16 March, 2024 08:35 AM IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj
પ્રતીકાત્મક તસવીર
એ યુવક ધંધાનો ખેલાડી તો છે જ અને સાથોસાથ તે તરવરિયો પણ છે. સંસ્કારપ્રેમી તો છે જ, પણ સમાજસેવી પણ છે. અમીર તો છે જ, પણ ઉદાર પણ છે. એ યુવક સંયુક્ત કુટુંબમાં રહે છે. પરિવારના તમામ સભ્યોને એકબીજા પ્રત્યે ગજબનાક આત્મીયતા છે. એ યુવકના પપ્પા સાથે મારી અચાનક જ મુલાકાત થઈ ગઈ અને પછી આ આખી ઘટનાની ખબર પડી, જે હવે હું તમારી સામે મૂકવાનો છું.
એક દિવસ એ યુવકને તેના પપ્પાએ વાત કરી, ‘બેટા! તારી પાસે જે ગાડી છે એ કેટલા સમયથી છે?’
‘સાતેક વર્ષથી...’
‘મારી એક સલાહ છે...’
‘શું?’
‘તું હવે નવી ગાડી લઈ લે...’ પપ્પાએ પ્રેમથી કહ્યું, ‘તારે માટે જરૂરી છે.’
‘લઉં તો ખરો, પણ એક શરત છે...’ યુવકે પોતાના પપ્પા સામે શરત મૂકી, ‘હું નવી ગાડી તો જ લઉં જો તમે પણ નવી ગાડી લઈ લેતા હો...’
‘મારી જે ગાડી છે એ એકદમ બરાબર છે. એને રિપેર કરાવવાની પણ જરૂર નથી પડી તો પછી એને બદલીને શું કામ નવી લેવાની વાત કરવાની.’
દીકરાએ હવે જે વાત કરી એ વાતને સમજવાની જરૂર છે.
‘પપ્પા, આપને ખ્યાલ જ છે કે મમ્મી પર મને ઘણી લાગણી હતી તો મારા પર મમ્મીને પણ ઘણી લાગણી હતી.’ દીકરાએ કહ્યું, ‘આજે મમ્મી આપણી વચ્ચે નથી. સ્વર્ગમાં પહોંચી ગઈ છે. આપની પાસે ગાડી જૂની જ હોય અને હું નવી ગાડી લઈ લઉં તો સ્વર્ગમાં બેઠેલી મમ્મીને કેટલું બધું દુખ થાય, તેને કેવું લાગે કે દીકરો નવી ગાડીમાં ફરે છે અને બાપ જૂની ગાડીમાં?’
‘હા, પણ તેને એ તો ખબર જ હોયને કે નવી ગાડીનું મેં જ તને કહ્યું...’
‘હા પપ્પા, તેને એ ખબર જ હોય તો તેને એ પણ ખબર જ હોયને કે મારો દીકરો તેના બાપને મૂકીને મોજશોખ કરવા કે વટ પાડવા માટે નવી ગાડી નહીં લે.’ દીકરાના જવાબમાં તથ્ય હતું, ‘પપ્પા, એવું તો નહીં જ બને, પહેલાં નવી ગાડી આપની જ આવશે અને મારી ગાડી નવી આવશે તો એ પછી જ આવશે.’
દીકરાની આ વાત સાંભળીને પપ્પાની આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયાં. તેના પપ્પાએ કહ્યું, ‘આજના સમયમાં સંતાનોની ડિમાન્ડ ઊભી જ હોય છે, જ્યારે મારા દીકરાની એક જ ડિમાન્ડ હોય છે, પહેલાં તમે...’
કર્મ અને સંસ્કારનો સમન્વય જ્યાં થતો હોય ત્યાં આપ્તજનોને આ પ્રકારની સુખાકારીનો અનુભવ થતો હોય છે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)