નીઝ્ડન મંદિર માટે ઘણી વાર તો સવારે લંડન જઈને સાંજે પાછા પણ આવ્યા છીએ

02 June, 2024 12:36 PM IST  |  Mumbai | Chandrakant Sompura

કંડલામાં જિગ્સૉ પઝલની જેમ આખું મંદિર તૈયાર કર્યા પછી મંદિરના બધા ભાગોને નીઝ્ડન લઈ જવામાં આવ્યા અને ત્યાં મંદિર ઊભું કરવામાં આવ્યું

નીઝ્ડન સ્વામીનારાયણ મંદિર

ગયા રવિવારે લંડનના નીઝ્ડનના સ્વામીનારાયણ મંદિરની વાત વાંચીને મુંબઈના બે-ત્રણ આર્કિટેક્ટનો ફોન આવ્યો કે એ મંદિર વિશે વધારે વાત કરું. તમને કહ્યું એમ ભારતની બહાર બનેલું પથ્થરનું એ પહેલું મંદિર. નીઝ્ડનના મંદિર માટે જ્યારે નક્કી થયું કે આપણે સ્વામીબાપાનું એ મંદિર માર્બલનું બનાવવું છે ત્યારે અમારી વાત તો એ જ હતી કે આપણે મકરાણાનો સફેદ આરસ વાપરવો જોઈએ. હું તમને અત્યારે પણ કહીશ કે રાજસ્થાનના મકરાણામાંથી મળતો સફેદ આરસ દુનિયાનો સૌથી બેસ્ટ આરસ છે પણ એમ છતાં આપણે ત્યાં હજી પણ અમુકને એવું છે કે ઇટાલિયન માર્બલ વધારે સારો, પણ એવું નથી. ઇટાલિયન માર્બલ કરતાં પણ અનેકગણો ચડિયાતો આપણો મકરાણાનો માર્બલ છે. મકરાણાના માર્બલમાં અમે ઘણું કામ કર્યું છે. રિલાયન્સના મુકેશભાઈ અંબાણીના ઘરે અમે જે હવેલી બનાવી છે એ આ મકરાણા માર્બલમાંથી જ બનાવી છે, પણ નીઝ્ડનના મંદિર માટે એમની ઇચ્છા હતી કે આપણે ઇટાલિયન માર્બલ વાપરીએ, એટલે અમે હા પાડી.

પ્રશ્ન હવે એ આવ્યો કે માર્બલ પર કોતરણી કરી શકે, માર્બલની ટીચી શકે એવા કારીગરો તો તમને લંડનમાં ક્યાં મળવાના અને એક મંદિર બનાવવાનું હોય તો એમાં તો અનેક કારીગરોની જરૂર પડે. સરળ ગણતરી કરીએ તો પણ પાંચસોથી વધારે કારીગરો જોઈએ. આ પાંચસો કારીગરોને ત્યાં લઈ જવા પછી તેમને ત્યાં રાખવા, તેમના ખાવાપીવાની વ્યવસ્થા કરવી એ બધું વધારે પડતું થઈ જાય અને સાથોસાથ એ પણ બીક તો રહે કે જો એકાદ ક્યાંક ચાલ્યો જાય તો આખો સંપ્રદાય વગોવાઈ જાય એટલે અમે સુઝાવ કર્યો કે આપણે એવું કરીએ કે મંદિર આખું અહીં બનાવીએ અને પછી જે પેલી ગેમ હોય છેને જિગ્સૉ પઝલ, એની જેમ આપણે મંદિર ત્યાં આખું ઊભું કરીએ!

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંપ્રદાય માટે અમે અગાઉ પણ મંદિરો બનાવ્યાં હતાં એટલે તેમને અમારા કામ પર શ્રદ્ધા હતી. એ લોકો પણ તૈયાર થયા કે આપણે એવું જ કરીએ એટલે અમે જગ્યાની દરેક દિશાએથી બારીકાઈથી માપ લઈ લીધું અને એ પછી કંડલામાં વર્કશૉપ બનાવી. મંદિર માટે માર્બલ ખરીદવામાં આવે ઇટલીથી. ઇટલીથી માર્બલ આવે આપણા ગુજરાતના કંડલા પોર્ટ પર. અહીંના નિયમ મુજબ જો પોર્ટથી અમુક કિલોમીટરથી વધારે દૂર એને લઈ જવામાં આવે તો એના પર ટૅક્સ અને ઇમ્પોર્ટ-ડ્યુટી અને એ બધું લાગી જાય એટલે અમે કંડલા પોર્ટની રેન્જમાં જ વર્કશૉપ બનાવી અને ત્યાં માર્બલ પર કામ શરૂ કર્યું. તમે ધ્યાનથી સમજવાની કોશિશ કરજો કે મંદિરનો એકેએક ભાગ આપણે ત્યાં તૈયાર થયો અને એ બધા ભાગને નંબર આપવામાં આવ્યા.

મંદિરમાં મુખ્ય શિખર એક હોય અને એની આજુબાજુનાં ચાર શિખર હોય; પણ આ જ મંદિરમાં સ્તંભ હોય, થાંભલી હોય અને એ બધાંનાં માપસાઇઝ જુદાં-જુદાં આવતાં હોય એટલે અમે તૈયાર થતા એ બધા ભાગને નંબર આપવાના શરૂ કર્યા. એ દિવસોમાં અમે એક ઑફિસ એ જ વર્કશૉપમાં કરી નાખી હતી. ઘણી વાર એવું પણ થાય કે નાની અમસ્તી ગડમથલ મનમાં ઊભી થઈ હોય તો તરત તૈયાર કરેલાં ડ્રૉઇંગમાં ચેક કરી લઈએ અને એ પછી પણ જો એવું લાગે કે બે વાર ખરાઈ કરવાની જરૂર છે તો અમારામાંથી તરત એક જણ લંડન જવા માટે રવાના થઈ જાય. થોડા સમય પછી તો અમે ત્યાં પણ આર્કિટેક્ટની વ્યવસ્થા કરી લીધી હતી જે આવી ઇમર્જન્સીમાં અમને જરૂરી ડેટા મોકલી શકે, પણ એ આર્કિટેક્ટને સાથે લીધા અને એ ટ્રેઇન થયા ત્યાં સુધીમાં પણ ઘણો સમય ગયો હતો એટલે અમારે પુષ્કળ વાર નીઝ્ડન જવું પડ્યું અને ત્યાં ગયા પછી ચોવીસ જ કલાકમાં પાછા પણ આવવું પડ્યું હોય.

આખું મંદિર કંડલામાં તૈયાર થવામાં બે-અઢી વર્ષ લાગ્યાં અને એ પછી તૈયાર થયેલા દરેક ભાગને ફરીથી લંડન મોકલવામાં આવ્યા અને ત્યાં આખું મંદિર ઊભું કરવામાં આવ્યું. મંદિર ઊભું કરવાની એ જે પ્રક્રિયા હતી એમાં પણ એકથી દોઢ વર્ષ લાગ્યું હશે. હા,નાનું-મોટું કામ ત્યાં પણ કરવું પડ્યું હતું, જેના માટે અમે બેચાર કારીગરો લઈ ગયા હતા પણ એ માત્ર ફિનિશિંગ કામ માટે હતા. ત્યાં અમે મોટા ભાગે આખું મંદિર ઊભું કરવા માટે જે એક્સપર્ટ્સ જોઈએ એને જ રાખ્યા હતા.

સરવાળે મંદિર તૈયાર થવામાં ચારેક વર્ષ માંડ લાગ્યાં હતાં, પણ તૈયાર થયેલા એ મંદિરના કમ્પ્લીશન સર્ટિફિકેટ માટે અમારે દસ વર્ષ સુધી લમણાઝીક કરવી પડી, જેની બધી વાતો મેં તમને ગયા રવિવારે કરી હતી. આ મંદિર માટે અમને બ્રિટિશ કાઉન્સિલ અને બ્રિટિશ સરકાર દ્વારા અવૉર્ડ પણ આપવામાં આવ્યો છે.

swaminarayan sampraday london life and style columnists culture news