યજ્ઞ, દાન અને તપ મનુષ્યને પવિત્ર કરનારાં શ્રેષ્ઠ સાધનો છે, એ ક્યારેય છોડવાં નહીં

20 November, 2024 04:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં સમજાવે છે કે દેવતાઓ દ્વારા પ્રાપ્ત થયલા ભોગને પુનઃ દેવતાઓને આપ્યા વિના જે એકલા ભોગવે છે એ ચોર છે અને એટલા માટે દેવતાઓની કૃપાઓથી જે કંઈ પ્રાપ્ત થયું છે

પ્રતીકાત્મક તસવીર

ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં સમજાવે છે કે દેવતાઓ દ્વારા પ્રાપ્ત થયલા ભોગને પુનઃ દેવતાઓને આપ્યા વિના જે એકલા ભોગવે છે એ ચોર છે અને એટલા માટે દેવતાઓની કૃપાઓથી જે કંઈ પ્રાપ્ત થયું છે એને પાછું યજ્ઞ દ્વારા તેમના માટે વાપરવાનું.

એક સામાન્ય વાત દ્વારા આ સમગ્ર વાત સમજીએ.

ખેતર દ્વારા જેટલું મળ્યું છે એ બધું જો ખાઈ જઈએ અને ખેતરને બીજરૂપે કશું જ પાછું આપણે ન આપીએ તો-તો ખેતર અનેકગણું કરીને કેવી રીતે પાછું આપશે? ખેડૂત જ્યારે કેટલાય કિલોના હિસાબે એ બીજના દાણા, અનાજના દાણા ખેતરમાં વાવતો હોય ત્યારે કોઈ તેને કહે કે આ ધૂળની અંદર નાખી દેવાને બદલે તારે કોઈ બિચારા ભૂખ્યાને ખવડાવવું જોઈએ.

ભૂખ્યાને ખવડાવવું મહત્ત્વનું છે અને એટલા માટે જ ભૂખ્યાનું પેટ ભરવા માટે એ દાણા પાછા ખેતરને આપવા પડશે. જે ખેતરથી આપણને આટલુંબધું અનાજ મળ્યું છે એમાંથી થોડો ભાગ બીજરૂપે ફરી પાછો ખેતરને નહીં આપીએ, નહીં વાવીએ તો ખેતર વળી પાછું અનેકગણું કરીને આપણને ફરી પાછું કેવી રીતે આપશે? એ ખેતરમાં પછી કંઈ ઊગશે નહીં અને ધારો કે ઊગશે તો એ ખાવાલાયક હશે નહીં એટલે બીજ ખેતરને ફરી પાછાં આપવાં જરૂરી છે.

પુછાયેલા પ્રશ્નનો જવાબ આપું તો નિશ્ચિતરૂપે ભૂખ્યાને ખવડાવવું એ પણ યજ્ઞ છે જ છે, પણ શાસ્ત્રોમાં જે કોઈ યજ્ઞ કહ્યા છે એ હોમ કરવો, હવન કરવો એ પણ યજ્ઞનું એક મહત્ત્વપૂર્ણ અંગ છે અને એવું અંગ છે કે જેમ ખેતરમાં આપણે બીજ વાવીએ અને જમીનથી પ્રાપ્ત થયેલું આપણે ફરી જમીનને આપીએ છીએ તો
જ જમીન અનેકગણું કરીને આપણને ફરી પાછું આપે ને એટલા માટે જ જગતગુરુ કૃષ્ણ ભગવદ્ગીતામાં સ્પષ્ટતા સાથે કહ્યું છે કે યજ્ઞ, દાન અને તપ આ ત્રણેય મનુષ્યને પવિત્ર કરનારાં શ્રેષ્ઠ સાધનો છે. આ ત્રણેય સાધનનો જીવનમાંથી ક્યારેય ત્યાગ ન કરવો.

સદાય યજ્ઞ કરતા રહો જેથી તમારું જીવન શ્રેષ્ઠતમ બને. સદાય યજ્ઞ કરતા રહો જેથી મનુષ્યનું જીવન પવિત્ર, મનુષ્યનો વ્યવહાર પવિત્ર બને. સદાય યજ્ઞ કરતા રહો જેથી જગતગુરુએ જે આપ્યું છે એનાથી અનેકગણું ફરી પાછું મળે અને એ યજ્ઞોની સાથોસાથ જગતગુરુએ જે આપ્યું છે એનાથી અન્યની ભૂખ ભાંગવાના યજ્ઞ પણ નિરંતર ચાલુ રાખો.  -ભાઈશ્રી રમેશભાઈ ઓઝા

culture news life and style religion religious places columnists gujarati mid-day