આપણા બધાના જીવનનો અમૂલ્ય સમય ક્યાં અને કેવી રીતે વેડફાઈ રહ્યો છે?

20 June, 2024 12:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પુષ્ટિમાર્ગમાં ચોર્યાસી અને બસો બાવન વૈષ્ણવોમાં એવા કેટલાય ભગવદીય વૈષ્ણવો થઈ ગયા છે જેઓ સત્સંગ વગર રહી શક્યા નથી

પ્રતીકાત્મક તસવીર

શ્રી હરિરાયજી ‘શિક્ષાપત્ર’માં સત્સંગ અને દુઃસંગનું સ્વરૂપ ખૂબ જ સચોટ રીતે સમજાવે છે. પાણીને ગરમ કરવું હોય તો સળગતા ચૂલા પર વાસણમાં પાણી ભરવું જોઈએ. વાસણ વિના સળગતા ચૂલા પર પાણીની ધાર કરવાથી પાણી ગરમ થતું નથી પણ ચૂલો જ ઓલવાઈ જાય છે. એવી જ રીતે ભગવદ્ભાવ એ અગ્નિ છે, સત્સંગ એ વાસણ છે અને દુઃસંગ એ પાણી છે. આપણા ભગવદ્ભાવને સાચવવા સત્સંગરૂપી પાત્રમાં દુઃસંગનું પાણી ઝીલીશું તો એ પાણી વરાળ બનીને ઊડી જશે. સત્સંગને લઈને દુઃસંગનો પ્રભાવ દૂર થશે, સાથે-સાથે સત્સંગથી ભગવદ્ભાવ વધશે; પરંતુ જો સત્સંગ નહીં હોય તો દુઃસંગ ભગવદ્ભાવને ઓલવી નાખશે. શ્રી હરિરાયજી એટલે નિત્ય સાચા વૈષ્ણવોનો સત્સંગ કરવાનો ઉપદેશ આપે છે.

શ્રી હરિરાયજીએ આપણા અસ્તિત્વને તેજોમય અને આનંદમય બનાવવા માટે સત્સંગનો સુંદર માર્ગ આપણને બતાવ્યો છે. પુષ્ટિમાર્ગમાં ચોર્યાસી અને બસો બાવન વૈષ્ણવોમાં એવા કેટલાય ભગવદીય વૈષ્ણવો થઈ ગયા છે જેઓ સત્સંગ વગર રહી શક્યા નથી.

દિનકરદાસ શેઠ શ્રીમહાપ્રભુજીના અનન્ય સેવક હતા. બાળપણથી જ તેમને સત્સંગનું વ્યસન લાગી ગયું હતું. એને લીધે તેમનાં ભાઈ-ભાભીએ તેમને પહેરેલાં કપડે ઘરમાંથી કાઢી મૂક્યા. પ્રભુકૃપાથી તેમને શ્રીમહાપ્રભુજીનો મેળાપ થયો. શ્રીમહાપ્રભુજીની વાક્સુધાનું રસપાન કરતાં તેમને ખાતરી થઈ કે મારા જીવનનો આનાથી વધારે મોટો કોઈ બીજો આનંદ હોઈ શકે જ નહીં. એક દિવસ શ્રીમહાપ્રભુજીએ કથા શરૂ કરી. દિનકરદાસ શેઠને કથામાં પહોંચવામાં મોડું થયું ત્યારે પૂરી રસોઈ થવાની રાહ જોયા વિના કાચી ભાખરી શેકીને ખાઈને કથાશ્રવણ માટે દોડી ગયા. શ્રીમહાપ્રભુજીને આ વાતની ખબર પડી ત્યારથી દિનકરદાસ શેઠના આવ્યા પછી જ શ્રીમહાપ્રભુજી કથાનો પ્રારંભ કરતા. આ રીતે જીવનભર કથાશ્રવણ દ્વારા તેમણે આનંદ પ્રાપ્ત કર્યો.

આજે આપણા બધાના જીવનનો અમૂલ્ય સમય ક્યાં અને કેવી રીતે વેડફાઈ રહ્યો છે? આપણે આપણા જીવન-વિકાસ પ્રત્યે સદંતર બેદરકાર રહીએ છીએ એટલે આજે જીવનમાં નરી ભૌતિકતા જ દેખાય છે, જીવન દિશાહીન બની ગયું છે.

કોઈ પણ પ્રકારના યોગ્ય આદર્શ વગર જીવનને યોગ્ય દિશા આપી શકાતી નથી. એટલે જ સમય અને ક્ષણની મહત્તા સમજાવતું એક વાક્ય છે...

ક્ષણ ક્ષણ મિલકર બન ગઈ સદિયા,

કણ કણ મિલકર બન ગઈ નદિયા

ક્ષણને સાચવે તે વિદ્વાન બને, કણને સાચવે તે ધનવાન બને. ગયેલો સમય પાછો આવતો નથી. જે સમયને સાચવે તેને સમય પણ સાચવે છે.

 

- વૈષ્ણવાચાર્ય ૧૦૮ શ્રી પૂજ્ય  દ્વારકેશલાલજી મહારાજશ્રી (લેખક શ્રીમદ્ વલ્લભાચાર્ય પ્રાગટ્ય પીઠ-ચંપારણ્યના ગૃહાધિપતિ તથા કાંદિવલીની દ્વારકાધીશજી હવેલીના ગાદીપતિ છે)

life and style culture news columnists