23 October, 2024 02:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભગવાન શ્રી કૃષ્ણ
ગોવર્ધનના હવન પછી ભગવાન શ્રીકૃષ્ણએ બીજો કયો યજ્ઞ કરવા કહ્યું એની વાત આપણે કરીએ. જગતગુરુ ભગવાન શ્રીકૃષ્ણએ બીજો યજ્ઞ માટે કહ્યું કે ગાયોની પૂજા કરો. ગાયોનો યજ્ઞ એટલે ગૌવંશનું સંરક્ષણ અને સંવર્ધન. એ સમયે ગાયો અર્થ વ્યવસ્થાનો આધારસ્તંભ હતી. જેની પાસે જેટલી વધારે ગાયો એટલો એ માણસ વધારે શ્રીમંત, ધનવાન ગણાય. ગૌ એ જ ધન હતું. ગાયોની પૂજા અને ગૌવંશના સંરક્ષણ અને સંવર્ધન દ્વારા આર્થિક વિકાસનો યજ્ઞ ભગવાન શ્રીકૃષ્ણએ કર્યો. ગૃહસ્થે પૈસા કમાવા જોઈએ, તેણે આર્થિક રીતે સમૃદ્ધ થવાનો પ્રયાસ કરવો જોઈએ, નીતિપૂર્વક, ધર્મપૂર્વક.
ઇન્દ્રને આવી ગયેલા અહંકારને તોડવા માટે ભગવાન શ્રીકૃષ્ણએ ત્રીજો યજ્ઞ કરવાનું કહ્યું, જે હતો બ્રાહ્મણોનો યજ્ઞ.
બ્રાહ્મણ એટલે એ સમયના એ શિક્ષકો. શિક્ષકોનું સન્માન જળવાય, આદર થાય, પૂજન થાય. જે આપણને જ્ઞાન આપે છે, મૂલ્યનિષ્ઠ શિક્ષણ દ્વારા આપણને સાચા માનવ બનવાની પ્રેરણા આપે છે એ શિક્ષકો, એ ગુરુઓ. તેમના આપણે ઋણી છીએ અને એટલા માટે તેમનો યજ્ઞ કરો, તેમને દક્ષિણા આપો, તેમને ભોજન આપો, તેમનો આદર કરો.
શિક્ષક નોકર નથી, શિક્ષક ગુરુ છે. એજ્યુકેશનનો જે યજ્ઞ છે એનું પરિણામ એ છે કે દરેક માણસ સાક્ષર હોય, શિક્ષિત હોય, દરેકમાં મૂલ્યનિષ્ઠા હોય. શિક્ષણ દ્વારા યોગ્ય ચરિત્ર નિર્માણ થાય એ માટેના પ્રયત્નો થાય ત્યારે એક સભ્ય, એક આદર્શ સમાજનું નિર્માણ થાય. નહીં તો ગમે એટલા કાયદાઓ બનાવીશું છતાં બળાત્કારો થતા રહેશે, છતાં ચોરીઓ થતી રહેશે, લૂંટફાટ થતી રહેશે. આજનો બાળક આવતી કાલનું ભવિષ્ય છે. કોઈએ કહ્યું, કોઈ પણ રાષ્ટ્રનું ભવિષ્ય શું છે એ તમે મને પૂછતા હો તો મને જોવા દો કે એ રાષ્ટ્રનાં બાળકોને કયા પ્રકારનું શિક્ષણ કેવી રીતે આપવામાં આવે છે. એ જોઈને હું તમને કહી દઈશ કે એ દેશનું અને એ દેશના સમાજનું ભવિષ્ય શું છે.
બ્રાહ્મણોના યજ્ઞ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણએ એ શિક્ષણનો યજ્ઞ સુચારુરૂપે ચાલે એ માટે વ્રજવાસીઓને પ્રેરણા કરી. કૃષ્ણને એટલા માટે આપણે જગતગુરુ કહીએ છીએ. આ બધું વર્તમાન સમયમાં પણ એટલી જ અગત્યની અને સુધારણા માગે છે. ભગવાન શ્રીકૃષ્ણના આ જીવનચરિત્ર દ્વારા તેમણે બતાવેલા માર્ગદર્શન મુજબ વર્તમાનમાં પણ સમાજ જો ચાલે તો માત્ર હિન્દુઓ નહીં, માત્ર ભારતનું નહીં, સમગ્ર વિશ્વનું કલ્યાણ થઈ શકે.