કાળાં પાણીની કંપી જવાય એવી સજા ભોગવનારા ક્રાન્તિવીરોને સરકારે શું આપ્યું?

23 July, 2024 07:46 AM IST  |  Mumbai | Swami Satchidananda

કેદીઓ પર જાતજાતના જુલમો થાય. તેમને નગ્ન કરીને ફટકા મારવામાં આવે. ઊભા ડંડાવાળી બેડી પહેરાવાય, સાંકડી બેડી પહેરાવાય જેથી માત્ર છ ઇંચ જ ડગલું ભરી શકાય

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં અંગ્રેજી રાજ્ય આવ્યું એ પહેલાં બહુ થોડા કાયદા હતા અને તરત જ સજા થઈ જતી, જેમાં કેટલીક અતિ ક્રૂર પણ હતી. એ ક્રૂર સજામાં એક હતી ‘કાળાં પાણી’ની. ફાંસીથી ઊતરતી આ સજા માટે બંગાળના ઉપમહાસાગરમાં આવેલા આંદામાન-નિકોબાર જેવા અનેક નિર્જન ટાપુઓને અંગ્રેજોએ કબજે કર્યા અને ત્યાં આ સજાની વ્યવસ્થા કરી.

ભારતથી દૂર નિર્જન જંગલમાં કેદીને સેલ્યુલર જેલની કાળી કોટડીમાં ધકેલી દેવામાં આવતો. આ જેલ મેં જોઈ છે. કોટડીમાં પુરાયેલા કેદીને કશું જ દેખાય નહીં. હવા માટેની એક સાવ નાની બારી. એ પણ સાત-આઠ ફુટ ઊંચી. એમાંથી હવા તો આવે, પણ કશું જોઈ શકાય નહીં. આવી કોટડીમાં પૂરું જીવન પસાર કરવું કેટલું અસહ્ય થઈ જાય! બહુ થોડું—માપનું જ પાણી મળે અને ઝાડો-પેશાબ કરવો પડે તો કોટડીમાં વાસણોમાં જ કરવાનો. કોઈની સાથે કશી વાતચીત નહીં. કશું દેખાય નહીં. આવી કોટડીમાં ક્રાન્તિવીરોએ વર્ષો કાઢેલાં હતાં. કેટલાકે તો પૂરું જીવન પસાર કર્યું હતું. શું થયું હશે?

પાછું દિવસે સખત મજૂરી કરવાની, તેલની ઘાણીઓ ચલાવવાની. નક્કી કરેલું તેલ કાઢવું જ પડે. આ ઘાણીઓ મેં જોઈ હતી. કેદીઓ પર જાતજાતના જુલમો થાય. તેમને નગ્ન કરીને ફટકા મારવામાં આવે. ઊભા ડંડાવાળી બેડી પહેરાવાય, સાંકડી બેડી પહેરાવાય જેથી માત્ર છ ઇંચ જ ડગલું ભરી શકાય. અઢી બાય અઢી ફુટના બૉક્સમાં પૂરી દેવાય જેમાં દિવસો અને મહિનાઓ સુધી ટૂંટિયું વાળીને જ રહેવાનું. ક્રાન્તિવીર વિનાયક દામોદર સાવરકર આ જેલમાં વર્ષો સુધી રહ્યા હતા. તેમના સગા ભાઈ ગણેશ સાવરકર પણ અહીં રહ્યા હતા. એક વર્ષ સુધી બન્ને ભાઈઓને એકબીજાને અહીં રહેવાની ખબર પડી નહોતી! આપણું રોમેરોમ કાંપી ઊઠે એવી યાતનાભર્યું જીવન સ્વતંત્રતાના આ ક્રાન્તિવીરોએ ભોગવ્યું હતું. આઝાદી પછી આ બધા ભુલાઈ ગયા. કોઈ તેમને યાદ પણ કરતું નથી.

જે લોકો અહિંસક કાર્યકરો હતા તેઓ પણ જેલમાં ગયા હતા, પણ એમાંથી કોઈને ફાંસી કે કાલા પાનીની જેલ થઈ હોય એવું સાંભળ્યું નથી. આઝાદી પછી તેમનું બહુમાન થયું, તેમનાં પેન્શન બંધાયાં, રેલવેના પાસ મળ્યા. બીજું પણ ઘણું મળ્યું, પણ ફાંસીએ લટકનારા કે કાલા પાનીની સજા ભોગવનારા સ્વાતંત્ર્યવીરોને કંઈ મળ્યું હોય એવું જાણવા મળ્યું નથી. આ બધાના વારસદારો અત્યારે શું કરે છે અને ક્યાં રહે છે એની કોઈ તપાસ પણ કરતું નથી, કશી ખબર નથી. તેમના માટે કોઈ અનામત નથી, કોઈ પૅકેજ નથી. આટલી હડહડતી ઉપેક્ષા અને તિરસ્કાર ભાગ્યે જ બીજા કોઈ દેશમાં થયાં હશે. મારી દૃષ્ટિએ આ રાષ્ટ્રીય મહાપાપ કહેવાય જેના માટે હવે પ્રયાસપૂર્વક પ્રાયશ્ચિત્ત થવું જોઈએ.

culture news life and style columnists