જિબ્રાને કહ્યું છે, બાળક તમારાં નથી, એ તમારા દ્વારા આવ્યાં એટલું જ યાદ રાખો

05 June, 2024 09:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હંમેશાં યાદ રાખવું કે સમયથી પહેલાં વિકાસ ખતરનાક હોય છે. બાળકોને રમવા દો, જીવનમાં રસ લેવા દો.

મોરારી બાપુ

હું તલગાજરડામાં બેઠો હતો. એક સાસુ પોતાની વહુને લઈને આવી. તેની વહુને પુત્ર થયો હતો. લગભગ છ માસનો પુત્ર થયો હતો તેથી નામકરણ કરાવવા આવ્યાં હતાં. આવા લોકો આવે ત્યારે હું મનમાં આવે એ બોલી દઉં છું. કંઈ પહેલેથી વિચાર્યું ન હોય, પહેલેથી મનમાં કંઈ શોધી રાખ્યું ન હોય. એ લોકો આવવાના છે એવી ખબર પણ ન હોય.
તો તેઓ આવ્યા...

બાળકને મેં પ્યાર કર્યો, તેને સ્પર્શ કર્યો, રમાડ્યો અને પછી તેને રામનામી ઓઢાડી શુકન કરાવ્યા અને એ પછી નામ પણ રાખી દીધું. મેં તેનું નામ અભિષેક રાખ્યું. થઈ ગયું, બધી વિ​ધિ પૂરી થઈ એટલે મેં તેમને હાથ જોડ્યા ત્યાં તો વહુની સાસુ મને કહે, ‘બાપુ, ભગવાનનાં દર્શન કરવાનાં બાકી છે. દીકરાના ઘરે દીકરો તો થઈ ગયો. હવે કશું બાકી નથી. હવે ભગવાનનાં દર્શન થઈ જાય એટલી કૃપા કરો. ભજન વધે અને ભગવાનનાં દર્શન થઈ જાય.’

મને હસવું આવ્યું. મેં કહ્યું, ‘તમારી ગોદમાં ભગવાન રમી રહ્યા છે અને તમે કયા ભગવાનની પ્રતીક્ષા કરો છો? આ તમારા દીકરાને ઘરે પુત્ર થયો તે શું ભગવાન નથી?’

સાચું તો છે, આ બાળકો ઈશ્વરના દૂતો છે. જો તમે તેમની સાથે રમી ન શકતા હો, તેમની સાથે રહી ન શકતા હોય તો તમારા પર ઈશ્વરની કૃપા ક્યાંથી આવે? બાળઉછેર અંગે પહેલી વાત મારે કહેવી છે તે એ છે કે આપના બાળકની નિજતાને કાયમ રાખો. તમે બાળકોને બહુ દબાવશો તો તે વિકૃત થઈ જશે. ખલીલ જિબ્રાનને વાંચો. જિબ્રાન કહે છે, ‘બાળક તમારાં નથી. તમારા દ્વારા આવ્યાં છે. તે અલ્લાહની ઓલાદ છે. બાળકને જન્મ આપવાને કારણે તમે માતા-પિતા બન્યાં છો પણ યાદ રાખો કે બાળકો તમારા દ્વારા આવ્યાં છે, તમારાં નથી. તેમને સમ્યક સ્વતંત્રતા આપો. તેમણે શું ભણવું એનો નિર્ણય તેમને લેવા આપો. મા-બાપ નિર્ણય ન કરે કે તેણે ડૉક્ટર બનવાનું છે. મજબૂર ન કરો બાળકને. હા, સલાહ માગે તો સલાહ આપો, વાત્સલ્ય આપો, સુઝાવ આપો; પણ મા-બાપ તો દબાણ કર્યા કરે છે. તમે તમારા બાળકને એવું શિક્ષણ આપો કે સ્પર્ધા ન કરે.’

બાળકને તમે મારીને સ્પર્ધક બનાવો છો કે તું સારા માક્ર્સ લાવ. આ બરાબર નથી. હંમેશાં યાદ રાખવું કે સમયથી પહેલાં વિકાસ ખતરનાક હોય છે. બાળકોને રમવા દો, જીવનમાં રસ લેવા દો. માને થાય છે કે બાળક જલદી મોટું થઈ જાય. બાળકમાં ઈશ્વર હોય છે, પરમાત્મા હોય છે.

છોડને તમે વાવો છો. પછી એમાં ખાતર નાખો, પાણી આપો, સુરક્ષા આપો; પણ છોડે કેમ મોટા થવાનું છે એ એની સ્વતંત્રતા છે, એની નિજતા છે.

culture news Morari Bapu columnists gujarati mid-day