સંસાર છોડીને ભાગનારાઓ સંસાર વચ્ચે ફરે છે ને મોક્ષની વાત કરે છે

15 October, 2024 02:44 PM IST  |  Mumbai | Swami Satchidananda

નાનાં-નાનાં ઘરોમાં બે-પાંચ માણસો સાથે રહે તેને ગૃહસ્થ કહેવાય, પણ વિશાળ-ભવ્ય મોટાં ઘરોમાં ૨પ-પ૦ કે ૧૦૦-૧૦૦૦ માણસો સાથે રહે, દરરોજ ઉત્સવ ઊજવે તો તેને ત્યાગી ગણી લેવામાં આવે! શું આ વાજબી વાત કહેવાય, શું આ યોગ્ય કહેવાય? 

પ્રતીકાત્મક તસવીર

મને કહેવાતા બાવા, ભૂવા સામે બહુ વિરોધ છે. તમે જ વિચારીને સાચો જવાબ આપજો. નાનાં-નાનાં ઘરોમાં બે-પાંચ માણસો સાથે રહે તેને ગૃહસ્થ કહેવાય, પણ વિશાળ-ભવ્ય મોટાં ઘરોમાં ૨પ-પ૦ કે ૧૦૦-૧૦૦૦ માણસો સાથે રહે, દરરોજ ઉત્સવ ઊજવે તો તેને ત્યાગી ગણી લેવામાં આવે! શું આ વાજબી વાત કહેવાય, શું આ યોગ્ય કહેવાય? 

આજના સમયમાં લગભગ આવી સ્થિતિનું નિર્માણ દરેક જગ્યાએ થઈ ગયું છે. આશ્રમના નામે તેમને મહાલયો જોઈએ છે અને ઉપવાસના નામે તેમને સૂકા મેવાના થાળ જોઈએ છે. વાતો ત્યાગની કરવી છે અને એ પછી પણ આંખોમાં ગેરવાજબી રીતે સાપોલિયાં રમાડ્યા કરવાં છે. શું આ રીતે મોક્ષ મળે? સંસાર છોડીને ભાગનારાઓ આજે સંસાર વચ્ચે પણ ફરે છે અને વારંવાર શહેરોમાં કે પછી ભાવિકો વચ્ચે આવે છે. જો તમને દુનિયાદારી જોઈતી જ નહોતી તો તમે આજે આ બધાં ભક્તો અને ભક્તાણીઓ વચ્ચે શું કામ આવી ગયા છો. સંસાર છોડીને જનારા મોટા ભાગના આ બાવાઓ સંસારમાં જ પાછા આવે છે અને સંસારમાં પાછા આવીને મોક્ષ કેવી રીતે લેવાનો હોય એનું શિક્ષણ આપે છે. રગેરગ ખોટા લોકો છે એ, મહાલયો જેવા આશ્રમોના માલિક બનીને બેસી ગયેલા આ બાવાઓ કેવી રીતે એ વાત ભૂલી જાય છે કે આ બધા ભવ્ય મહાલયોને ચલાવવા-નિભાવવા પૈસો જોઈએ. 

હકીકત એ છે કે તે ભૂલ્યા નથી અને એટલે જે-તે મહાલયોને ચલાવવા માટે તેમણે સંપત્તિ ભેગી કરી છે. હજારો એકર જમીનો વગેરે પ્રાપ્ત કરાઈ. ગૃહત્યાગ અને ધનત્યાગ ઊલટો થઈ ગયો. બેશક, આવાં કેટલાંય સ્થાનોમાં હવે માનવતાનાં કાર્યો પણ થવા લાગ્યાં છે. થોડાક ત્યાગીઓ વ્યક્તિગત મોક્ષની પરવા કર્યા વિના લોકકલ્યાણના માર્ગમાં પણ લાગ્યા છે એ ખરેખર વંદનીય છે, તેમને બે હાથ અને એક મસ્તક સાથે વંદન, પણ અફસોસની વાત એ છે કે આ સંખ્યા હજી ઘણી થોડી છે. જરૂર છે સંપૂર્ણ માળખામાં આમૂલ પરિવર્તનની. મહાત્મા ગાંધીએ ત્યાગીઓની જગ્યાએ રચનાત્મક કાર્યો કરનારા કાર્યકર્તાઓની રચના કરી, જેમણે લોકહિતનાં અનેક કાર્યો કર્યાં. નિષ્ક્રિય અને પરાવલંબી ત્યાગીઓને કાર્યકર્તા બનાવી શકાય તો ત્યાગ ધન્ય થઈ જાય. ભારત પાસે ત્યાગીઓની મોટી સંખ્યા છે, જો તેમને કાર્યકર્તા બનાવી શકાય તો બહુ મોટું કાર્ય થઈ શકે. 

જરૂર છે વિચારક્રાન્તિની અને જ્યારે પણ એ દિશામાં કામ થશે ત્યારે ખરેખર સર્વશ્રેષ્ઠ પરિણામ મળશે એ નક્કી છે.

culture news mahatma gandhi life and style swami sachchidananda