક તસવીર

માનવામાં ન આવે કદાચ પણ સોશ્યલ મીડિયા પર આજકાલ આ ટ્રેન્ડ વાઇરલ છે. ત્વચા પરના ખીલ મટાડવાની દવામાં જે ટ્રેટિનોન વપરાય છે એનાથી વાળનો ગ્રોથ વધતો હોવાનો દાવો થઈ રહ્યો છે. લોકલ ફાર્મસીઓનો સર્વે પણ આ વાતની પુષ્ટિ કરે છે તો શું વિચાર્યા વિના આપણે પણ આ ટ્રેન્ડ ફૉલો કરવો જોઈએ? ટ્રેટિનોન શું છે અને એના ગેરફાયદા શું હોઈ શકે જેવા ઘણા પ્રશ્નોના જવાબ મેળવીએ આજે

આજે સમૃદ્ધ તેને કહેવાય જેને મોટી ઉંમરે પણ માથામાં વાળનો ખજાનો છે. લાખો રૂપિયા આપીને પણ વાળ વધશે એવી ખાતરી આપનારાઓ પણ જ્યારે પાછા પડી રહ્યા છે અને ખરી રહેલા વાળ એક જટિલ સમસ્યા બની રહી છે ત્યારે વાળને લગતા કોઈ પણ પ્રયોગોમાં સહેજ સફળતા મળે કે એ વાઇરલ થઈ જાય છે. તાજેતરમાં જ ખીલ મટાડવાની દવામાં મુખ્યત્વે વપરાતું ટ્રેટિનોન (એક ટાઇપનું રેટિનૉલ કેમિકલ) આજકાલ હેરલૉસમાં પણ વાપરી શકાય એવું માર્કેટિંગ સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સરો કરી રહ્યા છે. એમાં ઇન્ફ્લુઅન્સર્સ ખીલ માટે બનેલી ટ્રેટિનોનનો મલમ તેઓ કપાળની આગળના ભાગમાં, જ્યાંથી વાળ ઓછા થતા હોય ત્યાં લગાવતા હોય છે અને થોડા જ દિવસમાં ત્યાંના બટકણા અને ટૂંકા વાળનો ગ્રોથ વધતો ગયો હોવાનો દાવો કરે છે. આ વિષય પર ફાર્મસી કંપનીઓએ લોકલ સર્વે પણ કર્યા છે અને આ કેમિકલ હેરલૉસમાં ૫૮ ટકા કારગર હોવાનું સાબિત થયું છે ત્યારે નિષ્ણાત પાસેથી જાણીએ આ ટ્રેટિનોન શું છે, ક્યારથી બ્યુટી-ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે, હેરલૉસમાં ખરેખર કારગર છે કે નહીં.  

દરેક બ્યુટી-પ્રોડક્ટમાં હોય

રેટિનૉલના ઇતિહાસ સાથે વાત શરૂ કરતાં ડર્મેટોલૉજિસ્ટ ડૉ. શ્વેતા રાંભિયા કહે છે, ‘ઇન્સ્ટાગ્રામ પર જે ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે એ ટ્રેટિનોન એક પ્રકારનું રેટિનૉલ છે. હવે રેટિનૉલ શું છે? તો એક પ્રકારનું રાસાયણિક સંયોજન, જેની હાજરી લગભગ દરેક બ્યુટી-પ્રોડક્ટમાં હોય છે. ૧૯૬૦માં બે ડૉક્ટરોએ આ રસાયણ પર અઢળક રિસર્ચ બાદ એના ખીલ માટેના ઇલાજની દવામાં ઉપયોગ કરવા માટે અપ્રૂવલ લીધું હતું અને ૧૯૭૧થી એનો વપરાશ શરૂ થઈ ગયો હતો. ૫૦ કરતાં વધારે વર્ષોથી ટ્રેટિનોન પર સંશોધનો થયાં છે અને એ ઘણીબધી દવાઓમાં મૉલેક્યુલ તરીકે વપરાય છે. ખાસ કરીને દરેક પ્રકારના ખીલ અને ત્વચાને લગતી સમસ્યાની દરેક પ્રોડક્ટમાં એ હોય જ હોય. હવે સવાલ પૂછો કે શું એનાથી વાળ ચોક્કસ પ્રમાણમાં વધે? તો એ કહેવું મુશ્કેલ છે. ટ્રેટિનોનનો પ્રાથમિક હેતુ વાળ ઉગાડવાનો નથી, પરંતુ ત્વચાને સારી કરવાનો છે. વાળના ગ્રોથની વાત કરીએ કે આ તત્ત્વ ત્યાં કેવી રીતે કામ કરે એ કહેવું મુશ્કેલ છે. વાળનો ગ્રોથ વધારવા માટે સ્કૅલ્પ પર મિનોક્સિડિલ નામની દવાનો ઉપયોગ થાય છે. એક પ્રકારનું લિક્વિડ, જેને અમુક મિલિલીટરમાં આખા સ્કૅલ્પમાં લગાવવાનું હોય જેથી એ મૂળ સુધી પહોંચે. એ પણ ડૉક્ટરની સલાહ મુજબ કેટલા સમય સુધી અને કેવી રીતે લગાવવું એ અનુસરવાનું હોય. એકલું ટ્રેટિનોન કામ ન કરે, પણ મિનોક્સિડિલ સાથે એનું કૉમ્બિનેશન સારું પરિણામ આપી શકે. ટ્રેટિનોન મિનોક્સિડિલનું સ્કૅલ્પમાં ઍબ્સૉર્પ્શન વધારે જેથી એનું કામ ઝડપથી થાય અને વાળના ગ્રોથમાં મદદરૂપ થાય.’  

વાળ કરતાં ત્વચા માટે બેસ્ટ

દરેક પ્રકારના ખીલમાં આ ઉપયોગી છે. મુખ્યત્વે કોમેડોન, જેને આપણે વાઇટ હેડ અને બ્લૅક હેડ કહીએ, પૅપ્યુલ (બળતરા કરતા ખીલ જેમાં રસી ન હોય) અને પસ્ચ્યુલ (રસીજનક ખીલ) વગેરે દરેકની પ્રાથમિક સારવારમાં ટ્રેટિનોનનો ઉપયોગ થાય છે. આ જે તત્ત્વ છે એ ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ થયું એ પહેલેથી જ ઘણીબધી ત્વચાને લગતી સમસ્યાઓ દૂર કરવામાં વપરાય છે. જેમ કે આ રેટિનોઇડ ઍન્ટિ-એજિંગ, ચહેરા પરની કરચલીઓ, હાથ કે પગ પરના લાલ સ્ટ્રેચ માર્કને દૂર કરવાની પ્રોડક્ટ્સમાં પણ વપરાય છે. ટ્રેટિનોન માત્ર ત્વચા પર બાહ્યરૂપે ઉપરાંત ઓરલી પણ લેવામાં આવે છે. ડૉ. શ્વેતા કહે છે, ‘અમુક લોકો, જેમને ખીલની સમસ્યા બહુ જ ગંભીર હોય તેમને ટૅબ્લેટ પણ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે. મોટા ભાગની ક્રીમમાં આ તત્ત્વ હોય છે. વિદેશમાં આ પ્રોડક્ટ પ્રિસ્ક્રિપ્શન સિવાય ન મળે પણ આપણે અહીં મેડિકલ પર જઈને બોલો એટલે મળી રહેતું હોય છે. અમેરિકાના પેશન્ટ મારી પાસે આવીને કહેતા હોય છે કે ટ્રેટિનોનનું પ્રિસ્ક્રિપ્શન લખી આપો, કારણ કે ત્યાં ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર આ દવા ન મળે. મારે તેમને સમજાવવું પડે કે વાતાવરણ પ્રમાણે ટ્રેટિનોનનો ઉપયોગ કરવો જોઈએ. અમેરિકા જતા રહેશે અને ટ્રેટિનોન લગાવશે તો તેમની ત્વચા એકદમ ડ્રાય થઈ જશે. ભારતના વાતાવરણમાં ત્વચા એટલી શુષ્ક નથી થતી.’  

જોકે એક સ્પષ્ટતા કરતાં ડૉ. શ્વેતા કહે છે, ‘દરેક પ્રોડક્ટને એક ટેક્નિકથી લગાવવાની હોય છે. જેમ કે ચહેરા પર પણ કઈ જગ્યાએ ટ્રેટિનોન લગાવવી એ જાણવું જરૂરી છે. એકદમ હોઠ પાસે કે નાક પાસે લગાડી દીધું તો ત્વચા એકદમ ડ્રાય થઈને લાલચોળ થઈ શકે કાં તો ફાટી શકે. ટ્રેટિનોન માટે હું દરેકને ‘શૉર્ટ કૉન્ટૅક્ટ’ રાખવાનું કહું છું. એટલે કે દવા કે ક્રીમને અડધો કલાક રાખીને ધોઈ નાખવાનું. આપણે પહેલાં આખી રાત રાખી મૂકતા હતા. એનાથી સ્કિન વધારે ડ્રાય થતી હતી. ત્વચા પર બળતરા પણ ઊપડી શકે. ભલે અત્યારની બધી પ્રોડક્ટ એકદમ ઍડ્વાન્સ્ડ અને ત્વચા ઓછી ડ્રાય થાય એના આધાર પર જ બની રહી છે પણ મેડિકલ સ્ટોર પર જઈને સીધી જ આવી દવાઓ ખરીદીને ત્વચાને ટૉર્ચર કરવા કરતાં એક વખત ડૉક્ટરની સલાહ લેવી સારી.’ 

જેને આપણે વાઇટ હેડ અને બ્લૅક હેડ કહીએ એ કોમેડોન, જેમાં રસી ન હોય એવા બળતરા કરતા ખીલ અને અમુક રસીજનક ખીલની પ્રાથમિક સારવારમાં ટ્રેટિનોનનો ઉપયોગ થાય છે. સાથે જ ચહેરા પરની કરચલીઓ અને હાથ કે પગ પરના લાલ સ્ટ્રેચ માર્કને દૂર કરવાની પ્રોડક્ટ્સમાં પણ આ કેમિકલ વપરાય છે.

skin care life and style columnists fashion fashion news