આપણે ધર્મને સમજવાનો નહીં પણ માત્ર પાળવાનો પ્રયાસ કરીએ છીએ

19 September, 2024 11:44 AM IST  |  Mumbai | Swami Satchidananda

સનાતન ધર્મની વ્યાખ્યા સહજ અને સરળ છે. માણસે બનાવેલા શાસ્ત્રીય ધર્મ કે પછી સંપ્રદાય, કુદરતે મૂકેલા આવેગો અને લાગણીઓનો સરવાળો એટલે સનાતન ધર્મ

પ્રતીકાત્મક તસવીર

ધર્મને હંમેશાં ભક્તિની નજરથી જ જોવાને બદલે એને આજના સંદર્ભ સાથે અને સનાતન વાસ્તવિકતાની દૃષ્ટિએ પણ જોવો જોઈએ. જો ધર્મને માત્ર ભાવુકતાની નજરથી જ જોવામાં આવશે તો એ ભાવુકતા વચ્ચે કોઈ પણ લાભ લઈ શકશે અને ધર્મના નામે લેવાતો લાભ, સંસારી ગેરલાભ કરતાં પણ પારાવાર અહિત સર્જનારો હોય છે. આપણે ત્યાંની મોટી માનસિક નબળાઈ એ છે કે આપણે ધર્મને સમજવાનો પ્રયાસ નથી કરતા, પણ આપણે ધર્મને પાળવાની દિશામાં સીધા જ આગળ વધવા માંડીએ છીએ. આ દિશામાં આગળ વધતી વખતે જે કંઈ કહેવામાં આવે છે અને જે કંઈ સમજાવવામાં આવે છે એ જ સત્ય છે એવું પણ આપણે ધારી લઈએ છીએ, પણ હકીકત એ નથી; હકીકત તો એ થઈ કે સામેની વ્યક્તિ જે કહે છે એ શબ્દો પ્રત્યેની શ્રદ્ધાને કારણે જ આપણે એ દિશામાં આગળ વધી રહ્યા છીએ. ધર્મની માનસિકતા જ્યારે પ્રબળ બને ત્યારે શ્રદ્ધા અંધશ્રદ્ધાના વહેણ સાથે વહેવા માંડે અને એ જ્યારે વહેવા માંડે ત્યારે અહિત સાથે દુરુપયોગ કરનારાઓ વધતા જાય. આ જ કારણે મેં હંમેશાં કહ્યું છે કે સાધુબાવાઓ જ્યારે પણ કોઈનો દુરુપયોગ કરે છે ત્યારે જેટલો અધર્મ એ સૌ કરતા હોય છે એટલો જ અધર્મ સંસારીનો પણ છે. જો સંસારી વ્યક્તિને પોતાના આચારવિચાર અને આચરણની ગતાગમ પડતી હોય, જો સંસારી વ્યક્તિને સારપ અને અધમ વચ્ચેનો ભેદભાવ પણ દેખાતો હોય તો કોઈ સાધુબાવાની તાકાત નથી કે તેમને અધર્મના માર્ગ પર તાણી જઈને દુરુપયોગ કરે.

સનાતન ધર્મની વ્યાખ્યા સહજ અને સરળ છે. માણસે બનાવેલા શાસ્ત્રીય ધર્મ કે પછી સંપ્રદાય, કુદરતે મૂકેલા આવેગો અને લાગણીઓનો સરવાળો એટલે સનાતન ધર્મ. આ બધા મુદ્દાઓના પણ અનેક પેટા વિભાગ અને મુદ્દાઓ છે. આ ત્રણ મુદ્દાઓ પૈકી શાસ્ત્રીય ધર્મને ખાસ સમજવો જોઈએ. શાસ્ત્રીય ધર્મના ત્રણ વિભાગ છે એવું કહી શકાય. આ ત્રણ વિભાગ પૈકીના પહેલા વિભાગમાં માન્યતા આવે છે, બીજા વિભાગમાં આચારોનું સંકલન કરવામાં આવી શકે તો ત્રીજા અને અંતિમ વિભાગમાં એ કથાઓનો સમાવેશ થાય છે જેના આધારે ધર્મની વ્યાખ્યા અને ધર્મની પરિભાષાઓમાં સ્પષ્ટતા આવી છે.

શાસ્ત્રીય ધર્મનો સૌથી મોટો દુરુપયોગ થતો રહ્યો છે અને થતો આવવાનો છે, પણ જો આ ત્રણ મુદ્દાને સુપાચ્ય રીતે સમજી શકાય તો એ દુરુપયોગથી અંતર રાખી શકાય છે. ધર્મ વિશે વધારે કશું કરી ન શકાય તો હું એટલું ચોક્કસ કહીશ કે જો બીજું કંઈ ન થઈ શકે તો જરા પણ વિચાર કરતા નહીં. બસ, માણસાઈ છોડતા નહીં, કારણ કે માણસાઈથી મોટો કોઈ ધર્મ હોતો નથી.

culture news life and style columnists