રણમાં ગુંજે છે ૐકારનો નાદ

21 July, 2024 07:00 AM IST  |  Mumbai | Alpa Nirmal

રાજસ્થાનનું જાડન તીર્થાટન-પ્રેમીઓમાં પૉપ્યુલર થઈ રહ્યું છે. ૐ આકાર ધરાવતા આ મંદિરમાં ૧૨ જ્યો​તિર્લિંગ સહિત શિવજીની ૧૦૦૮ મૂર્તિઓ છે

રાજસ્થાનનું જાડન

દેલવાડા, પુષ્કર, રાણકપુર, શિકર (ખાટુ શ્યામ), નાથદ્વારા, બિકાનેર (કરણી માતા) અને બાંગડ (સાંવરિયા શેઠ) જેવાં તીર્થસ્થાનો સાથે રાજસ્થાનનું જાડન પણ તીર્થાટન-પ્રેમીઓમાં પૉપ્યુલર થઈ રહ્યું છે. ૐ આકાર ધરાવતા આ મંદિરમાં ૧૨ જ્યો​તિર્લિંગ સહિત શિવજીની ૧૦૦૮ મૂર્તિઓ છે

કેટલાંક મંદિરોનું આર્કિટેક્ચર અદ્ભુત હોય છે તો કેટલાંક મંદિરોમાં બિરાજતા ભગવાનનું સ્વરૂપ, કોઈ દેવાલયોનું કનેક્શન પૌરાણિક હોય છે તો કોઈ ટેમ્પલનું સેલિબ્રેશન. વળી કેટલાંક મંદિરો ચમત્કારો માટે પ્રસિદ્ધ હોય છે તો કોઈ મંદિરો એના ભૌગોલિક સ્થાન માટે. વેલ, આ સૂચિમાં હવે નવો ઉમેરો થયો છે. રાજસ્થાનના મારવાડ ​જિલ્લામાં જાડન ખાતે આવેલું લેટેસ્ટ મંદિર એના આકાર માટે પ્રખ્યાત થયું છે. આ વર્ષના ફેબ્રુઆરીમાં જ ઓપન થયેલું ‘ઓમ વિશ્વ દીપ ગુરુકુળ આશ્રમ શિક્ષા એવમ્ અનુસંધાન કેન્દ્ર’ જે ૐ મંદિર તરીકે જાણીતું છે એ ૐ આકારમાં નિર્માણ પામ્યું છે.

ઈસવી સન ૧૯૯૦માં ૐ શ્રી અલખપુરી સિદ્ધપીઠ પરંપરાના પૂજ્ય વિશ્વગુરુ મહામંડલેશ્વર પરમહંસ સ્વામી મહેશ્વરાનંદ પુરીએ આ મંદિર અને આશ્રમની પરિયોજનાનું સપનું જોયું હતું જે ૩૪ વર્ષ બાદ પૂરું થયું. બ્યાવર-પિંડવાડા રોડ પર ૫૦૦ એકરના વિશાળ મેદાનમાં આ સંકુલનું નિર્માણ થયું છે. એમાં મંદિર તેમ જ આશ્રમ ૨૫૦ એકરમાં સમાવાયાં છે.

સ્વામી મહેશ્વરાનંદે ૧૯૯૫માં આ મંદિરની નીવ નાખી હતી, જેને સંપૂર્ણ કરતાં ૨૮ વર્ષનો દીર્ઘકાળ થયો. થાય જ, કારણ કે એક તો એનો આકાર અનયુઝ્વલ હતો. બીજું, છતથી લઈને ફરસ સુધીના પથ્થરોને સ્થાપત્યોથી બોલકા કરવાના હતા. વળી વાત ફક્ત મંદિર અને આશ્રમ પૂરતી જ નહોતી. સ્વામીજીએ સમસ્ત ક્ષેત્રને નવપલ્લવિત અને હરિયાળું કરવાનું પ્રણ લીધું હતું. જોકે મંદિરની પ્રાણપ્રતિષ્ઠા હમણાં થઈ. એ ત્રણ દાયકા દરમ્યાન પર્યાવરણની સુધારણાનાં કેટલાંક કાર્યો થઈ ગયાં હતાં. ૐ આશ્રમના PRO ‘મિડ-ડે’ને કહે છે, ‘આશ્રમ સ્થાપવા પાછળનો મુખ્ય ઉદ્દેશ છે ભારતની વૈદિક, સનાતન, યોગ અને આધ્યાત્મિક સંસ્કૃતિને દેશ-વિદેશમાં પહોંચાડવી. એ સાથે જ સૃષ્ટિના દરેક સજીવનું કલ્યાણ કરવા નક્કર પ્લૅટફૉર્મ ઊભું કરવું.’

અને એ તરજ પર આશ્રમ દ્વારા બાળકો માટે પ્રથમ ચરણમાં સ્કૂલ શરૂ કરવામાં આવી. ત્યાર બાદ ઉચ્ચ શિક્ષણ માટે અદ્યતન કૉલેજ પણ શરૂ થઈ. પ્રકૃતિની વાત કરીએ તો આશ્રમમાં વૉટર હાર્વેસ્ટિંગનું સુંદર કામ થયું. વિરાટ જળરાશિનો સંગ્રહ કરતું ૧૦ મીટર ઊંડું સરોવર બનાવવામાં આવ્યું છે જેમાં વરસાદનું પાણી એકઠું થાય છે. એ સાથે આખા સંકુલમાં બે લાખથી વધુ વૃક્ષો રોપવામાં આવ્યાં છે જે વાતાવરણને ઠંડું તો રાખે છે સાથે સેંકડો પક્ષીઓ તથા નાનાં જીવજંતુઓને આશ્રય આપે છે. આખા પરિસરમાં લૅન્ડસ્કેપિંગ અનુસાર શાકભાજીની ખેતી પણ કરવામાં આવે છે તો મેંદીની વાડ અને કુમળા ઘાસના ગાલીચાથી આ સૂકો પ્રદેશ લીલુડો બની ગયો છે.

હવે મુખ્ય મંદિરમાં એન્ટ્રી કરીએ તો ૐ આકારની બરાબર મધ્યમાં ભવ્ય શિવાલય બન્યું છે. ૧૩૫ ફુટ ઊંચા આ ટેમ્પલના ગ્રાઉન્ડ ફ્લોરમાં સ્વામીજીના ગુરુ માધવાનંદજીનું સમાધિ મંદિર છે તો પહેલા માળની મધ્યમાં અદ્વિતીય શિવલિંગ બિરાજે છે. મંદિરના ગર્ભગૃહની દીવાલો પર ૧૦૦૮ શિવમૂર્તિઓ છે. બંસીપુર પહાડી પરથી લાવેલા શ્યામ સ્ફટિકમાંથી નિર્મિત પાંચ ફુટ ઊંચું શિવલિંગ પ્રતિષ્ઠિત છે. આ શિવલિંગની વિશેષતા એ છે કે એના પર શિવજીના ૧૨ ચહેરા અંકિત કરાયેલા છે. અશોક સુંદરી સાથે ૬ ફુટથી વધુ ઊંચું આ રિમાર્કેબલ શિવલિંગ દૂરથી પણ શાનદાર લાગે છે. જોકે આખા પરિસરનું મોસ્ટ લાજવાબ પૉઇન્ટ છે ૐકારની ઉપરની ચંદ્રબિન્દી. ૐની જોડણી લખતાં જે અર્ધચન્દ્રાકાર રેફ આવે છે ત્યાં એ શેપનું સરોવર બનાવવામાં આવ્યું છે અને ​બિન્દીની જગ્યાએ ઊંચો મિનારો. નિર્માતાની કલ્પના તો જુઓ. આ મિનારાની ઉપર સૂર્યદેવનું દેવળ છે. આ સ્પૉટ દર્શનાર્થીઓનું તો ફેવરિટ છે જ, સાથે સ્વામીજીનું પણ ગમતું છે. એટલે જ એની બરાબર સામે સ્વામીનું નિવાસસ્થાન છે.

વૈદિક સંસ્કૃતિમાં ઓમ શબ્દને પવિત્ર ધ્વનિ માનવામાં આવે છે. સાધકની પરમ ચેતના જગાડતા આ નાદમાં સર્વ વૈદિક મંત્રોનો સાર સમાયેલો છે. બ્રહ્મા (સર્જન), વિષ્ણુ (પાલન), શિવ (મુક્તિ)ના પ્રતીક સમ ૐના આકારને યોગ્ય શેપ આપવા ૐના ત્રણ કર્વ (વળાંક)માં સાધકને રહેવા માટે ૧૦૮ રૂમનું નિર્માણ કરવામાં આવ્યું છે. નાગરશૈલીની વાસ્તુકલા અનુસાર નિર્મિત આશ્રમની આખીયે સંરચના દિવ્ય વાતાવરણ ઊભું કરે છે જે વ્યક્તિને મનની શાંતિ પ્રદાન કરે છે. આ ઉપરાંત આશ્રમના પ્રાંગણમાં સમૃદ્ધ લાઇબ્રેરી તેમ જ મેડિટેશન હૉલ છે જ્યાં ધાર્મિક કાર્યો, યોગ વગેરે પ્રવૃત્તિઓ ચાલતી રહે છે.

મંદિરનું ઓપનિંગ થઈ ગયું છે, પરંતુ હજી થોડું ઘણું કામ બાકી છે જે વરસમાં કમ્પ્લીટ થઈ જશે. જો એ પહેલાં રાજસ્થાનની ટૂર કરવાના હો તો ૐ આશ્રમના દર્શનાર્થે અચૂક જજો. હાફ દિવસની અહીંની ટૂર એક અલગ દુનિયામાં લઈ જશે ચોક્કસ.

ટૂરિસ્ટો વિન્ટર સીઝનમાં રાજસ્થાન ફરવાનું પ્રિફર કરે છે, પરંતુ સાચું કહું તો મરુભૂમિમાં ફરવાની અસલી મજા મૉન્સૂનમાં આવે છે. વરસતો વરસાદ, ભીની માટીની મહેક અને શ્રાવણ મહિનાના તહેવારોમાં ગામેગામ ભરાતા મેળા... આ ટાઇમે આખા રાજ્યનું વાતાવરણ રંગબેરંગી હોય છે.

મુંબઈથી પાલી જંક્શન જવું સાવ સરળ છે. અહીંથી જોધપુર, ભગત કી કોઠી, જેસલમર જતી ટ્રેનો પાલી જંક્શન ઊભી રહે છે અને પાલી ટાઉનથી ઓમ ટેમ્પલ ઓન્લી ટ્વેન્ટી કિલોમીટર છે તો જોધપુરથી પણ આ મંદિર ૭૨ ​કિલોમીટર અને ઉદયપુરથી ૧૯૨ ​કિલોમીટર છે. મંદિરમાં રહેવા માટેની સગવડ હજી શરૂ નથી થઈ અને એક-બે દિવસની મુલાકાતે આવતા મુસાફરોને એ સુવિધાઓ મળશે કે નહીં એ હજી નક્કી નથી, પણ પાલી તેમ જ એની આજુબાજુનાં ગામોમાં જૈન ધર્મશાળા, હોટેલ, ગેસ્ટ હાઉસની સરસ સુગમતા છે. રાજસ્થાનમાં આવ્યા હો ત્યારે જમવાની ચિંતા કરવાની ન હોય. અહીં ઠેર-ઠેર રાજસ્થાની અને ગુજરાતી જમણ પીરસતાં ભોજનાલયો છે તો ચા-નાસ્તા વેચતી હાટડીઓ પણ છે.

પાલીના ચોટીલા ગામે બુલેટબાબાનું મંદિર છે. અહીં ભગવાનની નહીં, ‘રૉયલ ઇનફીલ્ડ બુલેટ ૩૫૦’ની બાકાયદા પૂજા થાય છે. મુસાફરીએ જતા સ્થાનિક લોકો અહીં અચૂક માથું ટેકવવા આવે છે. તમે પણ બુલેટબાબાના આશીર્વાદ લેવા જવાનો પ્રોગ્રામ રાખજો.

યુરોપમાં બહુ ફેમસ છે સ્વામી મહેશ્વરાનંદ

યુ.કે., ઈસ્ટર્ન યુરોપ, સેન્ટ્રલ યુરોપના ૨૬ કન્ટ્રીના લોકોને ધ્યાન અને યોગની ક્રિયા શીખવનાર સ્વામી મહેશ્વરાનંદ યુરોપીય દેશોમાં બહુ લોકપ્રિય છે. ૩૦થી વધુ વર્ષથી રેગ્યુલર ધોરણે યુરોપ જતા આ સ્વામીની સંસ્થાની એક બ્રાન્ચ ઑસ્ટ્રિયામાં પણ છે. ફૉરેનર્સ સ્વામીએ વિકસાવેલી યોગ ઍન્ડ ડેઇલી લાઇફ પદ્ધતિના દીવાના છે અને બહુ સિદ્દતથી તેમને ફૉલો કરે છે. ઇન ફૅક્ટ, કેટલાંય યુરોપિયન સ્ત્રી-પુરુષો સ્વામી પાસે દીક્ષા લઈને સંન્યાસી બન્યાં છે. ૐ આશ્રમમાં પણ અનેક વિદેશીઓ અને ભારતીયો યોગ, અધ્યાત્મનું જ્ઞાન મેળવવા આવે છે.

પૉઇન્ટ્સ ટુ બી નોટેડ

- ઍક્ચ્યુઅલી, પાલી વિસ્તાર મંદિરોની નગરી છે. ગુલાબની બરફી તથા મેંદી માટે પ્રખ્યાત આ તાલુકામાં જ રાણકપુરનાં બેમિસાલ જૈન મંદિરો આવેલાં છે તો અહીંના સોમનાથ મહાદેવ પણ ખાસ્સા લોકપ્રિય છે. એ જ રીતે ફાલનાનું જૈન સુવર્ણમંદિર અણમોલ છે. ૯૦ ​કિલો સોનામાંથી બનાવેલા આ મંદિરનું નિર્માણ કરવા એ ગામની જૈન મહિલાઓએ જ પોતાના દાગીના અર્પણ કર્યા હતા.

- ૐ મંદિરના આકાર, શિવલિંગની સાથે મંદિરના ૧૨૦૦ સ્તંભ તેમ જ દીવાલો, છત પર કોતરાયેલી કલાકૃતિઓ પણ બ્યુ​ટિફુલ છે. હિન્દુ ધર્મની પ્રાચીન ધાર્મિક કથાઓ પર આધારિત આ સ્ટોનવર્ક પૂરું કરવા ૫૦૦ કારીગરોએ સતત વીસ વર્ષ સુધી દિવસ-રાત મહેનત કરી છે.

- સમય હોય તો સ્વામી મહેશ્વરાનંદે સ્થાપેલી પાંજરાપોળની મુલાકાતે પણ જવાય.

rajasthan culture news life and style columnists alpa nirmal