20 November, 2024 01:40 PM IST | Mumbai | Rajul Bhanushali
બ્લાઉઝ પેઇન્ટિંગ
દેવદિવાળી પછી હવે શુભ પ્રસંગોનાં મુરતો નીકળવા લાગ્યાં છે. છેક હોળાષ્ટક બેસે ત્યાં સુધી પ્રસંગો આવતા રહે. તહેવારો હોય કે લગનસરા, દર વર્ષે કંઈક ને કંઈક નવો ટ્રેન્ડ કે નવી ફૅશન આવતી હોય છે. હમણાં થોડાક વખતથી છોકરીઓ વિન્ટેજ સાડીઓ માટે પોતાની દાદી-નાની અને મમ્મીનાં કબાટ ફંફોસતી થઈ ગઈ છે. સાથે બ્લાઉઝની ફૅશન પણ જોરમાં છે. એમાં આજકાલ બૅકલેસ બ્લાઉઝ પહેરીને પછી બૅક પર બ્લાઉઝની જેમ પેઇન્ટ કરવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. શરીર પર પેઇન્ટિંગ કરવું કે ટૅટૂ ચીતરવું એ કંઈ નવી વાત નથી. આપણે ત્યાં કાપડું, ચોલી કે કબજો પહેરવાની પ્રથા છે જે બૅકલેસ હોય છે. ત્રાજવડા, માંદળા કે આડળીખાડળી જેવાં ટૅટૂ આપણે ત્યાં હાથ, પગ, ગળા, ચહેરા અને પીઠ પર પણ પરાપૂર્વથી બનતાં આવ્યાં છે. બૅકલેસ બ્લાઉઝ પહેરીને રેડીમેડ ટૅટૂથી ડિઝાઇન કરવાનું તો ચલણમાં હતું. વચ્ચે પીઠ પર મેંદીની ડિઝાઇન કરવાનો ટ્રેન્ડ પણ ચાલ્યો હતો. હમણાં પીઠ પર બ્લાઉઝના શેપમાં પેઇન્ટિંગ કરવાનો ટ્રેન્ડ ચાલુ થયો છે. સામાન્ય પબ્લિક આ ટ્રેન્ડને અપનાવશે કે નહીં અથવા કેટલું અપનાવશે એ વિશે અમે ફૅશન-ડિઝાઇનર નિશા ગોસલિયા સાથે વાત કરી.
ન્યુ આર્ટ ફૉર્મ
આ કોઈ ફૅશન ટ્રેન્ડ માત્ર નથી એમાં કલાનો સંગમ થાય છે. એ વિશે નિશાબહેન કહે છે, ‘આ પ્યૉરલી ક્રીએટિવિટી છે, ફૅશન સ્ટેટમેન્ટ નથી. આ ટ્રેન્ડની મહત્ત્વની વાત એ કે જે બે બાબતોનું અહીં કૉમ્બિનેશન થયું છે એ બન્ને આપણે ત્યાં અગાઉથી પ્રચલિત છે. એક બૅકલેસ બ્લાઉઝ અને બીજું બૅક પર ડિઝાઇન. આ બન્ને વસ્તુઓ પરંપરાગત છે અને એમાં હવે જુદાં-જુદાં વેરિએશન આવતાં જાય છે. એમાંનું એક એટલે બૅકને પેઇન્ટ કરવી. નવી જનરેશનમાં કદાચ આ પૉપ્યુલર થાય. જેમને કશુંક હટકે કરવું છે, ટ્રેન્ડ સેટર બનવું છે તેમને આ આકર્ષશે. બૅક પર બ્લાઉઝના શેપમાં પેઇન્ટ કરવાના ટ્રેન્ડમાં જો સાડીના રંગને કૉમ્પ્લીમેન્ટ કરે એવું અથવા સાડીને મૅચિંગ રંગ વાપરવામાં આવે તો એ વધુ યોગ્ય રહેશે. આ કદાચ પ્રીવેડિંગ કે અન્ય એવા ફંક્શનમાં ચાલે બાકી લગ્ન જેવા પ્રસંગમાં મને નથી લાગતું કે ચાલશે. ઘણા ટ્રેન્ડ એવા હોય કે જે ઇન્ફ્લુઅન્સર, મૉડલ્સ કે સેલિબ્રિટીઝથી શરૂ થાય પરંતુ કૉમન પબ્લિકમાં બહુ પૉપ્યુલર ન થાય. આને ટ્રેન્ડ કહેવા કરતાં ન્યુ આર્ટ કહેવું યોગ્ય રહેશે.’