24 August, 2024 11:52 AM IST | Mumbai | Heena Patel
ઝુમ્મર અને મિનાકારી કામ સાથેનો મંદિરનો અંદરનો ભાગ અને મૂર્તિની પ્રતીતિ કરાવે એવું ધર્મગ્રંથનું વાંગમય સ્વરૂપ
આ વખતે જન્માષ્ટમીમાં તમારે ભુલેશ્વરના ૧૦૦ વર્ષ જૂના શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરનાં દર્શન કરવા માટે પહોંચી જવું જોઈએ. આ મંદિર સામાન્ય કૃષ્ણ મંદિરો કરતાં ઘણીબધી બાબતોમાં નોખું તરી આવે છે. બહારથી ખૂબ જ સુંદર દેખાતા આ મંદિરની અંદર પગ મૂકતાં તમને નવો જ અનુભવ થશે. કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ નજીક આવી રહ્યો છે ત્યારે મુંબઈના અનોખા કૃષ્ણમંદિરની મુલાકાત લઈએ
એ દિવસ હવે દૂર નથી જ્યારે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી...ના નાદથી વાર્તાવરણ ગુંજી ઊઠશે. ભગવાન કૃષ્ણનો જન્મદિવસ એટલે કે જન્માષ્ટમી ઊજવવા માટે ભક્તો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. બાળકૃષ્ણને પારણામાં ઝુલાવવા માટે અધીરા થઈ રહ્યા છે. આ વખતે જો તમે કૃષ્ણની ભક્તિના રંગમાં રંગાઈ જવા ઇચ્છતા હો તો દક્ષિણ મુંબઈમાં ભુલેશ્વરના શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરનાં દર્શન કરવા માટે પહોંચી જજો. સેંકડો નાનાં-મોટાં મંદિરોનું ઘર ગણાતા ભુલેશ્વરમાં આવેલું આ મંદિર અન્ય કૃષ્ણ મંદિર કરતાં નોખું તરી આવે એવું છે. એવું શા માટે? એની આગળ વિગતવાર વાત કરીએ.
મૂર્તિ વગરનું મંદિર
મંદિરનો બહારનો દેખાવ
ભુલેશ્વરની ગલીઓમાં આવેલું આ મંદિર કમ સે કમ ૧૦૦ વર્ષ જેટલું જૂનું છે. ત્રણ માળના આ મંદિરમાં પહેલા માળે શ્રી રાજ શ્યામાજી બિરાજમાન છે. આ મંદિર બહારથી જેટલું આકર્ષક લાગે છે એટલું જ અંદરથી પણ સુંદર છે. મંદિરની દીવાલોની ચારેય બાજુ પ્રણામી સંપ્રદાયનો ઉપદેશ આપતાં લખાણો છે. મંદિરની અંદર પ્રવેશ્યા બાદ તમને બીજી દુનિયામાં પ્રવેશી ગયા હો એવો અનુભવ થશે. મંદિરની અંદર ખૂબ જ શાંતિ અને સકારાત્મકતાનો અનુભવ થાય છે.
એક ભક્ત જ્યારે મંદિરમાં દર્શન કરવા માટે જાય તો સૌથી પહેલાં તે ભગવાન કૃષ્ણની મૂર્તિનાં દર્શન કરે છે. તેમના મનમોહક સ્વરૂપને નિહાળે છે. તેમના સુંદર ચહેરાને નિરખી-નિરખીને પ્રેમભાવપૂર્વક જુએ છે. જોકે ભુલેશ્વરના શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરમાં તમે દાખલ થશો તો તમને કંઈક જુદો જ નજારો જોવા મળશે. અહીં તમને ભગવાન કૃષ્ણની મૂર્તિ નહીં જોવા મળે. સાંભળીને થોડી નવાઈ લાગશે, પણ આ મંદિરમાં મૂર્તિની પૂજા નથી થતી. તો શેની પૂજા થાય છે? આનો જવાબ આપતાં મંદિરના ટ્રસ્ટી ગૌતમ ઠક્કર કહે છે, ‘આ મંદિરમાં ૪૦૦ વર્ષ પહેલાં પ્રાણનાથજીની વાણીરૂપે સંગ્રહિત કુલજમ સ્વરૂપ સાહેબ (ગ્રંથ)ની પૂજા થાય છે. અહીં આવતા ભક્તો માટે આ ગ્રંથ જ તેમના ભગવાન છે. મંદિરમાં ગ્રંથને પીતાંબર વસ્ત્ર પહેરાવવામાં આવે છે. ગ્રંથ સાથે ભગવાન કૃષ્ણનો મુગટ અને મોરલી રાખવામાં આવે છે. મંદિરમાં રાધા અને કૃષ્ણનો શૃંગાર એ રીતે કરવામાં આવે છે કે પહેલી નજરમાં તમને એમ લાગશે કે સામે ગ્રંથ નહીં, રાધા-કૃષ્ણની મૂર્તિ જ જાણે સ્થાપિત કરવામાં આવી છે. જોકે શાસ્ત્રમાં એને ગ્રંથના વાંગમય સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરમાં શ્રી રાજ શ્યામાજીની પૂજા થાય છે. શ્રી રાજ એટલે પરબ્રહ્મ પરમાત્મા અને તેમની સંગિની શ્રી શ્યામા મહારાણી, જેઓ આ બ્રહ્માંડનાં પાલનહાર છે.’
ટ્રસ્ટી ગૌતમ ઠક્કર
જન્મોત્સવ પણ અનોખો
શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરમાં ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ કઈ રીતે ઊજવાય છે એ પણ જાણવા જેવું છે. સામાન્ય રીતે કૃષ્ણ ભગવાનનાં મંદિરોમાં જન્માષ્ટમીના દિવસે બાળકૃષ્ણની મૂર્તિને પારણામાં બેસાડીને પ્રેમથી ઝુલાવવામાં આવે છે. પ્રણામી મંદિરમાં તો મૂર્તિપૂજા નથી થતી તો પછી શું બાળકૃષ્ણને પારણે ઝુલાવવામાં નથી આવતા? એ વિશે ગૌતમભાઈ કહે છે, ‘અમે ધામધૂમથી ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ઊજવીએ છીએ. સત્સંગ અને ભજન-કીર્તનની રમઝટ બોલાવવામાં આવે છે. ભક્તોને મિસરી-માખણનો પ્રસાદ આપવામાં આવે છે. પારણામાં અમારો પવિત્ર ગ્રંથ મૂકીએ અને એને મુગટ, મોરલી, રાધાજીની વેણીને મૂકી સજાવીને અમે ઝુલાવીએ છીએ. આ વખતે અમે ૨૬ ઑગસ્ટે રાત્રે મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ ઊજવીશું. રાત્રે નવ વાગ્યાથી કાર્યક્રમ શરૂ થઈ જાય. ગ્રંથની ચોપાઈઓનું વાંચન થાય. ભજનમંડળીઓ આવે. રાત્રે બાર વાગ્યે પડદો ખૂલે. આરતી થાય. ભોગ ધરાવાય. એ પછી ભક્તો માટે દર્શન ચાલુ થાય. રાત્રે દોઢ વાગ્યા સુધી એ ચાલે. અમારે ત્યાં અષાઢ વદ છઠથી શ્રાવણ વદ સાતમ સુધી કથા ચાલે. આખો એક મહિનો કથા થાય. અમે દરરોજ નવા-નવા હિંડોળા બનાવીએ, હિંડોળામાં ગ્રંથસાહેબના વાંગમય સ્વરૂપને મૂકીએ, ઉપર મુગટની સેવા અને એની ઉપર રોજ નવા વાઘા અને અલંકારો ચડે. કથા પૂરી થાય એના બીજા દિવસે અમે જન્માષ્ટમીનો ઉત્સવ ઊજવીએ.’
આ રીતે થાય પૂજાપાઠ
પૂજારી ધનેશ્વર સિંહ
ભુલેશ્વરના શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરમાં કઈ રીતે પૂજાપાઠ કરવામાં આવે છે એ જાણવું પણ રસપ્રદ છે. આ વિશે માહિતી આપતાં મંદિરમાં સેવાપૂજાનું કામ સંભાળતા પૂજારી ધનેશ્વર સિંહ કહે છે, ‘અમે દરરોજ દિવસમાં પાંચ વાર એટલે કે સવારે છ વાગ્યે, નવ વાગ્યે, અગિયાર વાગ્યે, સાત વાગ્યે અને નવ વાગ્યે આરતી કરીએ છીએ. તેમનો ઝૂલો ઝુલાવીએ. પ્રણામી સમાજમાં પ્રતીક એટલે કે મૂર્તિની પૂજા નહીં પણ જ્ઞાનરૂપી ગ્રંથની પૂજા થાય છે. અમે ભગવાનને ઉઠાડીએ, સ્નાન કરાવીએ, ભોગ ધરાવીએ બધું જ કરીએ પણ બધું જ ભજન ગાઈને. અમારા મંદિરમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક સંપ્રદાયના લોકો આવી શકે છે. મંદિરમાં દર્શન કરવા માટે પુરુષોએ માથામાં રૂમાલ બાંધવાનો હોય અને સ્ત્રીઓએ ઓઢણીથી માથું ઢાંકવું પડે. ભગવાનને પગે લાગીને એ પછી સાત વાર પરિક્રમા કરવાની હોય અને એ પછી વાણી વાંચવાની હોય.’
મંદિરનો ઇતિહાસ
વર્ષો જૂનું આ મંદિર કઈ રીતે બન્યું અને હાલમાં એનું સંચાલન કોણ કરી રહ્યું છે એ વિશે વાત કરતાં ગૌતમભાઈ કહે છે, ‘ભુલેશ્વરના શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરની સ્થાપના શ્રી પાંચ નવતનપુરી ધામના દસમા ગાદીપતિ પૂજ્ય શ્રી બિહારીદાસજી મહારાજના માર્ગદર્શન અને રૂપારેલ પરિવાર તેમ જ પ્રણામી સંપ્રદાયના અનુયાયીઓએ કરેલી મદદથી કરવામાં આવી હતી. વર્ષો પહેલાં આ મંદિર પાયધુનીના કોલસા મહોલ્લામાં હતું. જોકે એ વિસ્તારમાં હિન્દુઓની વસ્તી ઓછી હતી એટલે લોકો ત્યાં સુધી દર્શન કરવા જાય એને બદલે ભુલેશ્વર, જે મંદિરોનું ધામ ગણાતું ત્યાં જ એક મંદિરનું નિર્માણ થાય એવી ભાવના હતી. તમે જોશો તો અમારા મંદિરની આસપાસ જ ત્રણ-ચાર સારાં-સારાં અન્ય મંદિરો પણ છે અને બધાની જ બાંધણી, આર્કિટેક્ચર પણ લગભગ સરખાં છે. હાલમાં આ મંદિરનું સંચાલન શ્રી પ્રાણનાથજી ખિજડા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે; જેમાં પરમ પૂજ્યશ્રી ૧૦૮ શ્રી કૃષ્ણમણિજી મહારાજશ્રી (શ્રી પાંચ નવતનપુરી ધામના વર્તમાન ગાદીપતિ અને મંદિર ટ્રસ્ટના આચાર્ય મુખ્ય ટ્રસ્ટી), ઇરાબહેન શ્રીકાંત રૂપારેલ, રમેશ જમનાદાસ ઠક્કર અને ગૌતમ તુલસીદાસ ઠક્કરનો સમાવેશ છે.’
પૂજ્ય ૧૦૮ શ્રી કૃષ્ણમણિજી મહારાજ
સંપ્રદાયની સ્થાપના
પ્રણામી સંપ્રદાય કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો એ વિશે વાત કરતાં ગૌતમભાઈ કહે છે, ‘આજથી ૪૦૦ વર્ષ પહેલાં પ્રણામી સંપ્રદાયની સ્થાપના નિજાનંદ સ્વામી શ્રી સદગુરુ દેવચંદ્રજી મહારાજે કરી અને ધર્મનો પ્રચાર તેમના મુખ્ય શિષ્ય પ્રાણનાથ સ્વામીજીએ કર્યો હતો. આ સંપ્રદાય દ્વારા ૧૧ વર્ષ અને બાવન દિવસની આયુવાળા બાળકૃષ્ણને પૂજવામાં આવે છે (ભગવાન કૃષ્ણનું તેઓ વ્રજમાં રહ્યા એ સમયનું પરમાત્મા સ્વરૂપ). પ્રણામી મંદિર દેશનાં વિવિધ રાજ્યોમાં અને વિદેશમાં આવેલાં છે. મુંબઈમાં ભુલેશ્વરનું એકમાત્ર પ્રણામી મંદિર છે જે આટલું જૂનું છે. શહેરમાં પ્રણામી સંપ્રદાયના અંદાજે ૨૦-૨૫ હજાર અનુયાયીઓ છે.’
પ્રણામી સંપ્રદાયનો મુખ્ય ધર્મગ્રંથ
કૅન્સરના દરદીનો આશરો
શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર કૅન્સરના દરદીઓ માટેનો આશરો છે એવું કહીએ તો એ જરાય ખોટું નથી. આ વિશે વાત કરતાં મંદિરના ટ્રસ્ટી ગૌતમ ઠક્કર કહે છે, ‘મંદિરમાં ત્રીજા માળે સાત રૂમ અને નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર ત્રણ રૂમ એમ કુલ દસ રૂમ છે. આ રૂમમાં કૅન્સરના દરદીને તેમના પરિવાર સાથે રહેવાની સુવિધા અને ભોજન નિઃશુલ્ક આપવામાં આવે છે. મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ન મળે. મુંબઈની તાતા હૉસ્પિટલમાં સારવાર માટે દેશભરમાંથી ઘણા કૅન્સર પેશન્ટ આવે છે. તેમના માટે અમે રહેવાની સુવિધા કરી આપીએ છીએ. જોકે આ સુવિધા પ્રણામી સંપ્રદાય સુધી જ સીમિત છે.’