13 November, 2024 04:59 PM IST | Vadodara | Swami Satchidananda
પ્રતીકાત્મક તસવીર
નાદુરસ્ત તબિયત અને ઉંમરના કારણે આમ તો હવે બહાર જવાનું ટાળું છું, પણ અનિવાર્ય સંજોગોમાં ક્યારેક બહાર જવું પડે. હમણાં એવા જ સંજોગો વચ્ચે વડોદરા જવાનું થયું. જે યજમાન સાથે હું ગાડીમાં હતો એ યજમાનની ગાડી સિગ્નલ પર ઊભી રહી કે તરત એક નાનો છોકરો ભિક્ષા લેવા માટે એની પાસે આવી ગયો. પેલા ભાઈ છોકરાને પૈસા આપવા જતા હતા કે તેમનાં ધર્મપત્નીએ તેમને રોકી દીધા અને કહ્યું કે પૈસા નહીં આપતા, આ છોકરાઓ પૈસામાંથી તમાકુ ખાય છે! મને કહેવાનું મન થયું કે બહેન, તમે આપો છો એ છોકરાને એક રૂપિયો કે બે રૂપિયા, આટલા રૂપિયામાં તે ક્યાંથી કાજુ-બદામ લઈને ખાવાના! પણ મેં સંયમ રાખ્યો અને નક્કી કર્યું કે આ વિષય પર અહીં આ કૉલમમાં વાત કરવી.
આજે મોટા ભાગનાં ઘરોમાં હું જોતો થયો છું કે કોઈને મદદ કરવા માટે એક હાથ લંબાય કે તરત જ બીજી વ્યક્તિ આવીને તેને ટોકે, રોકે. ખાસ કરીને ભીખ આપવાની બાબતમાં. આ જે રોકવાની પ્રક્રિયા છે એ ધર્મની દૃષ્ટિએ જ નહીં, કર્મની દૃષ્ટિએ પણ પાપ છે. બીજી વાત, જે દલીલ કરવામાં આવે છે કે આ છોકરાઓ મળતી ભીખમાં પોતાનું વ્યસન સંતોષે છે તો એ બાબતનો એક જવાબ તો આગળ તમને આપ્યો જ કે જે રકમની ભીખ મળે છે એ રકમમાં બિસ્કિટનું એક પૅકેટ નથી આવતું, એ બાપડા કેવી રીતે પોતાનું પેટ ભરે. તમાકુ, ગુટકા, સિગારેટ, બીડી એવાં વ્યસન છે જે ભૂખ મારવાનું કામ કરે છે. હાથમાં રૂપિયાનો સિક્કો આવ્યો હોય ને પેટમાં કૂવા જેવો ભૂખનો ખાડો પડ્યો હોય તો એ ભરવા માટે તેની પાસે વ્યસનનો આશરો લીધા વિના છૂટકો જ નથી. યાદ રહે, સંસારી માટે વ્યસન શોખ છે, ચટાકો છે પણ ભીખ માગતા છોકરાઓ માટે વ્યસન જરૂરિયાત છે, આવશ્યકતા છે. વ્યસનથી જ તેમનું જીવન ટકેલું રહે છે. વ્યસન ન કરવું જોઈએ એ નરી વાસ્તવિકતા છે, પણ ભારતમાં વ્યસન કરનારા બે પ્રકારના લોકો છે, જેમાંથી મોટો વર્ગ જે છે એ જરૂરિયાતવાળો છે. વૉચમૅન રાતના સમયે બેચાર બીડી ફૂંકીને શિયાળાની ઠંડી ભગાડે છે, કારણ કે તેની પાસે ઠંડી રોકવા માટે કપડાં નથી. આવી મજબૂરી હોય એવા સમયે વ્યસનને ખરાબ નજરે જોવાને બદલે તમારે તમારા દેશની કથળતી પરિસ્થિતિ વિશે વિચારવું જોઈએ અને આર્થિક સહાયની ક્ષમતાને બહોળી કરવી જોઈએ. આ જ સાચું જીવન દશર્ન છે અને આ જ સાચું ધર્મ દર્શન છે.