પિતૃશ્રાદ્ધ કરવા માટે ચાણોદ જાઓ ત્યારે અહીંનાં પ્રાચીન મંદિરોનાં દર્શન કરશો તો વડવાઓ સાથે તમને પણ ખુશી મળશે

22 September, 2024 08:55 AM IST  |  Mumbai | Alpa Nirmal

ગુજરાતના ડભોઈ તાલુકાનું ચાણોદ ‘દક્ષિણી પ્રયાગ’ અને ‘ગુજરાતનું કાશી’ જેવાં ઉપનામ ધરાવે છે. આ સંગમસ્થળની ધરતીની પવિત્રતાનો અને પાવરનો ઉલ્લેખ પુરાણોમાં પણ છે. સનાતન ધર્મનાં અનેક દેવ-દેવીઓ અને ઋષિઓએ આ ભૂમિ પર તપસ્યા કરી છે

કાશીવિશ્વનાથ મંદિર

ઘણી વખત એવું થાય છે કે કોઈ સ્થળને સ્પેસિફિક રીતે જ યાદ કરાય છે અને એની મુલાકાત પણ એવા ચોક્કસ કારણસર જ લેવાય છે. ચાણોદની જ વાત કરોને. વડોદરા પાસે આવેલા આ સંગમતીર્થે પિતૃશ્રાદ્ધ કરવું હોય કે મરનાર વ્યક્તિની સરાવવાની વિધિ કરવી હોય તો જ જઈએ એ સિવાય નહીં. આપણી આવી માનસિકતાને કારણે જ આ તર્પણસ્થળનું મહત્ત્વ આપણે વીસરી ગયા છીએ અથવા ઇગ્નૉર કરીએ છીએ.

ખેર, શ્રાદ્ધપક્ષ શરૂ થઈ ગયો છે અને તમે ચાણોદ જવાના જ હો તો અહીંનાં પૌરાણિક મંદિરોનાં દર્શન ચોક્કસ કરજો. અરે, શ્રાદ્ધ દરમ્યાન જ શું કામ... ચાણોદ તીર્થભૂમિએ તો આખું વર્ષ જવાય. વળી એ આપણાથી ઢૂંકડુંય છે.

ચાણોદના ઇતિહાસને ઉખેડીએને તો એના છેડા શંકર-પાર્વતીને અડે, પણ એ પહેલાં વાત કરીએ આ ગામના નામકરણની. મહાદેવી પાર્વતીમાના રૌદ્ર સ્વરૂપ દુર્ગામાએ સપ્તમાતૃકાઓનું નિર્માણ કર્યું, જેમાંના ચામુંડેશ્વરી કે ચામુંડામાતા આદિપરાશક્તિનું રૌદ્ર સ્વરૂપ.

શુમ્ભ અને નિશુમ્ભ અસુરોએ દેવરાજ ઇન્દ્ર પાસેથી ત્રણેય લોકનું રાજ્ય છીનવી લીધું અને ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો ત્યારે એનો નાશ કરવા દેવી પાર્વતીના શરીરમાંથી જગતજનની જગદંબા પ્રગટ થયાં અને તેમના વિવિધ અંશમાંથી ૭ શક્તિરૂપે ૭ માતાજી અવતર્યાં. એમાંથી કૌશકીદેવીએ શુમ્ભ-નિશુમ્ભ સાથે યુદ્ધનો આરંભ કર્યો અને એ દૈત્યોના સેનાપતિનો વધ કરી નાખ્યો. આથી ક્રોધાવશ એ રાક્ષસોએ ચંડ અને મુંડ નામના બે મહાશક્તિશાળી અસુરોને માતૃશક્તિ સાથે લડવા મોકલ્યા અને ચામુંડામાતાએ ચંડ અને મુંડના માથાં ધડથી કાપી નાખ્યાં. ચામુંડામાતાનો તલવારનો એ પ્રહાર એવો જોરદાર હતો કે છેક હિમાચલના પહાડ પરથી ચંડ રાક્ષસનું માથું આ ક્ષેત્રમાં પડ્યું અને એ સ્થળને નામ મળ્યું ચંડીપુર, જે કાળક્રમે અપભ્રંશ થઈને ચાણોદ કે ચાંદોદ નામે જાણીતું છે. ચાણોદમાં ચંડિકા માતાનું મંદિર છે જે સવારે ૭થી રાતે ૮ વાગ્યા સુધી ખુલ્લું રહે છે. મંદિર બહુ જૂનું નથી, પરંતુ અહીંના પરિસરમાં પ્રવેશતાં જ માતાની છત્રછાયામાં આવીને સુરક્ષિત થઈ ગયાની લાગણી થાય છે.

 હવે, આ મંદિરની નજીક આવેલા કપિલેશ્વર મહાદેવ મંદિરની વાત કરીએ. 

સપ્તઋષિમાંના એક કશ્યપ ઋષિ, જેઓ બ્રહ્માના માનસપુત્ર પણ ગણાય છે અને દક્ષ પ્રજાપતિએ તેમની ૧૩ પુત્રીઓને આ વિદ્વાન ઋષિ સાથે પરણાવી હતી. એ ઉપરાંત તેમને અન્ય પત્નીઓ હતી જેમાંથી કપિલા સાથે કશ્યપ ઋષિને કપિલ નામે પુત્ર થયો. આ કપિલ પ્રખર તપસ્વી હતા. નર્મદા નદીનું તટીય ક્ષેત્ર સર્વ સિદ્ધિ દેનારું જણાતાં કશ્યપજીના પુત્ર કપિલમુનિ આ ભૂમિ પર આવ્યા અને ફક્ત સૂકાં પાંદડાં આરોગી દીર્ઘ સમય સુધી અહીં તપસ્યા કરીને કપિલેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી. હાલમાં વિદ્યમાન શિવમંદિર ૧૦૦૦ વર્ષ પૂર્વેનું બનેલું કહેવાય છે અને અત્યારે પણ અડીખમ છે, કારણ કે સમયે-સમયે એની મરમ્મત થઈ છે. ૧૬ સ્તંભો અને રામાયણ-મહાભારતનાં દૃશ્યોનાં ભીંતચિત્રો ધરાવતું આ શિવાલય શિવરાત્રિ અને શ્રાવણ મહિનામાં ગાજે છે. આજુબાજુનાં ગામમાંથી શિવભક્તો મહાદેવજીને ભેટવા આવે છે અને જળાભિષેક કરી પાવન થાય છે. શ્રાવણ મહિનામાં તો આ શિવમંદિરની બાજુમાં આવેલી ત્રિકમજીની હવેલીયે ઝાકમઝોળ હોય છે. ૪૫૦ વર્ષ પહેલાં ૬૦૦૦ સ્ક્વેર ફીટમાં આ મંદિરનું નિર્માણ ગાયકવાડવંશીય ગોવિંદરાવે કરાવડાવ્યું છે. કહેવાય છે કે આ મંદિરમાં બિરાજમાન વિષ્ણુ ભગવાનની વામન સ્વરૂપ મૂર્તિ નર્મદા નદીના ચક્રપાણી ઘાટ પરથી પ્રાપ્ત થઈ છે. સવારે સાતથી સાડાબાર અને સાંજે સાડાચારથી સાડાસાત વાગ્યા સુધી ખુલ્લા રહેતા આ મંદિરમાં શેષનારાયણ રૂપે બીજી વિષ્ણુ મૂર્તિ પણ છે અને એ પણ પ્રભાવી છે. વડોદરા સ્ટેટના રાજવી કાશિનાથ ગાયકવાડે અહીં કાશીવિશ્વનાથ મહાદેવનું મંદિર બનાવડાવ્યું હતું જે ખૂબ પ્રસિદ્ધ હોવા સાથે મોસ્ટ વિઝિટેબલ પણ છે. શ્રાદ્ધકર્મ કરવા આવતા મોટા ભાગના યાત્રાળુઓ આ મંદિરે દર્શન કરવા આવે છે.

નર્મદાના તીરે વસેલા ચાણોદમાં

ઠેર-ઠેર ભોલેનાથનાં  બેસણાં  છે. મુખ્ય ઘાટથી બે કિલોમીટરના અંતરે આવેલું ગંગનાથ મહાદેવનું કનેક્શન મહાભારતકાળ સાથે જોડાયેલું છે. કહેવાય છે કે ગંગાજીએ પાંચ પાપમાંથી મુક્તિ મેળવવા સફેદ વાછરડીનું રૂપ લઈને નર્મદા નદીમાં આ સ્થળે સ્નાન કર્યું હતું અને ભોલેનાથે સ્વયં અહીં પ્રગટ થઈને એ પાપોમાંથી ગંગા નદીને મુક્તિ આપી હતી. એમ પણ કહેવાય છે કે આજે પણ દર વર્ષે વૈશાખ સુદ સાતમે ગંગા નદી નર્મદામાં સ્નાન કરવા આવે છે અને પાપમાંથી મુક્ત થઈ પવિત્ર થાય છે. જોકે કાળાંતરે આ  સ્થળ જર્જરિત થઈ ગયું હતું, પરંતુ અંગ્રેજોના રાજ્યકાળમાં સંત બ્રહ્માનંદજી નર્મદાની પરિક્રમા કરતાં-કરતાં અહીં આવ્યા અને ગંગેશ્વર મહાદેવનો પ્રભાવ, માતા નર્મદાની પવિત્રતા અને સમસ્ત વાતાવરણની શાંતિ અને સુકૂનથી પ્રભાવિત થઈ અહીં જ સ્થાયી થઈ ગયા હતા. આ સ્વામીજીએ ભારતની સ્વાતંત્ર્ય ચળવળમાં પણ પરોક્ષ રીતે અનન્ય ફાળો આપ્યો હતો. અનેક ક્રાન્તિકારીઓ બ્રિટિશ સેનાથી બચવા બાબાના આશ્રમમાં શરણું લેતા. વખત જતાં આ સ્થળ ક્રાન્તિકારીઓનું મીટિંગ-સ્પૉટ બની ગયું હતું જેના વિશે અંગ્રેજોને ખબર પડતાં તેઓએ મંદિરનો કબજો લઈ લીધો અને ૬૬ વર્ષ સુધી મંદિર પર તેમનો પહેરો રાખ્યો હતો. બ્રિટિશરો પાસેથી મંદિરનો કબજો પાછો મેળવવા સ્વામીજી અને તેમના શિષ્યોએ ગોધરા કોર્ટમાં કેસ કર્યો હતો અને લાંબી લડત બાદ સ્વામી કેશવાનંદજીને મંદિર પાછું મળ્યું હતું. પોતાની સત્તા દરમ્યાન ઇંગ્લિશ ઑફિસરોએ મંદિરના પુસ્તકાલયમાં રાખેલા અનેક અલભ્ય ગ્રંથો, પુસ્તકો અહીંથી ઇંગ્લૅન્ડ લઈ ગયા હતા જે લંડનની લાઇબ્રેરીમાં આજે પણ જોવા મળે છે.

બટ, અફસોસ... આ પવિત્ર અને પાવરફુલ સ્થળે ચાણોદ આવતા જૂજ યાત્રાળુઓ જ જાય છે, કારણ કે એ મુખ્ય ઘાટથી થોડું દૂર છે અને હઈશો-હઈશો કરી એક દિવસમાં પોતાના ઘરે પાછો જનારો યાત્રી આ સુંદરતમ સ્થળને સ્કિપ કરી દે છે. હા, ગંગેશ્વર મહાદેવથી બીજા દોઢ કિલોમીટરે આવેલા બદ્રીકાશ્રમમાં શ્રાવણ મહિના અને અધિક મહિનામાં ભાવિકો હોય છે. અન્યથા વિષ્ણુ, મહેશ, મહાલક્ષ્મીજી અને સોહમ યંત્ર ધરાવતું આ મંદિર ખાલી જ હોય છે. જોકે નરનારાયણ તપ કરનારા અનેક ભક્તો અહીં આવતા રહે છે.

ચાણોદ ગામથી બોટમાર્ગે ચાર કિલોમીટર અને સડકમાર્ગે સાડાપાંચ કિલોમીટર કરનાલી ગામે આવેલાં અનસૂયા માતાજી પણ ભક્તોની રાહમાં રહે છે. માતા અનસૂયાજીની કહાની પણ ખૂબ દિલચસ્પ છે. અત્રિમુનિનાં પત્ની અનસૂયાજીને દેવપુત્રની માતા બનવું હતું એ સબબે તેમણે ચિત્રકૂટમાં કઠિન તપ કર્યું, પરંતુ ઇચ્છિત ફળ ન મળતાં તેઓ નર્મદાકિનારે આવ્યાં અને અહીં તપ-જપ, અતિથિ-સત્કાર તેમ જ ઋષિપતિની ખૂબ ભક્તિ કરતાં-કરતાં અનસૂયાદેવીના તપનો પ્રભાવ અત્યંત વધી ગયો. તેમનું તેજ અને સત્ત્વ એટલું પ્રબળ થઈ ગયું કે ખુદ ઇન્દ્રને પોતાનું રાજ્ય છીનવાઈ જવાનો ભય લાગ્યો. એથી ઇન્દ્રદેવે ઋષિ નારદને દેવી અનસૂયાના તપોભંગ માટે કશુંક કરવાનું કહ્યું. નારદજીએ બ્રહ્મા, વિષ્ણુ, મહેશને બ્રાહ્મણોનું રૂપ ધારણ કરી દેવી પાસે મોકલ્યા. અનસૂયાજી અતિથિ-સત્કાર માટે તો પ્રખ્યાત હતાં જ. તેઓ વિનય ધરી ત્રણે ભૂદેવોને ભિક્ષા આપવા ગયાં. ત્યારે એ ત્રિદેવોએ શરત કરી કે અનસૂયાજી જો નિર્વસ્ત્ર થઈને ભિક્ષા આપે તો જ ભૂદેવો એ ગ્રહણ કરશે. ઋષિપત્ની તો ધર્મસંકટમાં મુકાઈ ગયાં, હવે શું કરવું? બ્રાહ્મણોને નારાજ ન કરાય અને લાજ પણ ન મુકાય ત્યારે દેવીએ પોતાની તપસિદ્ધિના પ્રતાપે  ત્રણેય દેવોને નાનાં બાળક બનાવી દીધધાં અને એ પછી ભિક્ષા આપી. પૂરા ૬ મહિના એ દેવો અહીં બાળકસ્વરૂપે રહ્યા. બ્રહ્મા, વિષ્ણુ, શંકર દીર્ઘકાળ સુધી પાછા ન આવતાં લક્ષ્મી, પાર્વતી, સરસ્વતીજી પોતાના પતિદેવોને લેવા અનસૂયામાતાના આશ્રમે પહોંચ્યાં ત્યારે માતાએ ત્રણેત્રણ બાળકો તેમને સોપ્યાં; પણ લક્ષ્મી, પાર્વતી, સરસ્વતીજી એમાંથી તેમના પતિ કોણ છે એ ઓળખી ન શક્યાં અને દેવી અનસૂયાને જ વિનંતી કરી કે તેમના પતિઓને અસલ સ્વરૂપમાં લાવો. આવું કરતાં એ ત્રણે દેવપત્નીઓએ ખુશ થઈ મા અનસૂયાને વરદાન માગવા કહ્યું ત્યારે માતા અનસૂયાએ માગ્યું કે આ ત્રણેય દેવ મારા પુત્ર બનીને રહે અને બ્રહ્માએ ચન્દ્રરૂપે, વિષ્ણુએ દત્ત અને મહાદેવે દુર્વાસા રૂપે સતીને ત્યાં અયોનીજ જન્મ ધર્યા.

આવાં ઉચ્ચ તપસ્વી અને ચરિત્રવાન દેવીનું મંદિર અહીં છે અને મંદિરની સામે ગંગાકુઈ છે. કહે છે કે આ પ્રદેશમાં દુકાળ પડ્યો હતો અને ક્યાંય પાણીનું ટીપું નહોતું ત્યારે પતિને તરસ લાગતાં અનસૂયાજીએ અહીં ગંગાજી પ્રગટ કર્યાં હતાં.

આ સ્થળથી બોટમાં બેસીને નજીક આવેલા ટાપુ પર વ્યાસબેટ મહાદેવ છે ત્યાં જવાય. અહીં ભગવાન સ્વામીનારાયણ ૧૧ વર્ષની ઉંમરે આવ્યા હતા અને મહાદેવજીની પૂજા કરી હતી. કહેવાય છે કે વ્યાસબેટ, દત્તાત્રેય મંદિર અને અનસૂયા મંદિરનાં દર્શન કર્યા બાદ જ ચાણોદની તીર્થયાત્રા પૂરી થાય છે.

પૉઇન્ટ્સ ટુ બી નોટેડ

નર્મદા, ઓરસંગ અને સરસ્વતી નદીનો સંગમ થવાથી આ સ્થળ મોક્ષતીર્થ પણ કહેવાય છે. અને એને કારણે પિતૃઓનું શ્રાદ્ધ અહીં કરવાથી તેઓ જન્મ-મરણના ફેરામાંથી મુક્ત થઈ મોક્ષ પામે છે.

આવી ધાર્મિક માન્યતા હોવાથી અહીં બારેમાસ યાત્રાળુઓનું આવાગમન રહે છે અને શ્રાદ્ધપક્ષમાં તો ભારે ધસારો રહે છે. મુંબઈથી વડોદરા ટ્રેનમાં અને ત્યાંથી સરકારી પરિવહન કે પ્રાઇવેટ વાહનમાં ૬૦ કિલોમીટરનું ડિસ્ટન્સ કાપતાં ચાણોદ પહોંચી શકાય છે. ચાણોદ ગામથી નર્મદા તટના ત્રિવેણીસંગમે જવા બોટસવારી કરવી પડે છે અને મૅન્યુઅલ હલેસાંથી ચાલતી બોટમાં ૧૦ મિનિટ ટ્રાવેલ કરીએ એટલે પુણ્યનગરી ઇઝ હિયર.

રહેવા માટે ચાણોદમાં થોડાં ગેસ્ટહાઉસ અને સામાન્ય ધર્મશાળાઓ છે. બાકી અહીંથી નજીક આવેલા પોઇચા ગામમાં સ્વામીનારાયણ મંદિરની સગવડયુક્ત ધર્મશાળા છે અને લક્ઝરી સ્ટે કરવો હોય તો રાજપીપળાનો પૅલેસ-કમ-હૉલનો ઑપ્શન પણ છે. હવે ફૂડ ફૅસિલિટીની વાત કરીએ તો ગુજરાતમાં ખાવા-પીવાનો કોઈ પ્રૉબ્લેમ જ નથી, પરંતુ બપોરે જમવાનો ટાઇમ પત્યા બાદ

અહીં એકેય રેસ્ટોરાં ખુલ્લી નથી હોતી. માટે બેટર કીપ સમ સ્નેક્સ વિથ યુ.

ચાણોદની આજુબાજુના વિસ્તારમાં આવેલું હરસિદ્ધિ માતાજી મંદિર સાથે ગરુડેશ્વર, ભાદરાવ દેવનાં દેવાલયો પણ અલૌકિક છે. એની જાત્રા આપણે સેકન્ડ વિઝિટમાં કરીશું. એ સાથે જ દર્ભાવતી નગરી (ડભોઈ)ના જૈન દેરા, હવેલીઓ, કિલ્લો, ચાંપાનેર, પાવાગઢ, રાજપીપળા અને સ્ટૅચ્યુ ઑફ યુનિટી ચાણોદની આડોશપાડોશમાં જ છે.

culture news life and style columnists alpa nirmal