21 November, 2024 07:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
માનવ પોતાના મૂળ સ્વભાવને અનુસરે એનું નામ ધર્મ. જ્ઞાની પુરુષોએ કહ્યું છે...
માનસં સર્વ ભૂતાનાં ધર્મમાહુર્મનીષિણઃ
માનવની સ્વાભાવિક સાત્ત્વિક પ્રવૃત્તિ અને મનથી સમસ્ત જગતનાં પ્રાણીઓનું કલ્યાણ ઇચ્છવું એનું નામ ધર્મ અને આવું આચરણ જે કરતો હોય તેને ધાર્મિક કહેવાય અને આવા ધર્મવાન વ્યક્તિને ધર્મથી સુખ પ્રાપ્ત થાય છે. આપણા હિન્દુ શાસ્ત્રમાં ધર્મ માત્ર ક્રિયા નથી; ધર્મ સ્વભાવ છે, ધર્મ વિચાર છે, ધર્મ આચાર છે, ધર્મ માનવની પ્રકૃતિ છે, ધર્મ અંતઃકરણ છે. જો આ બધામાં ધર્મ ન હોય અને વિશ્વકલ્યાણની ભાવના માનવ ન કરતો હોય અને પ્રત્યેક પ્રાણી પ્રત્યે પ્રેમ અને સમભાવ ન હોય તો તેની ધર્મક્રિયા કે પૂજાપાઠ રાખમાં હવન કરવા જેવું છે. એટલે જ ભગવાન કૃષ્ણએ માનવજાતને સૂચના આપી છે...
યઃ શાસ્ત્ર વિવિધમુત્સૃજ્ય વર્તતે કામ કારતઃ
નસ સિદ્ધિ મવપ્નોતિ ન સુખં ન પરાં ગતિમ્
જે અવિવેકી વ્યક્તિ શાસ્ત્રવિધિનો ત્યાગ કરીને એટલે કે ધર્મના નિયમોનો ત્યાગ કરીને પોતાને ફાવે એમ સ્વચ્છંદતાથી વર્તે અને ધર્મના નિયમોનો ભંગ કરીને જે જીવી રહ્યો છે તેને ક્યારેય સિદ્ધિ, સુખ કે ઉત્તમ ગતિ પ્રાપ્ત થતાં નથી. કૃષ્ણ ભગવાનના આ કથન પરથી એક વાતનો તો ખ્યાલ આવી જાય કે માનવ ધાર્મિક હોવા છતાં તેને સુખ-શાંતિ કે ગતિ ન મળી હોય તો તેણે ધર્મનો માત્ર દંભ કર્યો હશે, શાસ્ત્રના નિયમોનો ત્યાગ કર્યો હશે, અન્યથા તેને સુખ મળવું જ જોઈએ, પણ ધર્માચરણ માત્ર દંભ બની જાય અને માત્ર ને માત્ર પ્રદર્શનની વસ્તુ બનાવી દેવામાં આવે ત્યારે એનું પરિણામ મળતું નથી. એથી પ્રત્યેક માનવે પોતાના નિજ ધર્મ (સ્વધર્મ)માં પ્રીત રાખવી એટલે કે તેનું દૃઢપણે પાલન કરવું. આ પ્રત્યેક માનવની જરૂરિયાત અને ફરજ પણ છે. જો તેને સુખ-શાંતિ અને પરમતત્ત્વની ખોજ હોય તો તેને ધર્મવાન બનવું જોઈશે. ભક્તિમાર્ગમાં ભગવાન અલગ છે અને જ્ઞાનમાર્ગમાં જ્ઞાની સ્વયં બ્રહ્મરૂપ છે. આ સગુણ અને નિર્ગુણ બન્નેની પ્રાપ્તિ ધર્મ દ્વારા જ થાય છે. મહાભારતમાં આત્મજ્ઞાનને પણ માનવનો સાધારણ ધર્મ માનવામાં આવે છે.
આત્મજ્ઞાનં તિતિક્ષા ચ ધર્મઃ સાધારણો મતઃ
આત્મજ્ઞાન અને ધૈર્ય જેવું સુખ આ સંસારમાં ક્યાં મળવાનું છે! આખો સંસાર સવારથી સાંજ સુધી, સોમવારથી રવિવાર સુધી, એક તારીખથી ૩૧ તારીખ સુધી, બેસતા વર્ષથી દિવાળી સુધી અને બાળપણથી બુઢાપા સુધી બસ સુખ જ શોધ્યા કરે છે અને છતાં એ મળ્યું નહીં કારણ કે તેની ખોજ અવળી દિશામાં છે. તમામ પ્રકારનાં પ્રાણીઓની પ્રવૃત્તિ સુખ માટે હોય છે, પણ સુખ ધર્મપાલન વિના મળતું નથી. ધર્મપરાયણતા જ માનવના જીવનને સુખથી ભરી દે છે.
- આશિષ વ્યાસ