06 May, 2023 08:51 AM IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj
મિડ-ડે લોગો
ચારેક મહિનાથી પ્રવચન સાંભળવા માટે આવતા એક સિંધી યુવકના મનમાં વાત બેસી ગઈ કે કંઈક નક્કર પરિવર્તન જીવનમાં કરી દેવું અને તે એવા નિર્ધાર સાથે રૂબરૂ મળવા ઉપાશ્રય આવ્યો.
‘મહારાજસાહેબ, એક નિયમ લેવો છે...’ તેણે વાત આગળ ચલાવતાં કહ્યું, ‘સમ્યક્ સમજણના સહારે ઘણી બધી ખોટી ભ્રમણાઓથી મન મુક્ત થઈ રહ્યું છે, તો ઘણા ગલત આચારો પણ જીવનમાંથી રવાના થવા લાગ્યા છે છતાં હજી ઘણું કરવાનું બાકી રહી જતું હોય એમ લાગે છે. છેલ્લા કેટલાક સમયથી મનમાં એક ગડમથલ ચાલી રહી છે. ટીવી પર આવતાં પિક્ચરો જોવાનું તો લગભગ બંધ જ થઈ ગયું છે, પણ હવે થિયેટરમાં જઈને પિક્ચર જોવાનું પણ બંધ શા માટે ન કરી દેવું. પ્રવચનમાં મારી સાથે ધર્મપત્ની પણ આવી રહી છે, જીવનમાં જેકાંઈ ફેરફાર હું કરી શક્યો છું એમાં તેનો મને સંપૂર્ણ સહકાર છે, તો કેટલાક ફેરફારોમાં અમે બન્ને સાથે પણ છીએ. મારા મનમાં ચાલી રહેલા આ વિચારોની મેં તેને વાત તો કરી, પણ થોભો અને રાહ જુઓની વિચારણામાં હાલ તેનું મન વ્યસ્ત છે. આગળ, મારે એ વિચારને નિયમના સ્વરૂપમાં અમલી બનાવવો હોય તો એમાં તેની પ્રસન્નતા સંમતિ છે.’
યુવકે સહેજ શ્વાસ લઈને વાત આગળ વધારી,
‘મને તો નિયમ આપી જ દો કે જિંદગીભર થિયેટરમાં જઈને પિક્ચર જોવાનું બંધ અને આ નિયમ ધર્મપત્ની માટે નહીં...’ યુવકે ફરી વાર હાથ જોડ્યા, ‘તેના આગ્રહને વશ થઈને મારે ક્યારેક તેની સાથે પિક્ચર જોવા થિયેટરમાં જવું પડશે તો એટલા પૂરતી માત્ર નિયમમાં છૂટ ખરી, પણ એ છૂટ બદલ મારે દંડ તો અત્યારથી જ નક્કી કરી દેવો છે.’
‘દંડ કોનો રાખવો છે?’
‘બીજા દિવસે ઉપવાસ કરી દેવાનો...’
‘આ દંડની વાત પત્ની સાથે થઈ
ગઈ છે?’
‘પત્નીને પૂછવા ઘરે ક્યાં જવાનું છે?’ યુવકે કહ્યું, ‘તે અહીં જ બેઠી છે. મેં અહીં આવતાં પહેલાં નિયમ અને દંડની બન્ને વાત કરી દીધી છે, લેશ પણ કચવાટ વિના તેણે મને એમાં છૂટ આપી છે. આપ મને નિયમ આપી દો અને અમને બન્નેને આશીર્વાદ પણ આપો કે પવિત્રતા માટે પિક્ચર જોતા રહેવાના મનમાં જાગતા અભરખા પર કાયમ માટે પૂર્ણવિરામ મુકાય. આટલું પણ સત્ત્વ જો નહીં જાળવીએ તો પછી જીવનને ગલતથી મુક્ત કરી દેવાની સતત મળી રહેલી પ્રેરણાઓને યશ આપવાનું અમે કરીશું ક્યારે?’
એ સિંધી યુવકની પત્નીએ નિયમ લીધા વિના જ આજીવન પિક્ચર નહીં જોવાનો નિયમ લઈ લીધો એ વાતની ખુશી મને વધારે હતી.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)