હવે કેમ કોઈ ઋષિ-મુનિઓ નથી થતા એ પ્રશ્ન કોઈ સત્યશોધકને થાય એ જરૂરી છે

11 June, 2024 10:16 AM IST  |  Mumbai | Swami Satchidananda

આજે કોઈ ઋષિ-મુનિઓ કેમ નથી થતા? આવી જિજ્ઞાસા સત્યશોધકને થવી જોઈએ

સ્વામી સચ્ચિદાનંદ

ઘણી વખત રામ અને કૃષ્ણના શબ્દોની બાબતમાં લોકો લડી પડે છે અને કહે છે કે રામાયણમાં શ્રીરામ આમ બોલે છે અને ગીતામાં શ્રીકૃષ્ણ આમ બોલે છે એ શું ખોટું છે, પણ તેમને કોણ સમજાવે કે આ બધા ગ્રંથોમાં રામ કે કૃષ્ણ નથી બોલતા, પણ તેમના માધ્યમથી લેખક બોલે છે અને લેખક પણ પ્રસિદ્ધ રૂપથી જે મનાય છે તે નથી, પણ કોઈ અન્ય જ છે. આવું થવાનું મૂળ કારણ શું છે? 
પ્રાચીન સમય, પ્રાચીન સમયના માણસો તથા તેમનું જ્ઞાન અત્યંત દિવ્ય હતું, ત્રુટિ વિનાનું હતું. અત્યારનો સમય તો કલિયુગ છે, હડહડતો પાપી સમય છે, અત્યારના માણસો તો સ્વાર્થી તથા નીચ પ્રકૃતિના છે, તેમનું જ્ઞાન તો મિથ્યા અને ડુબાડનારું છે. વર્તમાન પ્રત્યે સતત ઘોર અણગમો બતાવવો, ભવિષ્ય હજી આનાથી ભયંકર આવવાનું છે એવી નિરાશા બતાવવી અને માત્ર પ્રાચીનતા જ દિવ્ય હતી, ભવ્ય હતી એવું ઠસાવવું એ લગભગ ધાર્મિકતાની સ્થિર થઈ ગયેલી ઘરેડ છે. એટલે વર્તમાન માણસોના કથન પર લોકો એટલો ભરોસો નથી કરતા જેટલો સેંકડો વર્ષ પહેલાં થઈ ગયેલા માણસોના કથન પર કરે છે. ચિંતન આ રીતે ભવિષ્યને જોવા-સમજવા-માપવાનો પ્રયત્ન ન કરતાં માત્ર પ્રાચીનતાની અહોભાવના તથા વર્તમાનની હીનતા જોયા કરે છે.    

ઋષિ-મુનિઓ કોણ હતા? શું ઋષિ-મુનિઓની અલગ કોઈ જાતિ હતી? તે કયા સમયથી કયા સમય સુધી થતા રહ્યા અને પછી કેમ બંધ થઈ ગયા? આજે કોઈ ઋષિ-મુનિઓ કેમ નથી થતા? આવી જિજ્ઞાસા સત્યશોધકને થવી જોઈએ. તે જો પ્રાચીનકાળના વેદાદિગ્રંથોનું અનુશીલન કરશે તો તેને જણાશે કે ઋષિ-મુનિઓની અલગ કોઈ જાતિ ન હતી; પણ મોટા ભાગે તેઓ ધાર્મિક વિધિ-વિધાનો, શિક્ષણ અને ધર્મવ્યાખ્યા કરનારા પ્રારંભિક બ્રાહ્મણો જ હતા. તેઓ જંગલમાં તથા નગરોમાં પણ રહેતા, પત્નીઓ (બહુપત્નીઓનો એ સમય હોવાથી) તથા બાળકો પણ સાથે રાખતા. ગાય અને ભેંસ જેવાં પાલતુ પશુઓ રાખતા, યજ્ઞો કરતા અને એમાં કેટલાક પશુહિંસાવાળા યજ્ઞો પણ થતા. સોમરસ નામનું કોઈ કૅફી પીણું પણ પીતા. આ સોમરસ પ્રજાભોગ્ય ન થઈ જાય, પણ માત્ર ઉચ્ચ વર્ણ ભોગ્ય જ રહે એની પૂરી તકેદારી રાખતા. આજે પણ ઘણા લોકો માને છે કે સિંહણનું દૂધ સિંહણસુતને જ પચે, બીજાને જો પિવડાવે તો પેટ ફાડીને નીકળે. આવી જ રીતે સોમપાન પણ માત્ર ઉચ્ચ વર્ણના હોય તે જ કરી શકે, બીજાની તાકાત નહીં. આવી માન્યતાઓ ઊભી કરવા પાછળ ક્યાંક ને ક્યાંક ઋષિ-મુનિઓ જવાબદાર રહ્યા છે. એ માત્ર વિદ્યા આપવાનું કામ જ નહીં, એ સંસ્કાર અને સમાજોપયોગી વ્યવહાર આપવાનું કામ પણ કરતા.

life and style culture news columnists