ઘરે સનસ્ક્રીન લોશન બનાવતાં પહેલાં આ વાંચી લેજો

18 July, 2024 11:00 AM IST  |  Mumbai | Heena Patel

મૉઇશ્ચરાઇઝર, ફેસ-માસ્ક,ફેસ-સ્ક્રબ ઘરે બનાવાય છે; પણ હવે ડૂ ઇટ યૉરસેલ્ફ કૅટેગરીમાં સનસ્ક્રીન લોશનનું ઍડિશન થયું છે

પ્રતીકાત્મક તસવીર

મૉઇશ્ચરાઇઝર, ફેસ-માસ્ક,ફેસ-સ્ક્રબ ઘરે બનાવાય છે; પણ હવે ડૂ ઇટ યૉરસેલ્ફ કૅટેગરીમાં સનસ્ક્રીન લોશનનું ઍડિશન થયું છે. એક બ્યુટી-ઇન્ફ્લુઅન્સરે કેટલાંક ઇન્ગ્રીડિયન્ટ્સ વાપરીને ઘરે સનસ્ક્રીન લોશન બનાવવાની રીત સોશ્યલ મીડિયા પર શૅર કરી છે જે વાઇરલ થઈ રહી છે. એવામાં એ જાણવું જરૂરી છે કે શું ખરેખર આ સનસ્ક્રીન લોશન માર્કેટમાં આવતા સનસ્ક્રીન જેટલું અસરકારક છે?

સનસ્ક્રીન લોશનનું મુખ્ય કામ તમારી સ્કિનને અલ્ટ્રા-વાયોલેટ રેડિયેશનથી ડૅમેજ થતી બચાવવાનું હોય છે, કારણ કે એ સનબર્ન અને સ્કિન-કૅન્સર માટે કારણભૂત બની શકે છે. સોશ્યલ મીડિયા પર એક બ્યુટી-ઇન્ફ્લુઅન્સરે ઘરે સનસ્ક્રીન લોશન બનાવવાની રીત સોશ્યલ મીડિયા પર શૅર કરી છે અને એને જોઈને ઘણા યુઝર્સ એનું અનુકરણ કરી રહ્યા છે. એવામાં આ સનસ્ક્રીન લોશન તમારી સ્કિનને પ્રોટેક્ટ કરી શકે એટલું ઇફેક્ટિવ છે કે નહીં એ જાણવું જરૂરી બની જાય છે, નહીંતર એનો યુઝ કરીને કોઈ મતલબ જ નથી.

વિડિયોમાં દર્શાવવામાં આવ્યા મુજબ ડૂ ઇટ યૉરસેલ્ફ (DIY) સનસ્ક્રીન લોશનમાં કોકોનટ ઑઇલ, જોજોબા ઑઇલ, શિયા બટર, કોકો બટર, બી વૅક્સ અને ઝિન્ક ઑક્સાઇડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રીતથી બનાવેલું સનસ્ક્રીન લોશન ખરેખર અસરકારક છે કે નહીં એ વિશે વધુ માહિતી આપતાં ડર્મેટોલૉજિસ્ટ ડૉ. આકાંક્ષા સંઘવી કહે છે, ‘ઑઇલ, બટર કે વૅક્સ બધાં નૅચરલ ઇન્ગ્રીડિયન્ટ્સ છે અને એમાં એવી પ્રૉપર્ટીઝ છે જે તમારી સ્કિનને મૉઇશ્ચરાઇઝ્ડ રાખે. એટલે તમે આ રીતે ક્રીમ બનાવીને ઘરમાં મૉઇશ્ચરાઇઝર તરીકે એનો ઉપયોગ કરી શકો, પણ આ તમારી સ્કિનને સન સામે પ્રોટેક્ટ ન કરી શકે.’

ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા બનાવવામાં આવતું સનસ્ક્રીન લોશન ઘરે કેમ ન બની શકે અને એવી અસરકારકતા ઘરમાં બનાવેલા સનસ્ક્રીન લોશનમાં કેમ ન હોઈ શકે એ વિશે સમજાવતાં ડૉ. આકાંક્ષા સંઘવી કહે છે, ‘સનસ્ક્રીન બનાવતી વખતે એમાં એવાં ઘણાં ફિઝિકલ અને કેમિકલ બ્લૉકર્સનો યુઝ થાય છે જે ખરેખર સનનાં અલ્ટ્રાવાયલેટ રેઝને બ્લૉક કરે. આ બધાં ઇન્ગ્રીડિયન્ટ્સનો યુઝ કરવા માટે એક પર્ટિક્યુલર કૉમ્બિનેશનનો યુઝ કરવો પડે, કારણ કે ગમેતેવાં બે ઇન્ગ્રીડિયન્ટ્સને તમે મિક્સ ન કરી શકો, નહીંતર એની આડઅસર થઈ શકે. સનસ્ક્રીનમાં અમુક ઍક્ટિવ ઇન્ગ્રીડિયન્ટ્સ હોય, જે સન રેઝને બ્લૉક કરવાનું કામ કરે અને અમુક પૅસિવ ઇન્ગ્રીડિયન્ટ્સ હોય છે જે સ્કિન માટે મૉઇશ્ચરાઇઝર, ઍન્ટિએજિંગ, વૉટર રેઝિસ્ટન્ટ તરીકે કામ કરે. ઘરમાં તમે સનસ્ક્રીન લોશન બનાવો એમાં એક પ્રોડક્ટને સનસ્ક્રીનનું લેબલ આપવા માટે જે આવશ્યક છે એ ઇન્ગ્રીડિયન્ટ્સ જ હોતાં નથી. સનસ્ક્રીન લોશન બનાવતી વખતે ક્વૉલિટી, સેફ્ટી અને ઇફેક્ટિવનેસનું ધ્યાન રાખવામાં આવે છે. FDAના નિયમ મુજબ આ ત્રણ બેઝિક ક્રાઇટેરિયા પૂરાં કરવાં આવશ્યક છે. SPF વૅલ્યુને ડિટરમાઇન કરવા માટે સનસ્ક્રીનને ઘણાબધા પ્રકારના ટેસ્ટિંગમાંથી પસાર થવું પડે છે. ઘરમાં આપણે જે સનસ્ક્રીન બનાવીએ એમાં બધી વસ્તુના પ્રૉપર મેઝરમેન્ટના અભાવે એની SPF વૅલ્યુ કેટલી છે અને એ સ્કિન પ્રોટેક્ટ કરવા માટે સક્ષમ છે કે નહીં એ કહેવું અઘરું છે. જો તમે પ્રૉપર સનસ્ક્રીન લોશન યુઝ ન કરો તો તમને સન બર્ન, સન ડૅમેજ અને રિન્કલ્સ થવાના ચાન્સિસ છે.’

skin care fashion fashion news life and style columnists