04 December, 2024 04:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વાળ રૂક્ષ થઈ જવા, માથામાં ખોડો થઈ જવો, સ્કૅલ્પમાં ખંજવાળ આવવી, વાળ ખરવા જેવી વિવિધ સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે જરેનિયમ ઑઇલ ફાયદાકારક છે. વાળને સૉફ્ટ અને શાઇની રાખવા તેમ જ હેરગ્રોથ માટે હોમ રેમેડીમાં વર્ષોથી આ તેલનો ઉપયોગ થતો આવ્યો છે, પણ આજકાલ ફરી એનું ચલણ વધ્યું છે
શું તમારા વાળ પણ રૂક્ષ અને નિસ્તેજ થઈ ગયા છે? તો કદાચ તમારા વાળને જરેનિયમ ઑઇલની જરૂર છે જે એને સ્મૂધ અને શાઇની બનાવી શકે. આ ઑઇલ એની ઍન્ટિબૅક્ટેરિયલ, ઍન્ટિ-માઇક્રોબીયલ, ઍન્ટિસેપ્ટિક પ્રૉપર્ટીઝ માટે ઓળખાય છે જે અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યામાં કામ આવી શકે છે. આ સુગંધિત ઑઇલ વાળ સંબંધિત સમસ્યામાં પણ ફાયદો પહોંચાડે છે. વાળ ખરવાની સમસ્યામાં હોમ રેમેડી તરીકે આ ઑઇલના વપરાશનું ચલણ વધ્યું છે. જરેનિયમ એસેન્શિયલ ઑઇલને ગરીબોના રોઝ ઑઇલ તરીકે પણ ઓળખવામાં આવે છે. રોઝ એસેન્શિયલ ઑઇલની સરખામણીમાં આ ઑઇલ પ્રમાણમાં સસ્તું હોય છે. એના વિવિધ કૉસ્મેટિક્સ બેનિફિટ્સને કારણે એ રોઝ એસેન્શિયલ ઑઇલનો એક સારો વિકલ્પ છે. જરેનિયમ એસેન્શિયલ ઑઇલનો ઉપયોગ પરફ્યુમ્સ અને કૉસ્મેટિક્સમાં સામાન્યપણે પ્રાઇમરી ઇન્ગ્રીડિયન્ટ તરીકે કરાય છે. ત્વચા અને વાળ સંબંધિત અનેક સમસ્યા માટે અરોમા થેરપી ટ્રીટમેન્ટમાં જરેનિયમ ઑઇલનો ઉપયોગ થાય છે. જરેનિયમ દક્ષિણ આફ્રિકાનો એક દેશી ફૂલવાળો છોડ છે.
જરેનિયમ ઑઇલના ફાયદા
વાળમાં ખોડો થવાની સમસ્યા ખૂબ સામાન્ય છે અને પછી એને કારણે પછી સ્કૅલ્પમાં સતત ખંજવાળ આવતી હોય છે. સ્કૅલ્પમાં ફંગસનો વધુપડતો ગ્રોથ ડૅન્ડ્રફની સમસ્યા થવાનું એક કૉમન રીઝન છે. જરેનિયમ ઑઇલમાં રહેલી ઍન્ટિફંગલ પ્રૉપર્ટીઝ સ્કાલ્પમાં ફંગસ ગ્રોથને અટકાવવાનું કામ કરે છે, પરિણામે ડૅન્ડ્રફ જેવી સમસ્યામાંથી રાહત મળે છે.
માથામાં જો ખૂબ જ ખંજવાળ આવતી હોય તો જરેનિયમનું ઑઇલ લગાડવાથી ફાયદો થાય છે. એમાં રહેતી ઍન્ટિઇન્ફલૅમૅટરી પ્રૉપર્ટીઝ સ્કૅલ્પને રાહત પહોંચાડીને રેડનેસ અને ઇચીનેચ ઓછી કરે છે એટલું જ નહીં, જરેનિયમ ઑઇલમાં રહેતી ઍન્ટિબૅક્ટેરિયલ અને ઍન્ટિસેપ્ટિક પ્રૉપર્ટીઝ સ્કૅલ્પ પર ઇન્ફેક્શન માટે જવાબદાર હાનિકારક બૅક્ટેરિયાના ગ્રોથને અટકાવે છે.
જેમને વાળ ખરવાની સમસ્યા હોય એમને જરેનિયમ તેલ મદદરૂપ બની શકે છે. આમાં રહેલી ઍન્ટિબૅક્ટેરિયલ પ્રૉપર્ટીઝ હેરલૉસ માટે કારણભૂત સ્કૅલ્પના ફંગલ અને બૅક્ટેરિયલ ગ્રોથને અટકાવે છે.
જરેનિયમ ઑઇલમાં રહેલી ઍસ્ટ્રિન્જન્ટ પ્રૉપર્ટીઝ સ્કૅલ્પમાં સિબમ પ્રોડક્શનને રેગ્યુલેટ કરવાનું કામ કરે છે. ઑઇલી હેરની સમસ્યામાં જરેનિયમ ઑઇલ લગાવવાથી સિબમ પ્રોડક્શન નિયંત્રણમાં રહે છે. ઑઇલની સૂધિંગ પ્રૉપર્ટીઝ સ્કૅલ્પને મૉઇશ્ચરાઇઝ્ડ રાખવાનું કામ કરી ડ્રાય હેરની સમસ્યામાંથી છુટકારો આપે છે. જરેનિયમ ઑઇલમાં અમીનો ઍસિડ હોય છે, જે તમારા વાળને મજબૂત રાખવાનું કામ કરે છે.
કઈ રીતે ઉપયોગ કરવો?
એક નાની વાટકીમાં બે ટેબલસ્પૂન જેટલું નારિયેળનું તેલ લો. એમાં પાંચ ટીપાં જરેનિયમ તેલ ઉમેરો. બન્નેને સરખી રીતે મિક્સ કરી લો. આ ઑઇલને સ્કૅલ્પ પર લગાવીને ૧૦-૧૫ મિનિટ હળવા હાથેથી મસાજ કરો. ઑઇલને અડધો કલાક સુધી સ્કૅલ્પ પર રહેવા દો. એ પછી વાળને શૅમ્પૂથી ધોઈ નાખો.
વાળમાં હેરમાસ્ક લગાવવું હોય તો એ માટે એક વાટકીમાં બે ટેબલસ્પૂન દહીં લો. એમાં એક ટેબલસ્પૂન મધ, ત્રણ ટીપાં જરેનિયમ ઑઇલ અને બે ટીપાં રોઝમેરી ઑઇલ ઉમેરીને સરખી રીતે મિક્સ કરી લો. એ પછી વાળને થોડા ભીના કરીને એના પર આ હેરમાસ્ક અપ્લાય કરી લો. વીસ મિનિટ સુધી એને એમનેમ રહેવા દો. એ પછી શૅમ્પૂથી વાળ ધોઈ નાખો.
વાળને તમે કન્ડિશનર પણ બનાવી શકો. એ માટે બાઉલમાં એક ટેબલસ્પૂન અલોવેરા જેલ, બે ટેબલસ્પૂન આર્ગન ઑઇલ, પાંચ ટીપાં જરેનિયમ ઑઇલ નાખીને બધાંને સરખી રીતે મિક્સ કરી લો. આને તમે વાળના નીચેના ભાગમાં લગાવી ૨૦ મિનિટ સુધી રહેવા દો. એ પછી વાળને શૅમ્પૂથી ધોઈ નાખો.
તમે આનો ઉપયોગ કરીને હેર સ્પ્રે બનાવી શકો અને દરરોજ એને વાળ પર સ્પ્રે કરી શકો. સ્પ્રે બનાવવા માટે એક કપ ડિસ્ટિલ્ડ વૉટરમાં ત્રણ ટીપાં લૅવેન્ડર ઑઇલ અને ત્રણ ટીપાં જરેનિયમ ઑઇલ મિક્સ કરીને એને સરખી રીતે મિક્સ કરો. આ પાણીને તમે સ્પ્રે બૉટલમાં ભરીને દરરોજ વાળમાં છાંટી શકો છો, જે તમારા વાળને શાઇન અને સારી સ્મેલ આપશે.